ભારતીય ટીમનો અનુભવી સ્પિન બોલર આર અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે ભારત પરત ફર્યો છે. ચેન્નાઈ પહોંચતા અશ્વિનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વિનના માતા-પિતાએ તેનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અશ્વિને ચેન્નાઈ એરપોર્ટ પર રિપોર્ટના સવાલોના જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો, પરંતુ બાદમાં પોતાના ઘરની બહાર સંબોધન કરતા તેણે ઘણી મોટી વાતો કહી.
અશ્વિનને કોઈ પસ્તાવો નથી
પત્રકારોને અશ્વિને કહ્યું, “મને કોઈ પસ્તાવો નથી. મેં દૂરથી ઘણા લોકોને અફસોસ સાથે જોયા છે, પરંતુ હું મારું જીવન આ રીતે જીવવા માંગતો નથી.” અશ્વિને વધુમાં કહ્યું કે, હું શક્ય તેટલા લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા માંગુ છું. જે બાદ અશ્વિને ઘરની બહાર આવેલા તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે જ્યારે હું વર્લ્ડકપ 2011 જીતીને ઘરે પાછો આવ્યો ત્યારે મારું પણ આવું જ સ્વાગત થયું અને તે યાદો તાજી થઈ ગઈ.
ગાબા ટેસ્ટ પછી નિવૃત્તિ લીધી
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. પાંચમા દિવસે વરસાદના કારણે આ મેચ ડ્રો રહી હતી. હાલમાં બંને ટીમો ત્રણ મેચ બાદ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. આ મેચ બાદ જ અશ્વિન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિનની ટેસ્ટ કરિયર ઘણું શાનદાર રહી છે, તેણે 106 મેચમાં બોલિંગ કરતા 537 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન અશ્વિને 37 વખત 5 વિકેટ ઝડપી હતી.