નવરાત્રિ તો આપણા માટે મંગલમય છે જ, પરંતુ એમાં જરા પણ અતિશયોક્તિ નથી કે ઘરમાં જો તમે `રામચરિતમાનસ’નું પારાયણ કરતા હો, તો તમારા ઘરમાં રોજ નવરાત્રિ છે. શિવની આરાધનાની એક રાત્રિ એટલે કે શિવરાત્રિ.
કૃષ્ણપક્ષની પ્રત્યેક ચતુર્દશીને આપણે શિવરાત્રિ જ માનીએ છીએ, પરંતુ મહાશિવરાત્રિનો એક વિશેષ દિવસ છે. શિવજી માટે એક રાત્રિનું આપણે વિશેષરૂપે જાગરણ કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, પરંતુ ભગવતી ભવાની માટે તો મનીષીઓએ નવ રાત્રિનું આયોજન કરીને માતૃપૂજાના મહિમાને શિખરે પહોંચાડ્યો છે. મારો કોઈ `રામચરિતમાનસ’ના પારાયણનો આગ્રહ નથી, પરંતુ એ મારો વિશ્વાસ છે કે જ્યાં જ્યાં `રામચરિતમાનસ’નું પારાયણ થઈ રહ્યું છે ત્યાં નવરાત્રિ છે અને મને ખુશી છે કે આખી દુનિયામાં લોકો `માનસ’નું પારાયણ કરે છે.
તમારે કોઈ અનુષ્ઠાન કરવું હોય અને એ સફળ કરવું હોય તો પાંચ વસ્તુમાં નિષ્ઠા રાખવી. એમ કરશો તો દરેક તિથિ કાં તો મહાશિવરાત્રિ થઈ જશે અથવા દરેક નવ દિન નવરાત્રિ થઈ જશે. પ્રત્યેક સાધક માટે પાંચ નિષ્ઠા જરૂરી છે. એ પાંચ નિષ્ઠામાં થોડું આમતેમ થાય તો કદાચ અનુષ્ઠાન તો પૂરું થઈ જશે; જયજયકાર પણ થશે, અવશ્ય; પરંતુ જે આનંદ આવવો જોઈએ એ ન પણ આવે; વિશેષ પ્રસન્નતાથી જીવન ભરાઈ જવું જોઈએ એ કદાચ ન પણ થઈ શકે.
પાંચ નિષ્ઠા, જેમાંથી પ્રત્યેક સાધકને પસાર થવું પડે છે. ખાસ કરીને જ્યારે શાસ્ત્રનું અનુષ્ઠાન થાય છે ત્યારે એ જરૂરી છે. પછી રામકથા હોય, ભાગવતકથા હોય, દેવીભાગવત હોય, શિવપુરાણ હોય કે કંઈ પણ હોય. બધી રામકથા જ છે. `જો બોલે સો હરિકથા.’ સમગ્ર અસ્તિત્વ રામકથા ગાઈ રહ્યું છે. કોણ કોણ ગાઈ રહ્યું છે?
ગાબત બ્રહ્માદિક મુનિ નારદ.
બાલમીક બિગ્યાન બિસારદ.
ગાવત બેદ પુરાન અષ્ટદસ.
છઓ સાસ્ત્ર સબ ગ્રંથન કો રસ.
એનો મતલબ એ થયો છે કે આખું વિશ્વ રામકથા ગાઈ રહ્યું છે; પછી કોઈ પણ ચરિત્ર હોય.
તો પાંચ નિષ્ઠા. પહેલી નિષ્ઠા છે ગુરુનિષ્ઠા. જે વ્યક્તિમાં ગુરુનિષ્ઠા નથી એમનું અનુષ્ઠાન કદાચ યંત્રવત્ સફળ પણ થઈ જાય, પરંતુ જગદગુરુ આદિ શંકરાચાર્ય કહે છે એવી, પરમાત્માનાં દર્શનના દરવાજા ખૂલી જાય એવી પ્રસન્નતા ન પણ આવે. રામકથાના કોઈ પણ ગાયકમાં, શાસ્ત્રના કોઈ પણ ગાયકમાં ગુરુનિષ્ઠા હોવી જ જોઈએ. શાખાઓ બહુ ઉપર ચડી જાય પછી એને મૂળ ન દેખાય તો એ એનું દુર્ભાગ્ય છે! ક્યારેક ક્યારેક આપણે એટલા ઉન્નત થઈ જઈએ છીએ, એટલી પ્રગતિ કરી લઈએ છીએ કે મૂળમાં જેમના આશીર્વાદ છે એ તત્ત્વને, મૂળને આપણે ભૂલી જઈએ છીએ!
બીજી છે નામનિષ્ઠા. જેમની નામનિષ્ઠા કમજોર છે એમનું અનુષ્ઠાન પણ સફળ થતું નથી. તો નામનિષ્ઠા બહુ જરૂરી છે. ત્રીજી નિષ્ઠા છે શાસ્ત્રનિષ્ઠા. જેમને પોતાના શાસ્ત્ર ઉપર નિષ્ઠા નથી એ પંડિત હોઈ શકે, સાધુ ન હોઈ શકે. એ દરવાજો બંધ કરી શકે કે તમે આટલામાં જ રમો. એ દરવાજો ખોલી નથી શકતા કે તમે મુક્તગગનમાં ઘૂમો. શાસ્ત્રનિષ્ઠા હોવી જોઈએ અને સાચી શાસ્ત્રનિષ્ઠા એ છે કે બીજાને બીજા કોઈ શાસ્ત્ર પર નિષ્ઠા હોય તો એની આલોચના કે ઉપેક્ષા ન કરે. જેમની જ્યાં પણ નિષ્ઠા હોય એ બધી નિષ્ઠાને સલામ કરે. ચોથી છે શિવનિષ્ઠા. જેમણે મહાદેવની નિષ્ઠા ગુમાવી છે એ માણસના અનુષ્ઠાનમાં આનંદ નથી હોતો, કેમ કે શિવ રામકથાના પ્રથમ સર્જક છે. હું સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજને શ્રદ્ધાપૂર્વક યાદ કરું; તેઓ કહેતા કે વાલ્મીકિ આદિકવિ છે, પરંતુ મહાદેવ અનાદિ કવિ છે.
