દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે બે ટેસ્ટ મેચની સિરીઝમાં પાકિસ્તાનને 2-0થી વ્હાઇટવોશ કર્યું હતું. પ્રથમ મેચ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ બીજી મેચ પણ જીતીને સિરીઝ પર કબજો કર્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે રેયાન રિકલ્ટને બેવડી સદી ફટકારી હતી, જ્યારે પાકિસ્તાન માટે કેપ્ટન શાન મસૂદે સદી ફટકારી હતી. પરંતુ રેયાનની સદી શાન પર પડી. જો કે મેચ બાદ શાને તેની આઉટ થવા પર સવાલો ઉભા કર્યા છે. શાન બીજા દાવમાં LBW આઉટ થયો હતો પરંતુ તે અમ્પાયરના નિર્ણયથી નારાજ હતો અને તેણે ટેક્નોલોજી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
શાન મસૂદે કર્યા આક્ષેપ
શાને દક્ષિણ આફ્રિકા સામેની બીજી ઇનિંગમાં શાનદાર રમત દેખાડી હતી. સદી ફટકાર્યા બાદ તે 145 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેને 18 વર્ષની ફાસ્ટ બોલર ક્વેના માફાકાએ શિકાર બનાવ્યો હતો. તેનો એક બોલ શાનના પેડ પર વાગ્યો. આના પર દક્ષિણ આફ્રિકાએ અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાએ DRS લીધું. ત્યારબાદ ટીવી અમ્પાયરે શાનને આઉટ આપ્યો હતો.
LBW આઉટ થવા પર શાને કહ્યું, ‘તે સ્પષ્ટ દેખાતું હતું અને લાગ્યું કે બોલ સ્ટમ્પની બહાર છે. હોક આઈ (ટેક્નોલોજી) જ્યાં તેને અડવાનું બતાવી રહી હતી ત્યાં બોલ વાગ્યો નહોતો. બોલ મને અંદર કરતાં મારા પગની બહારના ભાગે વધુ લાગ્યો. પાકિસ્તાની કેપ્ટને પોતાના બચાવમાં વધુમાં કહ્યું કે, મેદાન પરના અમ્પાયરે પણ આવું જ વિચાર્યું હતું અને તેણે આઉટ નહોતું આપ્યું. તે એક ઇનસ્વિંગર બોલ પણ નહોતો. હું એટલું જ કહી શકું છું.
મેચની સ્થિતિ
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ટેમ્બા બાવુમા (106 રન), કાયલ વેરેને (100 રન) અને રેયાન રિકલ્ટનના 259 રનની મદદથી 615 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનનો પ્રથમ દાવ 194 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને ફોલોઓન આપ્યું હતું. પાકિસ્તાને બીજા દાવમાં 478 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 58 રનનો લક્ષ્યાંક મળ્યો, જે તેણે આઠમી ઓવરના પ્રથમ બોલ પર હાંસલ કરી લીધો.