આ દિવસોમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બે મેચ જીતીને પાકિસ્તાને અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ દરમિયાન પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં બાબર આઝમ અને હરિસ રઉફ પણ વચ્ચે આવતા જોવા મળ્યા હતા. જોકે, બાબર આઝમ લડાઈને શાંત પાડતો દેખાયો હતો.
લડાઈનો વીડિયો સામે આવ્યો
બીજી વનડે દરમિયાન જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર હાજર હતા. હરિસ રઉફ ક્લાસેનની સામે બોલિંગ કરી રહ્યો હતો અને આ બધું ઓવરના છેલ્લા બોલ પર જોવા મળ્યું. હરિસે છેલ્લા બોલ પર ક્લાસેનને ચીડવ્યો, જેના કારણે દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન થોડો ગુસ્સે થયો. આ પછી અમ્પાયરોએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી.
દરમિયાન રિઝવાને ક્લાસેન તરફ થોડી વધુ દલીલો પણ કરી હતી. બાદમાં બાબર આઝમે મધ્યમાં આવીને હારીસ-રિઝવાનને શાંત પાડ્યા, ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ. આ જોરદાર દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાને 81 રને જીતી હતી આ મેચ
બીજી વનડેમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 329 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 80 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બાબર આઝમે 73 રન અને કામરાન ગુલામે 63 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 43.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 97 રનની ઇનિંગ્સ રમી હતી. જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે શાહીન આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહે 3 અને અબરાર અહેમદે 2 વિકેટ લીધી હતી.