મુંબઈ : ભારતીય શેર બજારોમાં વિક્રમ સંવત ૨૦૮૦ની શરૂઆત આશાસ્પદ થયા બાદ અત્યારે વૈશ્વિક પ્રવાહો અને ઘર આંગણે રાજયોની ચૂંટણીઓની શરૂઆત સાથે સાવચેતી જોવાઈ હતી. પરંતુ મોર્ગન સ્ટેન્લી દ્વારા તેેના એમએમસીઆઈ ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારતના વેઈટેજમાં વધારો કરવાના નિર્ણયે આગામી દિવસોમાં ભારતીય મૂડી બજારમાં ૧.૫ અબજ ડોલર જેટલો જંગી વિદેશી રોકાણ પ્રવાહ ઠલવાશે એવી અપેક્ષાએ શેરોમાં તોફાની ફટકાબાજી જોવાઈ હતી. જેની સાથે વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-હમાસ યુદ્વ પણ યુક્રેન-રશીયાની જેમ સીમિત દેશો પૂરતું મર્યાદિત રહેવાના સંકેતે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાની અપેક્ષાએ પ્રવાહો બદલાતા જોવાઈ રહ્યા છે. સપ્તાહના અંતે શેર બજારોમાં સેન્સેક્સ અને નિફટીની સાવચેતીમાં નરમાઈ છતાં હાલ અન્ડરટોન પોઝિટીવ છે. ભારત માટે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનું પોઝિટીવ પરિબળ સામે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં નબળાઈ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં રૂપિયાના મૂલ્ય પર નજર સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં અટકેલી વેચવાલી મોટાપાયે ખરીદીમાં તબદિલ થાય છે કે એ બજારની નવી દિશા નક્કી કરશે. આ સાથે રાજયોની ચૂંટણીઓ બાદ પરિણામો પર પણ આગામી લોકસભા ચૂંટણીનું ચિત્ર નક્કી થનાર હોવાથી આ પરિણામો પણ મહત્વના બની રહેશે.આંતરરાષ્ટ્રીય મોરચે હવે ફુગાવાની સ્થિતિ વધુ હળવી થવાના સંજોગોમાં વ્યાજ દરમાં ઘટાડાનું સાઈકલ શરૂ થવાની સ્થિતિમાં બજાર માટે પોઝિટીવ સંકેત મળતાં જોવાઈ શકે છે. જેથી આ પરિબળો વચ્ચે નવા સપ્તાહમાં સેન્સેક્સ ૬૬૪૪૪ થી ૬૫૫૫૫ વચ્ચે અને નિફટી સ્પોટ ૧૯૯૫૫ થી ૧૯૫૫૫ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.
અર્જુનની આંખે : BHARAT BIJLEE LTD.
બીએસઈ(૫૦૩૯૬૦), એનએસઈ(BBL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૪૬માં સ્થાપીત, ભારત બિજલી લિમિટેડ(BHARAT BIJLEE LTD.), ISO 9001:2015, ISO 14001:2015 & ISO 45001:2018 CERTIFIED, કુલ ઈક્વટીમાં ૮૩.૨૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, રૂ.૧૩૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ ધરાવતી, ભારતમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં અગ્રણી અને ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત પૈકી એક કંપની પાંચ બિઝનેસ સેગ્મેન્ટસમાં પ્રમુખ બે બિઝનેસ સેગ્મેન્ટ્સ પાવર સિસ્ટમ્સ જેમાં ટ્રાન્સફોર્મર અને પ્રોજેક્ટ ડિવિઝનો અને ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટ જેમાં ઈલેક્ટ્રિક મોટર્સ, ડ્રાઈવ્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને એલીવેટર સિસ્ટમ્સ ડિવિઝનો થકી સક્રિય છે. કંપની નવી મુંબઈ, ઐરોલી ખાતે ૧,૭૦,૩૨૧ ચોરસ મીટર વિસ્તારમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ધરાવે છે. જેમાં અંદાજીત ૫૦,૦૦૦ ચોરસ મીટર જગ્યાનો ઉપયોગ થયેલો છે, જ્યારે ૧,૨૦,૦૦૦ ચોરસ મીટર જમીન વપરાયા વગરની છે. કંપની દેશના વિસ્તૃત ઉદ્યોગો રાષ્ટ્રના નિર્માણમાં મહત્વના ઈન્ફ્રાસ્ટ્રકચર, પાવર, રીફાઈનરીઝ, સ્ટીલ, સિમેન્ટ, રેલવેઝ, મશીનરી, કન્સ્ટ્રકશન અને ટેક્સટાઈલ્સને આવરી લે છે. કંપની ટર્નકી પ્રોજેક્ટો(સ્વિચયાર્ડસ) હાથ ધરતી અને સંપૂર્ણ સર્વિસિઝ પૂરી પાડે છે.
