ભારતીય સ્ત્રીઓનો મુખ્ય પરિધાન સાડી છે. દરેક રાજ્યમાં મહિલાઓની સાડી પહેરવાની રીત અલગ હોઇ શકે પરંતુ ભારતીય મહિલાઓનું સૌદર્ય, ગરિમા અને ઓળખનું પ્રતિક સાડી છે. જો કે હવે સાડીની પહેરવાની સ્ટાઇલ છે એટલી જ સાડીના પણ પ્રકાર છે. હવે તો વિદેશી મહિલાઓ પણ સાડી પહેરવાનું પસંદ કરે છે. ત્યારે 21 ડિસેમ્બરે વર્લ્ડ સાડી ડે દિવસ છે. ત્યારે આવો જાણીએ ભારતમાં એવી કઇ સાડી છે જે સૌથી મોંઘી છે.
કાંચીપુરમ સાડી
કાંચીપુરમ સાડીઓ ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુમાંથી આવે છે. તે તેના શ્રેષ્ઠ રેશમ અને શાનદાર કારીગરી માટે પ્રખ્યાત છે. જ્યારે સાડીઓ પર સોના કે ચાંદીના દોરાથી ભરતકામ કરવામાં આવે છે, ત્યારે તેની કિંમત લાખોમાં પહોંચી જાય છે. કાંચીપુરમ સિલ્ક સાડીની કિંમત 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની છે.
પાટણ પટોળા સાડી
ગુજરાતની આ સાડી ભારતની સૌથી મોંઘી સાડીઓમાં પણ સામેલ છે. આ પટોળા સાડી ગુજરાતના પાટણમાં બનાવવામાં આવે છે. આ સાડી ડબલ ઇકત ટેક્નિકથી બનાવવામાં આવી છે. તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. આ 6 ગજની સાડી માટે તાણા વાણાથી ટાઇ અને ડાઇ કરીને બાંધણીની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ સાડી તૈયાર કરવામાં 3 થી 4 મહિનાનો સમય લાગે છે. તેની કિંમત 2 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની છે.
બનારસી સાડી
બનારસી સાડી એ ભારતની સૌથી પ્રસિદ્ધ અને મોંઘી સાડી બ્રાન્ડ્સમાંની એક છે. બનારસી સાડીઓ બનારસ (વારાણસી)માં બનાવવામાં આવે છે. તેને બનાવવામાં સિલ્કના દોરા અને સોના અને ચાંદીના વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાડી પહેરવાથી સંપૂર્ણપણે રોયલ લુક મળે છે. તમને જણાવી દઈએ કે કેટલીક બનારસી સાડીઓની કિંમત 50 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.
મૂંગા સિલ્ક સાડી
મૂંગા સિલ્ક સાડી આસામના પરંપરાગત પોશાકમાંની એક છે. આ સાડી સુંદર આસામી મોટિફથી શણગારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સાડી પીળા અને સોનેરી ચમકદાર ટેક્સચરમાં આવે છે, જે વર્ષો સુધી બગડતી નથી. માર્કેટમાં આ સાડી 2 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 2 લાખ રૂપિયા સુધી જાય છે.
જરદોસી વર્ક સાડી
જરદોસી એ એક ભરતકામનો પ્રકાર છે. જેમાં સોના અને ચાંદીના દોરાઓથી ભરતકામ કરવામાં આવે છે. જેમાં બિડ્સ, સિક્વિન્સ અને સ્ટોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જરદોસી વર્કની સાડીઓ ખાસ કરીને લગ્ન કે ખાસ સમારંભો માટે બનાવવામાં આવે છે. તેની કિંમત 2 લાખથી 15 લાખ સુધીની હોય છે.