- 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
- 22 જાન્યુઆરીએ કરાશે અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
- 62 કરોડ રામભક્તોને પ્રસાદ પહોંચાડવાની તૈયારીઓ
અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સૌ કોઇમાં અનેરો ઉત્સાહ છે. મંદિર ફરી બનાએંગેનો નારો સાચો પડી રહ્યો છે. મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં દરેક નાગરિક આ અભૂતપૂર્વ ક્ષણનો કોઇને કોઇ રીતે ભાગ બને તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણકાર્ય પહેલા જ પ્રસાદ 62 કરોડ રામભક્તોને પહોંચાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના 45 સંગઠનાત્મક પ્રાંતોના વિશેષ અધિકારીઓ 4 નવેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. 5 નવેમ્બરના રોજ, તેઓ ભગવાન રામના પ્રસાદ તરીકે અક્ષત કળશ લઈને રામ ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે. દેશના પાંચ લાખ ગામોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા પ્રાર્થના કાર્યક્રમમાં જોડાવવાના ઉદ્દેશ્યથી આ કામગીરી કરવામાં આવશે. અક્ષત કળશની સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો પણ આપશે. જે તે વિસ્તારના આગેવાનોને આમંત્રણ પત્રિકા પાઠવીને તેઓને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા સુનિશ્ચિત કરાશે..ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા હોવાથી રામ મંદિર ટ્રસ્ટ અને VHPએ લોકોને અયોધ્યા પહોંચવાને બદલે તેમના સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરી છે.
62 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય- VHP
VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ દરમિયાન લોકો પાસેથી ફાળો એકત્રિત કરવા માટે 44 દિવસનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશના 13 લાખ ગામડાઓના 62 કરોડ લોકો સુધી પહોંચવામાં VHP સફળ રહ્યું હતું. આ ઉપરાંત, રામ મંદિર માટેના આંદોલનથી શરૂ કરીને, ઇતિહાસના વિવિધ સમયગાળામાં લાખો અન્ય લોકોએ મંદિરના નિર્માણમાં તેમની ભૂમિકા ભજવી હતી. તેમનો પ્રયાસ રામ મંદિરના ઉદ્ઘાટનમાં તમામની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ માટે અક્ષત કળશ દ્વારા લોકો સુધી પ્રસાદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન, VHP કાર્યકર્તાઓ દરેકને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે નજીકના મંદિરોમાં પહોંચવા અને પૂજા કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરશે. અત્યાર સુધી, એક લાખથી વધુ મંદિરોમાં પૂજા કરવાની યોજના બનાવવામાં આવી છે, પરંતુ VHP એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશનું કોઈ પણ મંદિર આ અભિયાનમાં ભાગ લેવાથી બાકાત ન રહે. આ માટે તમામ મંદિરોના સંચાલકો અને પૂજારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.