ભાજપના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ પોતાની પાર્ટીના જ બજેટની જોગવાઇનો ચિઠ્ઠી લખી અને શા માટે કર્યો વિરોધ ?
નિર્મલા સિતારમણના બજેટના વખાણ કરવાવાળાઓએ વખાણ કર્યા.ટિકા કરનારાઓએ ટિકા કરી. રાહુલ ગાંધીએ સંસદમાં બજેટની ચર્ચા કરતાં આ બજેટને ખેડુત વિરોધી પછાત વિરોધી, ગરીબ વિરોધી ગણાવ્યુ. વિપક્ષી નેતા તરીકે તેમની આ ભૂમિકા સમજી શકાય તેવી છે. પરંતુ ર૭મી જુલાઇએ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણને એક પત્ર લખી બજેટમાં જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી અને મેડિકલેઇમ પોલીસી ઉપર જીએસટી લાદવામાં આવ્યો છે તે હટાવી દેવા માગણી કરી છે. લોકોના જીવનની સુરક્ષા સામે પણ આ સરકાર સંવેદનશીલ નથી એવો તેમનો ઇંગિત અર્થ છે. નિર્મલા સિતારમણે આ બજેટ રજૂ કર્યુ છે. પરંતુ આ બજેટ મોદી સરકારનું બજેટ છે. ગડકરી પણ કેબિનેટ મંત્રી છે એટલે તેમની સરકારનું બજેટ પણ છે. તો આ બજેટનો પત્ર લખીને વિરોધ શા માટે ? આ ચિઠ્ઠી સાર્વજનીક કરી મિડિયા સુધી પહોંચાડવા પાછળનો આશય શું ? ભાજપમાં શીત યુધ્ધ શરૂ થઇ ગયુ છે. ?
અટકળો તેજ બની ગઇ છે. નીતિન ગડકરીએ કુકરી ગાંડી કરી છે. નીતિન ગડકરી ભાજપની કોર કમિટિના સભ્ય હતાં. દોઢેક વર્ષ પહેલાં તેમને હટાવવામાં આવ્યા છે. સંઘના વડા મથક નાગપુરના તેઓ સાંસદ છે. સંઘના તમામ વડાઓ સાથે નિકટતાં ધરાવે છે. મોદી સરકારમાં રહી વિપક્ષોને મુદો મળે એવો મુદો જાહેરમાં ઉઠાવવા માટે નીતિન ગડકરી એક માત્ર હિંમત ન કરે. જો તેમને જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી સામે વાંધો હોય તો નિર્મલા સિતારમણ કે વડાપ્રધાન મોદીને ખાનગી રાહે બંધ કમરામાં પણ આ રજૂઆત કરી શકતાં હતાં. તેમના દિલની વાત કરી શકતા હતાં.પરંતુ ગડકરીએ લખેલો પત્ર સાર્વજનીક થઇ ગયો છે. લગભગ તમામ મિડિયામાં આ પત્ર ફરી રહયો છે. મતલબ કે આ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ છે.
ગડકરીએ મોદી સરકારના એટલે કે પોતાની સરકારના નિર્ણયને ચેલેન્જ કરે છે મતલબ કે ભાજપમાં કોલ્ડવોર શરૂ થઇ ગઇ છે. ગડકરીએ આ પત્ર લખ્યો છે તો તેમની પાછળ સંઘના નેતા પણ હોઇ શકે છે.સવાલ એ છે કે લોકસભાની ચૂંટણી બાદ યુ.પી.માં ધમાસાણ મચે છે. યોગીને હટાવવા માટે લગભગ તખ્તો ગોઠવાઇ ગયો હતો. છેલ્લી ઘડીએ બ્રેક લાગી છે. હવે કેન્દ્રના બજેટ મામલે ખુદ સરકારમાંથી જ સિનિયર મંત્રી સવાલ ઉભા કરે છે. રાહુલ ગાંધી અને વિપક્ષો જયારે મજબુત બની રહયા છે. ર૪૦ બેઠક બાદ ભાજપ અને મોદી સરકાર ડિફેન્સીવ બની રહી છે ત્યારે વિપક્ષોના હાથમાં આવો મુદો મૂકવા પાછળની મુરાદ એક જ છે મોદી સરકારને ઘેરવી. જો આ સ્થીતિ આગળ વધશે તો ભાજપમાં હજુ પણ આગામી દિવસોમાં મૂશ્કેલીઓ વધશે.
ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ઉતર પ્રદેશમાં વિધાન સભાની દસ બેઠકની પેટા ચૂંટણી આવી રહી છે. આવા સંજોગોમાં આ શીત યુધ્ધ આગળ વધશે તો સ્વાભાવિક રીતે ભાજપની નેતાગીરી સામે પડકારો વધશે.
કહેવાય છે કે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે નડ્ડાને ચાલુ રાખવા અને ગુજરાતમાં સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રાખવા પાછળ પણ સ્ટેટસ કવો છે. ગુજરાત સરકારમાં નવા મંત્રીઓને લેવાનો મામલો પણ છે. હજુ ગઇ કાલે જ અમિત શાહને અર્જુન મોઢવાડિયા મળતાં અટકળો તેજ થઇ છે. આવી નિયુકતીઓ થયા બાદ મૂળ ભાજપના નેતાઓ અને કાર્યકરોની પ્રતિક્રિયા પણ ઉભી થશે. આવા સંજોગોમાં આવતા થોડા મહિના રાજકિય ગતિવિધિઓથી તેજ રહેશે. ઘણા પરિવર્તનોની સંભાવના છે. ઘણી નવા જુની અને સંઘર્ષ તથા ઘર્ષણની શકયતાઓ પણ છે. ત્રણ રાજયોની ચૂંટણીઓ, યુ.પી. વિધાન સભાની દસ બેઠકોની પેટા ચૂંટણીઅઓ અને તેના પરિણામો ઉપર વિપક્ષો અને વિરોધીઓની મીટ છે.