બંધારણની કલમ 370 દૂર કરવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે, પણ સાથે સૂચન કર્યું કે ઝડપથી ચૂંટણી થાય અને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ મળે
બંધારણની કમલ 370 દૂર કરવાનો નિર્ણય લેવાઈ ગયો તે પછી તેની આડે એક કાનૂની અવરોધ હતો તે પણ હવે દૂર થયો છે. સંસદના નિર્ણયનો રિવ્યૂ કરવાનું સ્થાન સુપ્રીમ કોર્ટ છે, પણ આ વખતે ન્યાયાધીશોએ કહ્યું તે પ્રમાણે સંસદના દરેક નિર્ણયને પડકારવાનો કે તેને ફેરવી તોળવાનો કઈ અર્થ નથી. સત્તા સમુતલન માટે સુપ્રીમ કોર્ટને સત્તા છે કે કોઈ કાયદો ગેરબંધારણીય રીતે ના થઈ જાય અને એવી કોઈ જોગવાઈઓ પસાર ના થઈ જાય જેનાથી બંધારણની મૂળભૂત ભાવનાને હાની પહોંચે તે જોવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે.
જોકે આર્ટિકલ 370 જેવા કેટલાક મુદ્દા રાજકીય પણ બને છે, કેમ કે એકાદ રાજકીય પક્ષ તે અપનાવે છે, બીજા તેનો વિરોધ કરે છે. સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે મુદ્દાઓ રાજકીય મુદ્દાઓ બને ત્યારે વાદ અને વિવાદ લંબાઈ જતા હોય છે. એવા સમયે કેટલાક મુદ્દાઓને રાજકીય મુદ્દાથી હટીને પણ જોઈ શકાય છે. જોવાવા જોઈએ અને ના જોવામાં આવે અને તેના વિશે સામસામી દલિલો થાય તેને પણ સ્વીકારવા જોઈએ. લોકશાહીની મજા જ એ છે કે કોઈ મુદ્દા વિશે પરસ્પર વિરોધાભાસી દલીલો સાથે ચર્ચાઓ થઈ શકે. બાદમાં કોઈ એક નિષ્કર્ષ પર સૌ આવે તો સારું, નહિતો પછી મોટી બહુમતીથી નિર્ણય લેવો પડે. બાદમાં તેવા નિર્ણયનો ખુલ્લા દિલે સ્વીકાર થાય તો વધારે સારું અને સૈદ્ધાતિક રીતે વિરોધ થતો રહે તો પણ ઠીક છે, નો પ્રોબ્લેમ.
જમ્મુ અને કાશ્મીર સૌથી ચર્ચાસ્પદ વિષય રહ્યો છે અને 75 વર્ષ પછીય તેનું સમાપન થશે તેમ લાગતું નથી. ખાલિસ્તાની શબ્દ ક્યારેક ક્યારેક ખખડી જાય છે, પણ મોટા ભાગે આપણે માનીને ચાલીએ છીએ કે તે વિષય સમાપ્ત થઈ ગયો છે. ઈશાન ભારતના નાના નાના રાજ્યોની પણ કેટલીક સમસ્યાઓ હતી તે પણ સમયાંતરે ઉકેલાતી ગઈ છે. હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણી હતી તે દરમિયાન જ મણિપુરમાં એક સંગઠન સાથે શાંતિ કરાર થયા. મેઇતેઇ પ્રજાનું આ એક સંગઠન હતું યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ, જેણે નવેમ્બર મહિનાના અંતે શસ્ત્રવિરામ કર્યો અને પોતાના વિભાજનવાદી ચળવળનો અંત આણ્યો. જોકે મણિપુરમાં હજીય ઘણા સંગઠનો છે, જેની સાથે પણ ભવિષ્યમાં શાંતિકરાર થઈ શકે છે. કદાચ તેમાં સમય લાગશે, કેમ કે કૂકી અને મેઇતેઇ વચ્ચે દુશ્મનાવટ વધી ગઈ છે. કુકી પ્રજાના 30 જેટલા સંગઠનો પહાડીઓમાં રહીને લડત આપી રહ્યા છે, જ્યારે મેદાનમાં રહેતા મેઇતેઇ સંગઠનો સરકાર સાથે હોય તેવી સ્થિતિ છે. તેથી કદાચ તેમાં સમય લાગશે.
જમ્મુ અને કાશ્મીરની વાત પર પાછા વળીએ. કલમ 370ને રદ કરવાનું પગલું બંધારણિય છે તે સર્વોચ્ચ અદાલતે જણાવી દીધું એટલે તે વાત પૂરી થાય છે, પણ તેના અનુસંધાન બે બાબતો હજી ઊભી રહે છે. એક છે જમ્મુ અને કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો અને બીજો મુદ્દો ત્યાં ચૂટણીઓ કરાવવી. આમાંથી બીજો મુદ્દો કદાચ વહેલો ઉકેલાઈ જશે. તંત્ર આમ પણ ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહ્યું છે. બે વર્ષ પહેલાં સીમાંકન પણ થઈ ચૂક્યું છે અને તેમાં જમ્મુ પ્રદેશની 6 બેઠકો વધારીને 43 થઈ છે. કાશ્મીર ખીણમાં એક બેઠક વધીને 47 થઈ છે.
પાકિસ્તાનના કબજાના કાશ્મીર માટે 24 બેઠકો અનામત રખાઈ છે એટલે 90 બેઠકોની ચૂંટણી થશે. કાશ્મીર ખીણમાં જીત વિના હજીય સત્તા મેળવવી મુશ્કેલ લાગશે, પણ અગાઉ કરતાં સ્થિતિ સમતોલ રહેશે. ચારથી પાંચ બેઠકોમાં અપક્ષ, અન્ય નાના પક્ષો અગત્યના થશે.
બે શક્યતાઓ છે – લોકસભાની ચૂંટણી સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. બીજી શક્યતા રાજ્યની ચૂંટણીઓ અલગથી કરવાની પણ છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું છે. એટલે તે માટેનો સમય ચૂંટણીપંચ પાસે છે. રાજ્યની પુનઃરચના પછી પ્રથમવાર ચૂંટણી થવાની હોય ત્યારે ફ્રી અને ફેર ઇલેક્શન થાય તે માટે અલગથી ચૂંટણી કરવામાં આવે તો પણ કોઈને ઈશ્યૂ નહીં હોય.
બીજી બાબત ચર્ચા માગી લે તેવી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી લદાખને અલગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય તાર્કિક હતો એટલે તેના વિશે બહુ ઉહાપોહ થયો નથી. લદાખ સરહદી અને પર્વતીય વિસ્તાર છે, જેનું સંચાલન અલગથી કરવું જરૂરી છે. એ જ રીતે જમ્મુ અને કાશ્મીર સરહદી રાજ્ય છે, ઉપરની તરફ ચીન પણ છે એટલે આ પ્રદેશને પણ કેટલાક વર્ષો સુધી કેન્દ્ર શાસિત રાખવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. નવી સરકાર ત્યાં બને, લોકોએ ચૂંટેલી સરકાર બને, પણ તેણે સ્થિર થઈને શાસન જ નહીં, સુશાસન કરીને બતાવવું પડે. તે પછી સ્થિતિ વધારે રાબેતા મુજબની થાય ત્યારે પૂર્ણ કક્ષાના દરજ્જા માટે પણ વિચાર કરી શકાય છે.