આખા દેશમાં મોટા મોટા પડકારો પાર પાડતી નેતાગરીનો રાજકોટમાં પડકાર આવ્યો છે થાય છે.
રૂપાલા વિવાદ ૧૬ દિવસ થયા છતાં કોઇ ઠારી કેમ નથી શકતું ?
રાજકોટ એટલે ભાજપનો ગઢ. રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની રાજકિય કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડયા હતાં. તેઓ રાજકોટ ધારાસભાની ચૂંટણી લડી જીત્યા હતાં. રાજકોટના જ પાટીદાર નેતા કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં. રાજકોટના જ વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતાં. રાજકોટના જ વજુભાઇ વાળા ગુજરાતના સૌથી વધુ વખતના નાણા મંત્રી બન્યા હતાં. જેઓ પાછળથી કર્ણાટકના રાજયપાલ પદે રહયા હતા. જિલ્લા ભાજપની વાત કરીએ તો મોહનભાઇ કુંડારિયા બે ટર્મ માટે સાંસદ રહયા. જિલ્લા ભાજપ ઉપર અને જિલ્લાના રાજકારણ ઉપર જયરાજસિંહનું વજન રહયુ. નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. ડો.ભરત બોઘરાએ ભૂતકાળમાં જે ભૂમિકા વિજયભાઇ રૂપાણી નિભાવતાં હતાં એ ભૂમિકા નિભાવતાં થયા. છેલ્લા થોડા સમયથી તેઓ સૌરાષ્ટ્રના કર્તા,હર્તા અને સમાહર્તા છે. કહેવાય છે કે સી.આર. પાટીલને તેમના ઉપર ખુબ ભરોસો છે. નવી ચૂંટણી વ્યવસ્થા ગોઠવાઇ. સૂરેશ ગોધાણી રાજકોટના મુખ્ય સંયોજક થયા. રમેશ રૂપાપરા સહસંયોજક છે.અથવા ચૂંટણી વ્યવસ્થાના કર્તા,હર્તા અને સમાહર્તા છે.રૂપાલાન રાજકોટ બેઠકના તેઓ વડા છે. એમની ચાણકય નીતિ અને રાજકોટ જિલ્લાની સોશિયલ એન્જિનિયરીંગ સેન્સ અંગે ન માત્ર સ્થાનિક નેતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુધી સૌને માન રહયુ છે. પાછળથી આ વ્યવસ્થામાં ઉમેરાયેલા ધનસુખ ભંડેરી, મિડિયામાં સેન્ડ બેગ બની રહેલાં પ્રવકતા રાજુ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ પ્રમુખ પુષ્કર પટેલ,પૂર્વ મુખ્યમંત્રીનો પડછાયો બનીને રહેલાં નીતિન ભારદ્વાજ ,મોહનભાઇ પટેલ, ચારેય ધારાસભ્ય રમેશ ટિલાળા, ઉદય કાનગડ,ભાનુબેન બાબરિયા (કેબિનેટ મંત્રી) દર્શનાબેન શાહ. આ ઉપરાં ભાજપના ક્ષત્રિય નેતાઓ ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ,આઇ.કે. જાડેજા, રાજકોટમા માંધાતાસિંહ જાડેજા વગેરે માટે પણ તેમના સમાજની સમજાવટ કરવામાં નિષ્ફળતા મળી એ બાબત આગળ જતાં પોસ્ટમોર્ટમ થશે.
આ તમામની શાખ હાલ દાવ ઉપર લાગી છે. આ ઉપરાંત રહી જતાં હોય એવા અનેક નામો કે જે શહેર ભાજપ અને જિલ્લા ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવતાં હોય. તેમને માટે કારકિર્દીમાં મોટામાં મોટો પડકાર આવ્યો છે. આ નેતાઓ એક બાબતમાં નિષ્ફળ જઇ રહયા છે. સતત ૧૬ દિવસથી રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઉભો થયેલો ક્ષત્રિયોનો વિવાદ ઠારવામાં સફળ થતાં નથી. શહેર ભાજપ નિષ્ફળ જતાં જિલ્લા ભાજપના નેતા જયરાજસિંહે ક્ષત્રિય સંમેલન બોલાવી વિવાદ પૂરો કરવા પ્રયાસો કર્યા. પરંતુ તેને પણ એક સપ્તાહ વીતિ જવા છતાં મામલો પૂરો થતો નથી.
હવે વાત જ્ઞાતિ વચ્ચેના વૈમનસ્યની આવી છે. બોટલમાથી નિકળી ગયેલા વિવાદના જીનને પુન: અંદર મોકલવા માટે પ્રયાસો ચાલુ છે. ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ મામલે જાહેરમાં માફી માંગી છે. ક્ષત્રિયોને મોટુ મન રાખી રૂપાલાને માફ કરી દેવા વિનંતી કરી છે. પરંતુ ગુજરાત ભાજપના કોઇ પણ નેતાની સાઇઝ કરતાં આ વિવાદ મોટો થઇ ગયો છે. રોજ રોજ નવા નવા ફણગાં ફુટે છે.
જેમના હાથમાં સતા છે તેમના તરફ શંકાની સોય તંકાય છે. શરૂઆતમાં મામલાને હળવાશમાં લેવાનો ભાજપના નેતાનો ઓવરકોન્ફીડન્સ બુમરેંગ થયો છે. સતત ૧૬ દિવસ સુધી ચાલેલા આ વિવાદની આગમાં કોઇ ને કોઇ રોજ નવુ તેલ રેડી જાય છે. આટલા મોટા વિવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વાકેફ ન હોય એવુ માનવાને કારણ નથી.
લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતના મુદા સળગે અને તેની આગ બીજા રાજયોમા જાય એ ભાજપને પાલવે નહિ. પરંતુ હકિકત છે કે આ મુદો તુલ પકડી ગયો છે. સ્થાનિક નેતાને માટે પડકાર બની ગયો છે. હવે એવી ચર્ચા થવા માંડી છે કે આ મુદો ન માત્ર રૂપાલાને નુકસાન કરી રહયો છે. પરંતુ ભાજપને નુકસાન કરી રહયો છે. જો આવુ થશે તો ચુંટણી પછી આ સમગ્ર મામલાની હાઇકમાન્ડ તલસ્પર્શી તપાસ કરશે. તપાસ કરવાનું કારણ એ છે કે વડાપ્રધાનની સતાને આડકતરી રીતે રાજકોટમાં પડકારવામાં આવી છે. વડાપ્રધાનની અત્યાર સુધી અજેય બ્રાન્ડ ઇમેજને મોટો ફટકો રાજકોટમાં પડયો છે. ભાજપના ગઢમા પડયો છે. આ માટે કોઇ દોષીત હોય કે ન હોય પરંતુ મામલો હલ કરવાની ક્ષમતા નથી ધરાવતાં એ વાત હાઇકમાન્ડ સુધી પહોંચી જ હશે. દર્દ ઉભુ થયુ છે તો દવા પણ થશે એવુ ભાજપના ટોચના વર્તુળમાં ચર્ચાય છે. ઓપરેશ થશે. દર્દના કારણનું જડમૂળથી નિવારણ થશે એવું જાણકારો ચોકકસ કહે છે. કારણ કે વિવાદ ઠારવાના ઇરાદો હતો કે નહિ એ સવાલનો કોઇ જવાબ ન પણ મળે.પૂરાવા મળે ન પણ મળે. પરંતુ સ્થાનિક નેતાઓની ક્ષમતા ઉપર તો સવાલ ઉભો થયો જ છે.