પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ નિયમિત શિવપૂજા કરે છે. આપણે જ્ઞાની બનીને શિવ ઉપાસના કરીએ અને શિવ રહસ્ય સમજીએ તો દોષરહિત થયેલી શિવ ઉપાસના યથાર્થ લેખાશે.
મહાદેવજી કૈલાસમાં ગિરિશૃંગ ઉપર બેઠા છે. ગિરિશિખર પવિત્ર અને વિશુદ્ધ જગ્યા છે. જ્ઞાનીની બેઠક હંમેશાં વિશુદ્ધ હોવી જોઈએ. અર્થ એ થયો કે, જ્યાં વિશુદ્ધ જ્ઞાન હોય ત્યાં જ મહાદેવજી નિવાસ કરે છે.
શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખથી તેમણે કામને બાળી નાખ્યો હતો. કર્મનું બીજ કામના છે માટે કામના બાળી નાંખ્યા બાદ મનુષ્યનાં કર્મો તેને નડતાં નથી. ભક્તકવિ પુષ્પદંત શિવમહિમ્ન સ્તોત્રમાં લખે છે કે, શ્રી હરિ વિષ્ણુએ નેત્રકમળથી શિવની પૂજા કરી હતી. શિવ જ્ઞાન છે અને વિષ્ણુ પ્રેમ છે. તેનો અર્થ એ થયો કે પ્રેમની નજરથી જ્ઞાનીએ સહુને નિહાળવા જોઈએ. પ્રેમ વગરનું જ્ઞાન જગતને નિરાનંદી બનાવે છે.
શિવજી મહાન ભસ્મ શરીરે ધારણ કરે છે. જેના મગજમાં સતત શિવસ્મરણ છે તેવી ખોપરીનો હાર અને તેની ભસ્મ ધારણ કરે છે, માટે તે કપાલી કહેવાયા. ત્રિશૂળ ધારણનું રહસ્ય આવું છે કે ત્રિશૂળ સજ્જનો માટે આશ્વસ્ત અને દુર્જનો માટે ભયગ્રસ્ત સૂચક છે. સજ્જનોના રક્ષણ માટે અને દુર્જનોના વિનાશ માટે સદાય ત્રિશૂળ ધારણ કરે છે. ડમરુ એ સંગીત તથા જ્ઞાનનું પ્રતીક છે. શિવજીએ મહર્ષિ પાણિનિને તેના કાન પાસે ડમરુ વગાડીને વ્યાકરણના બીજમંત્રોનું જ્ઞાન આપ્યું હતું.
સમુદ્રમંથન સમયે સૌપ્રથમ નીકળેલું હલાહલ વિષ માનવ કલ્યાણ તથા સૃષ્ટિને બચાવવા પોતાના કંઠમાં ધારણ કર્યું તેથી ભોળાનાથ નીલકંઠ કહેવાયા. અર્થ એ પણ થાય કે કુટુંબના મોભીએ, સમાજના આગેવાનોએ લોકોના હિત ખાતર ઝેરના ઘૂંટડા પીવા પડે.
શિવાલયમાં પ્રથમ નંદીનું સ્થાન શું કામ? શિલાદ મુનિના પુત્ર નંદી અલ્પઆયુ બાળક હતું. શિવને પ્રસન્ન કરવા આકરું તપ કર્યું. શિવને પ્રસન્ન કર્યા. વિશેષમાં સમુદ્રમંથન સમયે શિવજીએ વિષ પીધું ત્યારે થોડું ઝેર જમીન ઉપર ઢોળાતું હતું તે તમામ વિષ સ્વામી માટે નંદીએ પીધું ત્યારથી શિવજીએ પોતાના અંગત ગણ તરીકે નિયુક્ત કર્યા અને પોતાના વાહન તરીકે શિવાલયમાં પ્રથમ સ્થાન આપ્યું. નંદીના કાનમાં કરેલી પ્રાર્થના શિવ જરૂર સાંભળે છે. નંદી પાસે રાખેલો કાચબો સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવા માટે સંયમી થઈને જવું એવું રહસ્ય છે. શિવલિંગ ઉપર જલધારી સતત શિવાભિષેક કરે છે. રહસ્ય એ સમજાવે છે કે, પ્રભુ ઉપર આપણો પ્રેમ અને શ્રદ્ધારૂપી અભિષેક ગળતીની માફક ટપકતો રહેવો જોઈએ. શિવાલયમાં પરિક્રમા અધૂરી ફરવામાં આવે છે. નિર્માલ્યને ઓળંગવાની મનાઈ છે. શું કામ? પુષ્પદંત ફૂલોની ચોરી કરવા નિર્માલ્યને ઓળંગીને ગયો ત્યારે પુષ્પદંતની તમામ શક્તિ નાશ પામી એ વખતે પુષ્પદંતે વિશિષ્ટ મહિમાનું ગાન કર્યું જે શિવમહિમ્ન સ્તોત્ર તરીકે ઓળખાયું. તેની શક્તિ પાછી મળી. માટે શિવ નિર્માલ્ય ઓળંગાતું નથી અને પૂરી પરિક્રમા થતી નથી. શિવજી મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે. બીજનો ચંદ્ર કર્મયોગનું પ્રતીક છે. અર્થ એ થયો કે શિવ હંમેશાં કર્મયોગીને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે.