- ગણેશ ચતુર્થી
શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ માહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેમની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવ સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૂપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે, પરંતુ તેમના અવતાર અંગે આપણા ગ્રંથોમાં વિભિન્ન કથાઓ પ્રચલિત છે.
ગણેશજન્મની વિવિધ કથાઓ
ગણેશજીના જન્મની વિવિધ કથાઓ આપણને શિવપુરાણ, લિંગપુરાણ, ગણેશપુરાણ, વરાહપુરાણ અને પદ્મપુરાણમાં જોવા મળે છે.
વરાહપુરાણ અનુસાર સ્વયં શિવે પંચ તત્ત્વને મેળવીને ગણેશનું સર્જન બહુ તન્મયતાથી કર્યું હતું. શિવજીએ ગણેશજીનું ખૂબ જ સુંદર અને આકર્ષક સર્જન કર્યું હતું, પરંતુ ગણેશનું અનુપમ સૌંદર્ય જોઈને દેવો પણ તેમની ઇર્ષા કરવા લાગ્યા, કારણ કે માત્ર ગણેશ જ સમગ્ર દેવી-દેવતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા તેથી દેવી-દેવતામાં ખળભળાટ મચી ગયો અને શિવજીએ આ ઉત્પાતને શાંત કરવા માટે તેમનું પેટ મોટું બનાવી દીધું અને ચહેરાનો આકાર પણ ગજ જેવો કરી દીધો. શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડ્યા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા. શિવજીએ બહુ સમજાવવા છતાં માતૃઆજ્ઞાનું પાલન કરવા માટે મહાદેવને પ્રવેશ ન આપ્યો ત્યારે મહાદેવનું અપમાન શિવગણોથી સહન ન થયું અને શિવગણોએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ બાળક ગણેશને હરાવી શકાય તેમ ન હતું તેથી ક્રોધે ભરાયેલા શિવજીએ તેનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું. પરિણામ સ્વરૂપ પુત્રવધથી માતા પાર્વતી ક્રોધિત થયાં અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું ત્યારબાદ સર્વે દેવો દ્વારા માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરીને શિવજીએ ઉત્તર દિશામાંથી આવતા ગજનું માથું કાપીને ગણેશના ધડ પર મૂકીને તેમના દેહમાં ફરી પ્રાણ ફૂંક્યા, તેથી તે ગજાનન કહેવાયા
અન્ય એક કથા પણ પ્રચલિત છે કે પાર્વતીજીએ અને શિવજીએ દૂર્વાના તણખલાથી તેમનું સર્જન કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, એક વાર પાર્વતીજી અને મહાદેવ નર્મદાના તટ પર વિહાર કરવાં ગયાં. સુંદર સ્થાન પર માતા પાર્વતીએ ચોપાટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મહાદેવે કહ્યું, `આપણે ચોપાટ તો રમીએ, પણ આપણી હાર-જીતનો નિર્ણય કરવા માટે કોઈ સાક્ષી જોઈએને! ત્યારે પાર્વતીજીએ ઘાસના તણખલામાંથી એક બાળકની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને તેમણે કહ્યું કે `બેટા, અમે ચોપાટ રમીશું, પરંતુ હાર-જીતનો સાક્ષી તું રહીશ. તારે નિર્ણય કરવાનો કે કોણ હાર્યું અને કોણ જીત્યું.’ આ રીતે ગણેશનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાયા. સૌપ્રથમ વાર તેમનું સર્જન દૂર્વાના તણખલામાંથી કરવામાં આવ્યું હતું તેથી તેમને દૂર્વા ખૂબ જ પ્રિય છે અને ગણેશપૂજામાં વિઘ્નેશ્વરાય નમઃ નો મંત્રજાપ કરીને દૂર્વા ચડાવવાથી મનવાંછિત ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
ગણેશજીનું સ્વરૂપ અને શુભ સંદેશ
ગણપતિજીની ઝીણી આંખો એ સૂચવે છે કે દરેક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને દરેક વાતનો ઝીણવટથી ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ. તેમની નાની આંખો ઝીણવટથી જોવાની સાથે સાથે ખરાબ ન જોવાનો પણ ઉપદેશ આપે છે. ગણપતિનું મોટું નાક એ સમજાવે છે કે લાંબેથી સૂંઘવું એટલે કે કોઈ પણ બાબતનો દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવો અને તપાસ કરીને નિર્ણય કરવો. વળી, નાક એ પ્રતિષ્ઠાનું સૂચક હોવાથી નાક સાચવીને કામ કરવું. નાક કપાય એટલે કે પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવું કામ ન કરવું જોઈએ. ગણપતિનું નાનું માથું નિરાભિમાની સ્વભાવનું સૂચક છે. મોટું પેટ ઉદારતાનું સૂચક છે. કોઈ ગમે તે કહે, પણ બધું પેટમાં ઉતારી દે, ગળી જાય અને શાંત રહે. તેમનું વાહન ઉંદર છે. એનો અર્થ એ કે ઉંદર અવાજ કર્યા વિના ઉપર, નીચે-ઊંડે બધે જ બરાબર ફરી શકે. મહેલમાં પણ સમાય અને ઝૂંપડીમાં પણ ફરી શકે. આમ સમાજનો આગેવાન કે નેતા પણ કોઈ પણ બાબતની ઝીણવટથી તપાસ કરીને દીર્ઘ દૃષ્ટિથી વિચારનાર હોવો જોઈએ. તે નિરાભિમાની અને ગમે તેવી ટીકાઓ ગળી જાય તેવો હોવો જોઈએ. ઉંદરની માફક ઉપલા-નીચલા થરમાં, ઉપર-નીચે, મહેલ અને ઝૂંપડીમાં બધે જ શાંતિપૂર્વક જઈ શકે તેવો હોવો જોઈએ.
મા-બાપની સેવા એ જ શ્રેષ્ઠ સેવા છે તેવું માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમાજને ઉત્તમ સંદેશ ગણપતિએ આપ્યો છે. ગણપતિને કારણે આપણને મહાભારત જેવો ધાર્મિક-સામાજિક ગ્રંથ મળ્યો છે. ગણપતિનો એક જ દાંત દેખાય છે, કારણ કે મહાભારત લખવા માટે એક દાંત તોડીને તેમણે કલમ બનાવી હતી. આમ, સમાજ માટે દાંત જેવા ઉપયોગી અવયવનો ત્યાગ કર્યો અને તે પણ મહાભારત લખવા જેવા વિદ્યાપયોગી કાર્ય માટે! તેમના માથા પર ચંદ્રમાની શોભા શાંત, શીતળ અને સમતુલિત સ્વભાવનું પ્રતીક છે. ગણપતિનાં બે હથિયાર છે, પાશ અને અંકુશ. પાશ બંધનનું પ્રતીક હોવાથી તે સંસારનાં બંધનથી દૂર રહેવા સૂચવે છે જ્યારે અંકુશ ખરાબ વૃત્તિઓ, કુટેવો અને દુર્ગુણોથી દૂર રહેવાનો સંદેશ આપે છે.
ગણપતિને પ્રિય વાનગી લાડુ છે જે સંગઠન શક્તિનું પ્રતીક છે અને સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપે છે. સાથે સાથે સમાજમાં સૌ સાથે મીઠાશપૂર્વક રહેવાનો અને આનંદ તથા મૌલિક આહારનો પ્રેરક સંદેશ આપે છે. ગણપતિનું મૌન એ વાણીના સંયમનો ઉપદેશ આપે છે અને સમજાવે છે કે સંયમથી જ સિદ્ધિ મળે છે. ગણપતિને કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકસાનકારક હોવાથી તેઓ તેને નીચે દાબી રાખે છે. તેમના એ હળનું અને મોટા કાન એ સૂપડાનું પ્રતીક છે. ગણપતિની જીભ દેખાતી નથી એ સૂચવે છે કે જીભનો વધારે પડતો ઉપયોગ અનેક આફતો. નોતરે છે એટલે જીભને નાછૂટકે બહાર કાઢવી જોઈએ. આમ, ગણેશજીનું પ્રત્યેક અંગ જીવનબોધક અને ચિંતનાત્મક ઉપદેશ આપે છે.
ગણેશોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અને વિસર્જન
આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી, પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોકમાન્યના પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ઈ.સ. 189૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં અને બસ, ત્યારથી જ પરંપરાગત રીતે ઊજવણી શરૂ થઈ.
આજે ભારતભરમાં અને વિદેશોમાં પણ `ગણેશોત્સવ’ ધામધૂમથી ઊજવાય છે. ગણેશચતુર્થીએ ગણેશજીની માટીની મૂર્તિ બનાવીને કે લાવીને, પધરામણી-સ્થાપના કરાય છે, ષોડ્શોપચાર પૂજા કરી નૈવેદ્ય ધરાવાય છે. એ જ દિવસે કે ત્રીજા, પાંચમા કે દશમા દિવસે સાંજે ધામધૂમપૂર્વક ગણેશજીની વિદાય-યાત્રા કાઢીને, મૂર્તિનું જળમાં વિસર્જન કરાય છે. બીજા કોઈ પદાર્થ કે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી તો જળ પ્રદૂષિત થાય. આપણાં શાસ્ત્રોમાં પણ ગણપતિ-મૂર્તિને માટીની જ જણાવી છે. માટીના ગણપતિ બનાવીને જળ-પર્યાવરણની શુદ્ધિ-સમતુલા જાળવવી, એ `ગણપતિ-વિસર્જન’નો સાંપ્રત સંદેશ છે, ભારતીય વેદાન્ત પ્રમાણે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમ પાંચ તત્ત્વોના સંયોજનથી સૃષ્ટિના પદાર્થો સર્જાય છે અને તેમનું વિસર્જન થતાં પોતાનાં મૂળ તત્ત્વોમાં એ વિલીન થઇ જાય છે. ગણેશના સર્જનમાં અને ગણેશોત્સવના વિસર્જનમાં સૃષ્ટિના સર્જન-વિસર્જનનું વૈજ્ઞાનિક સત્ય પ્રગટ થાય છે. પાંચ તત્ત્વોમાં પહેલું જળ ઉત્પન્ન થયેલું. ગણપતિ જળના અધિષ્ઠાતા દેવ છે, તેથી એમનું પૂજન સૌથી પહેલું કરાય છે અને વિસર્જન પણ જળમાં જ કરાય છે.
ગણપતિ વિસર્જનમાંથી પ્રગટ થતું એક બીજું સનાતન સત્ય પણ સમજવા જેવું છે. ગણપતિ-વિસર્જન એટલે ગણેશની માટીની મૂર્તિનું વિસર્જન, નહીં કે એ મૂર્તિમાં વિરાજમાન ભગવાન ગણપતિનું! માનવદેહ વિલીન થાય, નાશ પામે કે એનું મૃત્યુ થાય, પરંતુ એ દેહમાં રહેલો આત્મા તો અજરામર છે. એનો કદાપિ નાશ થતો નથી. એનો અર્થ એ થયો કે આપણે માટીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, ભગવાન ગણપતિનું નહીં, ભગવાન તો સદૈવ આપણી સાથે રહે છે. આવી શ્રદ્ધા સાથે વિસર્જન કરાય છે.
આમ, ગણેશ ઉત્સવથી ગણેશજી ઘર – પરિવારનું, રાષ્ટ્રનું, દેશનું, સમાજનું ચોક્કસપણે કલ્યાણ કરે છે. જ્યાં જ્યાં આવા પવિત્ર ઉત્સવ ઊજવાય છે ત્યાં ત્યાં ક્યારેય પણ દુઃખ, સંકટ કે વિઘ્નો આવતાં નથી. હરહંમેશ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, યશ, કીર્તિ, રિદ્ધિ-સિદ્ધિ, બુદ્ધિ અને લાભ-શુભ સદાય વસે છે.