ટ્રાન્સફોર્મર : ટ્રાન્સફોર્મર્સમાં કંપની ૧૫,૦૦૦ એમવીએની ઉત્પાદન ક્ષમતા સાથે સંપૂર્ણ સજ્જ ટેસ્ટિંગ લેબોરેટરી ધરાવે છે. કંપની ૨૦૦ એમવીએ, ૨૦૦કેવી, ત્રણ તબક્કાના ટ્રાન્સફોર્મર્સ ઓફર કરે છે. કંપની રાજ્ય વિદ્યુત બોર્ડસ, યુટીલિટીઝ, પીએસયુઝ, ઈન્ડસ્ટ્રીઝ અને વિદેશી ગ્રાહકોને આ ઉત્પાદનો પૂરા પાડે છે. મેન્યુફેકચરીંગ પાવર ટ્રાન્સફોર્મર્સ, જનરેટર ટ્રાન્સફોર્મર્સ, યુનિટ ઓક્સિલિયરી ટ્રાન્સફોર્મર્સ અને સ્પેશ્યલ એપ્લિકેશન ટ્રાન્સફોર્મર્સમાં સ્પેશ્યલાઈઝડ છે. અત્યાર સુધીમાં કંપનીએ ૧,૭૦,૦૦૦ એમવીએ ટ્રાન્સફોર્મર ઈન્સ્ટોલ કર્યા છે. આ સાથે કંપની ૨૬થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે.
પ્રોજેક્ટસ : કંપની દેશના પાવર ક્ષેત્રમાં મહત્વની કંપની છે અને સાત દાયકાથી વધુ સમયથી કંપની નિપૂર્ણતામાં પોતાના માપદંડ સ્થાપીત કર્યા છે. કંપની ઈએચવી સ્વિચયાર્ડસ, એચવી અને એમવી સબસ્ટેશનો, ઈલેક્ટ્રિક બેલેન્સ ઓફ પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીયલ પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ઈલુમિનેશન સિસ્ટમ્સ માટે ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપનીની સર્વિસિઝમાં ડિઝાઈન અને એન્જિનિયરીંગ, ઈક્વિપમેન્ટ અને મટીરિયલ્સ સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કાર્યરત કરવા, નિયામક બોડીઝ સાથે લાયઝનિંગ અને આફટર સેલ્સ સર્વિસિઝનો સમાવેશ છે. કંપની સિમેન્ટ, પાવર પ્લાન્ટસ, સ્ટીલ, પેપર, ટેક્સટાઈલ્સ એન્ડ ફાયબર્સ, પીએસયુ, ઓટોમોબાઈલ ઉદ્યોગને આવરી છે. કંપનીએ ૧૫૦થી વધુ સબસ્ટેશનો કાર્યરત કર્યા હોવા સાથે ૧૩૨ કેવીના ૧૦૦થી વધુ સબસ્ટેશનો કાર્યરત કર્યા છે, આ સિવાય એશીયાના સૌથી મોટી સોલાવર પાવર પ્લાન્ટો માટે ૧૩૨/૩૩ કેવી સબસ્ટેશનો કાર્યરત કર્યા છે. કંપનીએ ટાટા પાવર પાસેથી સેફટી એક્સિલન્સનો એવોર્ડ જીત્યો છે.
