ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બાદ રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ભારતીય સ્પિનરે મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
BCCIએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં અશ્વિને ડ્રેસિંગ રૂમમાં પોતાની લાસ્ટ સ્પીચ આપી રહ્યો છે. આ સ્પીચ દરમિયાન વિરાટ કોહલીની આંખોમાં આંસું જોવા મળ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે અશ્વિન ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે તમામ ખેલાડીઓને મળે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટાર સ્પિનર નાથન લિયોન પણ અશ્વિનને મળવા આવ્યા. કમિન્સે ભારતીય સ્પિનરને ઓસ્ટ્રેલિયાની સહી કરેલી જર્સી ભેટમાં આપી. ત્યારપછી ધીમે ધીમે અશ્વિન ખેલાડીઓને મળતા ડ્રેસિંગ રૂમમાં પહોંચે છે.
વિરાટ કોહલીની આંખોમાં જોવા મળ્યા આંસું
ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ અશ્વિન પોતાની લાસ્ટ સ્પીચ આપે છે. જેમ-જેમ સ્પીચ આગળ વધે છે, કેમેરા વિરાટ કોહલી તરફ જાય છે, જ્યાં તે એકદમ ભાવુક જોવા મળે છે. સ્પીચની શરૂઆત કરતા અશ્વિને કહ્યું, “ટીમ હડલમાં બોલવું સરળ છે. આ મારા માટે ખૂબ જ લાગણીશીલ ક્ષણ છે. એવું લાગે છે કે તે 2011-12માં આવી હતી. ઓસ્ટ્રેલિયાનો મારો પ્રથમ પ્રવાસ. મેં ટ્રાઝિશન જોયું. રાહુલ ભાઈ ગયા, સચિન પાજી ગયા, પણ મારા પર વિશ્વાસ કરો દરેકનો સમય આવે છે અને આજે મારો સમય હતો.” આ દરમિયાન કિંગ કોહલી ભાવુક જોવા મળ્યો હતો.
અશ્વિનનું આંતરરાષ્ટ્રીય કરિયર
અશ્વિને 2010માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી, જે 2024માં પૂરી થઈ હતી. ભારતીય સ્પિનરે તેની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 106 ટેસ્ટ, 116 વનડે અને 65 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 200 ઈનિંગ્સમાં અશ્વિને 537 વિકેટ લીધી હતી અને 151 ઈનિંગ્સમાં 3503 રન બનાવ્યા હતા. આ સિવાય તેને ODIમાં 156 વિકેટ અને 707 રન બનાવ્યા હતા. બાકીની T20 ઈન્ટરનેશનલમાં ભારતીય સ્પિનરે 19 ઈનિંગમાં 72 વિકેટ લીધી અને બેટિંગ કરતા કુલ 184 રન બનાવ્યા.