રચિ મહેસ નિજ માનસ રાખા.
પાઈ સુસમઉ સિવા સન ભાષા.
જેમની મહાદેવની નિષ્ઠા કમજોર હોય; સંપ્રદાયની સંકીર્ણતાને કારણે જે મહાદેવથી દૂર ગયા હોય એ પ્રતિષ્ઠા પામી શકે છે, પરંતુ શિવકૃપા વિના એ સફળ નથી થઈ શકતા.
પાંચમી શબ્દનિષ્ઠા. માણસની પોતાની શબ્દનિષ્ઠા હોવી જોઈએ અને શબ્દનિષ્ઠા ત્યારે કમજોર થાય છે, જ્યારે સત્ય કમજોર હોય છે. વેશ બદલી શકાય છે, પરંતુ વૃત્તિ અને વાણીમાં પરિવર્તન કરવું બહુ કઠિન છે. `રામચરિતમાનસ’ના આરંભમાં વાણીની વંદના છે. `મંગલાનાં ચ કર્તારૌ વન્દે વાણીવિનાયકૌ.’ `માનસકાર’ પહેલાં વાણીની વંદના કરે છે; શબ્દની અધિષ્ઠાત્રિનું વર્ણન કરે છે. મહાત્મા ગાંધીબાપુના બોલ અસફળ નહોતા થતા. શા માટે? એમાં શબ્દનું સત્ય હતું; એ સત્યમાંથી નીકળેલા શબ્દો હતા.
પાંચ નિષ્ઠાથી જો આપણે આગળ વધીશું તો અનુષ્ઠાન ખૂબ જ આનંદથી આપણને ભરી દેશે. આપણી નિષ્ઠા ગુરુમાં કાયમ હોય; આપણી નિષ્ઠા આપણા શાસ્ત્રમાં કાયમ હોય; આપણી નિષ્ઠા નામમાં કાયમ હોય; આપણી નિષ્ઠા મહાદેવમાં કાયમ હોય; આપણી નિષ્ઠા આપણા શબ્દોમાં કાયમ હોય.
મહામોહુ મહિષેસુ બિસાલા
રામકથા કાલિકા કરાલા.
રામુ કામ સત કોટિ સુભગ તન.
દુર્ગા કોટિ અમિત અરિ મર્દન.
રામકથા સ્વયં દુર્ગા છે, જગદંબા છે, કાલિકા છે. રામકથાની પ્રથમ શ્રોતા પણ દુર્ગા છે. રામકથાની આદિ જ નહીં, અનાદિ પ્રથમ શ્રોતા દુર્ગા છે. દુર્ગા વિના કથા સાંભળી નથી શકાતી, કેમ કે કથા દુર્ગા છે; કથાનો નાયક દુર્ગા છે અને કથા સાંભળનારાં પણ અરધાં દુર્ગા છે.
`રામચરિતમાનસ’માં ગોસ્વામીજીએ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષરૂપે ભવાનીનું દર્શન કરાવ્યું છે. `ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણો.’ પહેલાં દુર્ગાનો પરિચય; ભવાનીનો, પાર્વતીનો, જે નામ આપવા માગો તે. ગોસ્વામીજી કહે છે, ભવાની શ્રદ્ધા છે. `ભગવદ્ગીતા’ ત્રણ પ્રકારની શ્રદ્ધાની ઉદ્ઘોષણા કરે છે. સાત્ત્વિકી, રાજસી અને તામસી. શ્રદ્ધાનાં ત્રણેય રૂપ `માનસ’માં મળે છે. સાત્ત્વિક શ્રદ્ધા પણ મળે છે, જે ભવાનીનું એક રૂપ છે. રાજસી રૂપમાં પણ એક મળે છે અને તામસી રૂપમાં પણ મળે છે. મારી શ્રદ્ધા ગુણાતીત શ્રદ્ધા છે; વિશેષણમુક્ત શ્રદ્ધામાં છે. એક વ્યક્તિમાં તમારી સાત્ત્વિક શ્રદ્ધા હોય, પરંતુ એ વ્યક્તિમાં તમને સાત્ત્વિકતા ઓછી જોવા મળે તો તમારી સાત્ત્વિક શ્રદ્ધા ડામાડોળ થવાની સંભાવના છે. રાજસી શ્રદ્ધા પણ બહુ ટકાઉ નથી. તામસી શ્રદ્ધા તો બિલકુલ નહીં. ગુણાતીત શ્રદ્ધા હોવી જોઈએ. ન રાજસ, ન તમસ, કંઈ ન રહે. ભવાની એ શ્રદ્ધા છે. એટલા માટે ભવાનીની આગળ-પાછળ કોઈ વિશેષણ નથી.