ગણેશ આરાધનાનું અનેરું મહત્ત્વ
ગણપતિ મનોકામનાના દેવતા છે. તે શિવજીના પુત્ર હોવાથી મહાદેવની જેમ ગણદેવતા પણ બહુ સરળ પૂજાવિધિથી પ્રસન્ન થઈ જાય છે. જીવનના દરેક વળાંકે અડચણ અને સંકટો મોં ફાડીને ઊભાં જ હોય છે ત્યારે આ સાચી શક્તિથી જ જીવનની નૈયા નિર્વિઘ્ને પાર થઈ શકે છે. ગણેશજીની સાધના, આરાધના, ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. સંકટો દૂર થતા જીવન સરળ બની જાય છે. ગણેશ માનસિક સુખશાંતિના દાતા હોવાની સાથે તેઓ ભૌતિક ક્ષેત્રે પણ ભક્તને સમૃદ્ધિ પ્રદાન કરે છે, કારણ કે ગણેશના આવાહ્નની સાથે સાથે રિદ્ધિ સિદ્ધિનું પણ આગમન થાય છે તેથી ગણેશની આરાધના ભૌતિક સંપદાનું વરદાન પણ આપે છે.
પારદ ગણેશની પૂજા કરવાથી કે તેની ઘર, ઓફિસ કે દુકાનમાં સ્થાપના કરવાથી આર્થિક લાભ થાય છે. પારદ ગણેશ પર બુધવારે ગુલાબનું ફૂલ ચઢાવવાથી ધનપ્રાપ્તિના માર્ગ ખૂલે છે. સર્વત્ર વિજય મળે છે. આ રીતે ગણેશનું મંગલમય સ્વરૂપ સંકટોને દૂર કરીને જીવનને હર્ષોલ્લાસ અને આનંદથી ભરી દે છે.
ગણેશ ચતુર્થી અને ચતુર્થી વ્રત
ભગવાન ગણપતિ વિશે મુદ્ગલ પુરાણમાં કથા છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી શેષ કાર્યો સિદ્ધ કરવા સિદ્ધિદાતા ગણેશનું ધ્યાન ધર્યું, તો એમના દેહમાંથી તિથિઓની માતા સ્વરૂપ તેમજ પરા પ્રકૃતિ સ્વરૂપ દેવી પ્રગટ થયાં, તે દેવી `ચતુર્થી’ તરીકે ઓળખાયાં. ગણેશપુરાણના ઉપાસના ખંડમાં અને `મુદ્ગલપુરાણ’માં ગણેશચતુર્થીના શુક્લ-કૃષ્ણ પક્ષનાં વિવિધ વ્રતોનું નિરૂપણ થયું છે. ગણેશનો જન્મ ચંદ્રોદય વેળાએ થયેલો, તેથી એ ચંદ્રને શિવજીએ મસ્તક પર સ્થાન આપ્યું. ચંદ્રનો અંશ પુત્ર ગણપતિના મસ્તકે પણ શોભે છે તેથી ગણપતિના વ્રતમાં ચંદ્રદર્શન મંગળકારી મનાયું છે, પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્રદર્શનના નિષેધ અંગેની પૌરાણિક વ્રતકથા આ પ્રમાણે છે. એક વાર ચંદ્ર ગણેશજીનું હાથીનું મુખ, દુંદાળું પેટ જોઈ ખડખડાટ હસ્યો. ગણપતિએ કહ્યું કે હે ચંદ્ર! તેં તારા ઊજળા રૂપનો ગર્વ કર્યો છે, તેથી તને શાપ આપું છું. આજે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને ભૂલેચૂકે તને જોશે તો એને કલંક લાગશે, એના પર કોઈ અણધારી આફત આવશે’. ચંદ્રદેવને લાગેલા શાપના નિવારણ માટે બ્રહ્માજીએ ઉપાય બતાવ્યોઃ `ભાદરવા સુદ એકમથી ચોથ સુધીનું ચંદ્રએ વ્રત કરવું. આ વ્રતમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી પૂજા, અર્ચના અને ઉપાસના કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવવા. સાંજે મૂર્તિને વાજતે-ગાજતે નદી-જળાશયે લઈ જઈ, જળમાં પધરાવવી.’ ચંદ્રએ વ્રત આરંભ્યું, ગણપતિની ક્ષમાયાચના કરી. ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થઈ ગણેશે શાપને હળવો કરતાં જણાવ્યું: `જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજે ચંદ્રનાં દર્શન કરશે તો તેને કલંક લાગશે, પણ આવું વ્રત કરનારને હું સંકટમાંથી મુક્ત કરીશ.’ આ રીતનું વ્રત કરી ચંદ્ર શાપમુક્ત થયો.