ઈલેક્ટ્રિક મોટર્સ : કંપનીએ વર્ષ ૧૯૫૮માં સિમેન્સ સાથે ટેકનીકલ કોલોબ્રેશનમાં મોટર્સનું મેન્યુફેકચરીંગ શરૂ કર્યું હતું. કંપની વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી ૦.૧૨ કેડબલ્યુ થી ૧૨૫૦ કેડબલ્યુ રેન્જની મોટર્સ ઓફર કરે છે. કંપનીનાઉત્પાદનો સિમેન્ટ, કન્સ્ટ્રકશન, સ્ટીલ, ફૂડ એન્ડ બિવરેજીસ, વોટર એન્ડ વેસ્ટવોટર, સુગર એન્ડ ડિસ્ટીલરીઝ જેવા ક્ષેત્રોમાં પ્રીફર્ડ છે.
ડ્રાઈવ્ઝ એન્ડ ઓટોમેશન : કંપી જર્મનીની કેઈબી સાથે તેના વેરિએબલ ફ્રિકવન્સી ડ્રાઈવ્ઝના ડિસ્ટ્રીબ્યુશન માટે ભાગીદારી કરી છે. કેઈબીના ૯૦૦ કેડબલ્યુ સુધીની ક્ષમતાના એસી વેરિએબલ ડ્રાઈવ્ઝનું તેના પ્લાન્ટમાં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કંપની ડીસી ડ્રાઈવ્ઝ, સર્વો સિસ્ટમ સોલ્યુશન્સ પૂરા પાડે છે. સર્વો સિસ્ટમ્સનો વિવિધ ઉદ્યોગો પ્લાસ્ટિક્સ, ટેક્સટાઈલ્સ, મેટલ્સ, પેકેજિંગ, વિન્ડ એનજીૅ અને મશીન ટુલ્સમાં ઉપયોગ થાય છે.
એલીવેટર્સ સિસ્ટમ્સ : વર્ષ ૧૯૭૩માં કંપનીએ પ્રચલિત ઓલમ્પસ બ્રાન્ડના એલીવેટર્સનું મેન્યુફેકચરીંગ અને ઈન્સ્ટોલેશન શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૦૪માં આ બિઝનેસ કોને એલીવેટર્સ સબસીડિયરીને ડાઈવેસ્ટ કરાયો હતો. કંપની એલીવેટર્સ માટે ગીયરલેસ પર્મેનન્ટ મેગ્નેટ સિન્ક્રોનીયસ મોટર્સની પ્રથમ ભારતીય મેન્યુફેકચરર છે. આ ટેકનોલોજી મશીન રૂમવિના એલીવેટર્સને કાર્યરત રાખતી ટેકનોલોજી છે. જે ૩૦ ટકા સુધી વીજ બચત કરાવતી અને મેઈન્ટેન્સ ફ્રી છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૭૭માં ૧:૩, વર્ષ ૧૯૯૨માં ૧:૧, વર્ષ ૧૯૯૫માં ૧:૧ શેર બોનસ
ડિવિડન્ડ : વર્ષ ૨૦૧૯માં ૧૨૫ ટકા, વર્ષ ૨૦૨૦માં ૧૨૫ ટકા, વર્ષ ૨૦૨૧માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૪૦૦ ટકા
બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૦માં રૂ.૧૩૩૬.૮૩, વર્ષ ૨૦૨૧માં રૂ.૧૭૨૦.૩૬, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૯૮૭.૬૯, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૪૩૦,૭૩, અપેક્ષિત વર્ષ ૨૦૨૪માં રૂ.૨૬૬૦.૮૫
આવક : વર્ષ ૨૦૨૦માં રૂ.૯૨૮ કરોડ, વર્ષ ૨૦૨૧માં રૂ.૭૩૧ કરોડ, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૨૬૫ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૪૧૮ કરોડ, વર્ષ ૨૦૨૪માં અપેક્ષિત રૂ.૧૯૬૦ કરોડ
શેર દીઠ કમાણી(ઈપીએસ) : વર્ષ ૨૦૨૦માં રૂ.૮૦.૭૪, વર્ષ ૨૦૨૧માં રૂ.૪૬.૧૧, વર્ષ ૨૦૨૨માં રૂ.૯૮.૩૭, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૪૭.૨૯, વર્ષ ૨૦૨૪માં અપેક્ષિત રૂ.૨૨૩.૧૨
