બાપુનગર સ્મશાનમાં સાતમ-આઠમ પછી એકપણ લાકડા ભરેલી એકપણ ગાડી આવી નથી, મનપાના ચોપડે લાકડા પહોંચ્યા હોવાની નોંધ
જેટલી રસીદ આવી હશે તેટલુ જ પેમેન્ટ કોન્ટ્રાક્ટને ચુકવાશે અને ચોપડે નોંધ હોવા છતા બાપુનગર સ્મશાને લાકડા પહોંચ્ય ન હોવાના મામલે તપાસ થશે : ડે.મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે. આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચ્યા હોવાનું જાણવા મળતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ આ પ્રકરણ હાથમાં લેતા બાપુનગર સ્મશાને લાકડા પહોંચ્યા નથી પણ મનપાના ચોપડે લાકડા સ્મશાને મોકલવામા આવ્યા હોવાની નોંધ થઇ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોમાસુ ચાલુ થયા બાદ ખાસ કરીને ગત સપ્તાહે ભારે વરસાદમાં ૬૦૦થી વધુ વૃક્ષો અને ડાળીઓનો સોંથ વળી ગયો હતો. આ તૂટેલા વૃક્ષો અને ડાળીઓ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોનાં લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા. અને 35 જેટલી ગાડીઓ જુદા-જુદા સ્મશાનમાં મોકલી દેવાનો નિર્ણય કરાયો હતો. તેમાથી બાપુનગર સ્મશાને પણ લાકડા મોકલવામા આવ્યા હોવાની નોંધ મનપાના ચોપડે થઇ છે. જોકે આ પૈકીની કોઈપણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનનાં સંચાલકે જણાવ્યું હતું. ત્યારે લાકડાનો જથ્થો બરોબર કોણ ચાઉં કરી ગયું? આ વાતની જાણ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાને થતા તેઓએ તપાસ કરાવી હતી. અને લાકડાની આ ગાડીઓ ક્યા ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષ નેતાએ ઉઠાવ્યા હતા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, તમે રોડ-રસ્તાનાં કૌભાંડ કરો છો, ભરતીનાં કૌભાંડ કરો છો. પરંતુ સ્મશાનને તો છોડી દો. સ્મશાન પ્રત્યેક વ્યક્તિના જીવનનું અંતિમ સત્ય હોય છે. ત્યારે તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શાસકોએ ધ્યાન રાખવું જરૂરી છે. માનવતાને શરમાવે તે પ્રકારનું આ કામ કરવામાં ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ. અને આવું કૌભાંડ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આવી ગેરરીતિ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. અને વિપક્ષ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે.
સમગ્ર મામલે ડે. મ્યુ. કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, તૂટેલા મોટા વૃક્ષો અને નાની-નાની ડાળીઓનાં નિકાલ માટેની કામગીરી બે એજન્સીને સોંપવામાં આવી છે. જેમાં સોમનાથ એજન્સી તેમજ જય કન્સ્ટ્રક્શન એજન્સીનો સમાવેશ થાય છે. તેમની જવાબદારી તૂટેલા વૃક્ષોને સ્મશાન સુધી પહોંચાડવાની હોય છે. જોકે હાલ અમારી પાસે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. પરંતુ આ બાબત સામે આવતા ફરી એકવાર સ્મશાન સંચાલકો સાથે વેરીફાય કરી આ પછી એજન્સીને પેમેન્ટ કરવામાં આવશે. અને જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી તેમણે આપી હતી.
જો લાકડા મોકલાયા હોય તો આટલી વિગત તો ઓનપેપર હોય જ ને!
બાપુનગર સ્મશાનનાં સંચાલક સંજયભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. આવી હોય તો મારી પાસે રસીદ, ગાડી લાવનારનું નામ, મોકલનારનું નામ, કેટલું વજન અને મોબાઈલ નંબર સહિતની વિગતો હોય જ. અહીં ક્યારેક-ક્યારેક એક-બે ગાડી આવતી હોય છે. પરંતુ છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અમે લાકડાની જરૂરિયાત દાતાઓ દ્વારા કે અન્ય કોઈ આસપાસના ગામોમાં તૂટેલા લાકડા અંગેની ફરિયાદ મળે ત્યાંથી લાકડા લાવીને પુરી કરીએ છીએ.
“જરાક તો શરમ કરો, ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી”
વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં જણાવ્યા અનુસાર રાજકોટ મહાપાલિકાની ગાર્ડન શાખાનું મહા કૌભાડ સામે આવ્યું છે. જેમાં શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા પણ સ્મશાન સુધી પહોંચ્યા નથી. ત્યારે કૌભાંડમાં સામેલ લોકોને મારે કહેવું છે કે, જરાક તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે. આ તો કૌભાંડની હદ થઈ ગઈ છે. ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી. પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી.