IFJD દ્વારા યોજાયેલ બનારસી બાઝારમાં દિવ્યાંગ બાળકો પણ બનીઠનીને રેમ્પ પર રુઆબ ભેર ચાલશે
બનારસી રેશમી મુલાયમ પર્પલ કલરના કપડાં,ચહેરા પર મેક અપ સાથે સ્મિત અને નિખાલસ ભાવ જોઈને થાય છે આત્મસંતોષ: બોસ્કી નથવાણી
બનારસી રેશમી મુલાયમ અને પર્પલ કલરના કપડાં,ચહેરા પર મેક અપ સાથે સ્મિત અને વધારે ખબર પડતી ન હોવા છતાં જે કંઈ થાય છે તેમાં અત્યંત આનંદ અનુભવતા તેઓને જે કંઈ શીખવવામાં આવે છે તે ઉત્સાહભેર શીખે છે.આ વાત છે એ આઠ દિવ્યાંગ બાળકોની કે જેઓને ખબર નથી કે આ તેમના જીવનની ખૂબ મહત્વની ક્ષણો છે અને ફેશનની અલગ દુનિયામાં તેઓ ડગ માંડવાના છે.રાજકોટમાં IFJD દ્વારા દર બે વર્ષે ફેશન શોનું આયોજન થાય છે જેમાં આ વર્ષે ફેશન શો સાથે અલગ કોન્સેપ્ટ માં બનારસ બાઝાર નું આયોજન કરવામાં આવ્યું છે તા.17 ડિસેમ્બરના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં આઠ દિવ્યાંગ બાળકો પણ બનીઠનીને રુઆબ ભેર ચાલવાના છે. આ દિવ્યાંગ બાળકો માટેના ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઈનર મીનલ ચાવડાએ તૈયાર કર્યા છે પર્પલ કલર ના બનારસી કાપડમાંથી બનાવેલા આ ડ્રેસ માં બાળકો ખૂબ જ સુંદર લાગે છે. ભગવાને કેટલીક ખામીઓ સાથે જેઓને સમાજમાં મોકલ્યા છે તેનામાં ખૂબી શોધી આત્મવિશ્વાસ વધારવાનું કામ IFJD ના બોસ્કી નથવાણી કરી રહ્યા છે.
ગત વર્ષે ખૂબ જહેમત ઉઠાવીને વી..ડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ યુવતીઓને રેમ્પ વોક કરાવ્યું હતું જ્યારે આ વર્ષે સેતુ સંસ્થાના દિવ્યાંગ બાળકોને રેમ્પ વોક કરાવશે.આ ખાસ બાળકોને ટ્રેનિંગ આપવાનું સહેલું નથી આ બાબત બોસ્કી નથવાણી એ જણાવ્યું કે,” હાલમાં આ બાળકોને તેઓ રેમ્પ વોકની ટ્રેનિંગ આપી રહ્યા છીએ.કઈ રીતે ચાલવું શું,સ્ટાઇલ કરવી,કઈ રીતે અલગ અલગ પોઝ આપવા વગેરે શીખવી રહ્યા છીએ. આ બાળકોને શીખવવું એ એક મોટી ચેલેન્જ છે કારણ કે દરરોજ જે શીખવીએ છીએ તે બીજા દિવસે બાળક ભૂલી જાય છે તેથી ફરીથી એકડો ઘુંટવો પડે છે આમ છતાં તેઓનો ઉત્સાહ જોઈને અમારો પણ આત્મવિશ્વાસ વધી જાય છે.થોડો સમય તો તેઓ સાથે આત્મીયતા કેળવવામાં લાગ્યા.”
આ ફેશન શોમાં સેતુ સંસ્થાના પિનલ છનિયારા, હેમાલી નકુમ, રક્ષા ગોહેલ, જાનવી જોશી, મીત કલ્યાણી, પાર્થ પાટડીયા, જયદીપ ગોહેલ, મિહિર ગોરવાડિયા રેમ્પ વોક કરી લોકોના દિલ જીતી લેશે. સેતુ સંસ્થામાં બાળકોમાં આત્મવિશ્વાસ આવે અને આત્મનિર્ભર બને તે માટે જાગૃતિબેન ગણાત્રા અને નેહાબેન ઠાકર દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, એ જ રીતે ફેશન શો માટે પણ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે.આ ટ્રેનિંગમાં બોસ્કી નથવાણી સાથે મનીષા દોશી પણ મદદ કરી રહ્યા છે.બસ બાળકોને એક મુઠ્ઠી આત્મવિશ્વાસ અને આત્મસમ્માન મળે એનાથી વિશેષ ખુશી કઈ હોય.