ઈન્વેસ્ટમેન્ટ્સ-રોકાણો ૩૦, સપ્ટેમ્બર ૨૦૨૩ મુજબ : ૩૧, માર્ચ ૨૦૨૩ મુજબ કંપની કુલ રૂ.૧૩૦૦ કરોડના રોકાણો ધરાવે છે, આ રોકાણનું કંપનીની ઈક્વિટી મુજબ શેર દીઠ રોકાણ મૂલ્ય રૂ.૧૪.૮૫ થાય છે. રોકાણમાં ઈક્વિટી સાધનોમાં રૂ.૯૩૨ કરોડ, અન્ય ફાઈનાન્શિયલ એસેટ્સમાં રૂ.૩૯ કરોડ, મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ.૪૧ કરોડ, કેશ અને બેંક બેલેન્સ રૂ.૨૮૯ કરોડ છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૧૪૪૭.૫૬ કરોડ મેળવી ૫.૭૫ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૮૩.૨૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૪૭.૨૬ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૫૯ ટકા વધીને રૂ.૪૫૧.૧૨ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૬૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૫.૩૩ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૪૪.૮૩ હાંસલ કરી છે.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક ૨૯.૨૬ ટકા વધીને રૂ.૪૨૬.૭૪ કરોડ મેળવી એનપીએમ ૬.૫૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૭.૮૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૪૯.૩૪ હાંસલ કરી છે.
(૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક ૪૩ ટકા વધીને રૂ.૮૭૭.૮૬ કરોડ મેળવી એનપીએમ ૬.૦૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૩.૨૨ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૂ.૯૪.૭૦ હાંસલ કરી છે.
(૫) અપેક્ષિત બીજા અર્ધવાર્ષિક ઓકટોબર ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૦૮૩ કરોડ મેળવી એનપીએમ ૬.૭૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૨.૫૬ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૂ.૧૨૮.૪૨ અપેક્ષિત છે.
(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :અપેક્ષિત ચોખ્ખી આવક ૩૫ ટકા વૃદ્વિએ રૂ.૧૯૬૦ કરોડ મેળવી એનપીએમ ૬.૪૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૫.૭૮ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨૩.૧૨ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨)૭૭ વર્ષનો અનુભવ ધરાવતી(૩) ત્રણ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૩.૨૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૪) ૧૦૦ ટકા દેવા મુક્ત (૫) કુલ રૂ.૧૩૦૦ કરોડના રોકાણો ધરાવતી જેનું શેર દીઠ મૂલ્ય રૂ.૨૩૦૦ , (૫) અપેક્ષિત વર્ષ ૨૦૨૩-૨૪ની ઈપીએસ રૂ.૨૨૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૬૬૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર ૧૭, નવેમ્બર ૨૦૨૩ના શુક્રવારના બીએસઈ પર રૂ.૩૬૦૧.૯૫ ભાવે (એનએસઈ પર રૂ.૩૬૦૦.૨૦), ઉદ્યોગના સરેરાશ ૬૨ના પી/ઈ અને એબીબી લિમિટેડના ૮૭ના પી/ઈ, સિમેન્સના ૬૭ના પી/ઈ, સીજી પાવરના ૬૬ના પી/ઈ, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સના ૨૩ના પી/ઈ અને કિર્લોસ્કર ઈલેક્ટ્રિકના ૨૧ના પી/ઈ સામે ભારત બિજલી લિમિટેડનો શેર માત્ર ૧૬.૧૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.