જૂનાગઢ-દેલવાડા ટ્રેનના ટ્રેક પર આવી જતાં ટ્રેન જંગલમાં કલાકો સુધી રોકવી પડી
ગીરના સિંહો તેની રાજવી છટા અને ખુમારી માટે જાણીતા છે. ગઇકાલે વનરાજોએ તેમની રાજવી છટાનો પરિચય જૂનાગઢ-દેલવાડા ટ્રેનના યાત્રિકોને બતાવ્યો હતો. ધસમસતી ટ્રેનના ડ્રાઇવરની નજરે ટ્રેક પર વનરાજો દેખાઇ જતાં ટ્રેન રોકી દેવી પડી હતી. વનરાજોએ કલાકો સુધી ટ્રેક પરથી હટયા ન હતા અને ટ્રેન રોકવી પડી હતી. યાત્રિકોને રોમાંચ અને ભયની મિશ્ર લાગણી થઇ હતી.
મળતી વિગત મુજબ ગીરના અભયારણ્યમાં વર્ષોથી ટ્રેન ચાલે છે. આ ટ્રેક પર ક્યારેય સિંહ કે અન્ય કોઈ વન્યપ્રાણીનું મોત થયાની ઘટના બની નથી. ટ્રેનની સ્પીડ અભયારણ્ય વિસ્તાર હોવાથી પણ ખૂબ જ ધીમી હોય છે. દેલવાડા-જૂનાગઢ ટ્રેન સાંજે ૫:૫૦ વાગ્યે સાસણ રેલવે સ્ટેશનથી વિસાવદર તરફ રવાના થઇ હતી. સાસણથી બે કિમી આસપાસ જંગલમાં પહોંચતા જ સિંહો રેલ્વે ટ્રેક પર હોવાનું લોકો પાયલોટને ધ્યાને આવતા તેણે તુરંત જ ટ્રેનને રોકી દીધી હતી. અચાનક જ ટ્રેનને રોકી દેતા પેસેન્જરો પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને તેણે જોયું તો સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરી જઈ રહ્યા હતા. જે જગ્યાએ ટ્રેનને રોકવામાં આવી ત્યાં મોબાઈલ કે અન્ય કોઈપણ પ્રકારનું નેટવર્ક ન હોવાથી સૌ મુશકેલીમાં મુકાઈ ગયા હતા.
ટ્રેન સાસણથી રવાના થયા બાદ જંગલના કાસીયા રેલ્વે સ્ટેશને ન પહોંચતા ત્યાંનો સ્ટાફ પણ ચિંતાતુર બની સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ સાસણ કે કાસીયા રેલ્વે સ્ટાફનો ટ્રેનના લોકો પાયલોટ સાથે સંપર્ક થતો ન હતો. જેના લીધે સાસણ અને કાસીયાનો રેલ્વે સ્ટાફ ટ્રેન ક્યાં અટવાઇ છે તે તપાસ કરવા માટે ચાલીને રેલ્વે ટ્રેક પર ટ્રેનને શોધવા નીકળા હતા. બાદમાં ટ્રેન સુધી રેલ્વેનો સ્ટાફ પહોંચતા તેમને લોકોપાયલોટે સિંહ હોવાની જાણકારી આપી બાદમાં થોડા દુર જઈ વનવિભાગનો સંપર્ક કરી ટ્રેક પર સાંઢીયા ગાળી વિસ્તારમાં સિંહો હોવાની માહિતી આપી હતી. હાઈકોર્ટની ટકોર બાદ ટ્રેક પર સિંહ આવી જાય તેવા કિસ્સામાં વન વિભાગ ક્લિયરન્સ આપે બાદમાં જ ટ્રેન રવાના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ જોગવાઈ મુજબ વન વિભાગનો સ્ટાફ રેલ્વે ટ્રેક પર તપાસ કરી બાદમાં બંને વિભાગની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ સ્થળ પરથી ટ્રેનને રવાના કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં બે-અઢી કલાકથી વધુ સમય લાગી જતા ટ્રેનમાં મુસાફરી કરતા અનેક મુસાફરોના પરિવારજનો ચિંતાતુર બની તેમના સબંધી જે ટ્રેનમાં સવાર હતા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ જંગલ વિસ્તાર હોવાથી સંપર્ક થતો ન હતો. બાદમાં રેલ્વે અને વન વિભાગમાં તપાસ કરી ત્યારે ટ્રેક પર સિંહ આવી ગયા હોવાથી ટ્રેનને સ્થળ પર રોકી દેવામાં આવી હોવાની યેનકેન પ્રકારે જાણકારી મેળવી હતી. જંગલમાં આવી રીતે કપારેય ટ્રેક પર ટ્રેનને કલાકો સુધી રોકવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાત્રીનો સમય થઈ ગયો હોવાથી વન વિભાગ માટે પણ વન્યપ્રાણી ન હોવાનું ક્લિયરન્સ આપવું તે પણ એક પડકારજનક હતું. આમ, ૬:૦૫ વાગ્યા આસપાસ જંગલમાં થંભી ગયેલી ટ્રેન ૮:૧૦ વાગ્યા બાદ જંગલમાંથી રવાના થઈ હતી. ટ્રેન ઘટના સ્થળેથી રવાના થયા બાદ બે કલાક જેટલા સમય બાદ જૂનાગઢ સ્ટેશને પહોંચી હતી.