ગીતાજીને શાશ્વત ગ્રંથ એટલા માટે કહેવામાં આવે છે કે ગીતા અર્જુન માટે જ ન હતી. ગીતા એ સમગ્ર સંસારના મનુષ્યોને પ્રેરણા આપનાર ગ્રંથ છે. ગીતા દરેક યુગના અર્જુનને કર્મ કરવા પ્રેરિત કરે છે, જે જીવનના પથ પર નિરાશ, હતાશ થઈને હથિયાર નીચે મૂકી દે છે,
તે સમયે ગીતા જ ચેતનાનો સંચાર કરે છે. જીવનની આવી દરેક ક્ષણે ગીતા જ મનુષ્યનું માર્ગદર્શન કરતી રહે છે, તેથી ગીતાને સર્વશ્રેષ્ઠ ગ્રંથ કહેવામાં આવે છે.ગીતા માત્ર લાલ કપડામાં બાંધીને રાખવા માટે નથી, પરંતુ ભગવદ્ગીતાનું પઠન, શ્રવણ, મનન અને ચિંતનથી જીવનમાં શ્રેષ્ઠતાનો ભાવ આવે છે. ગીતાજીને જો આત્મસાત્ કરવામાં આવે તો આપણે પણ અર્જુનની જેમ જીવનરૂપી સંગ્રામના સંઘર્ષમાંથી વિજય મેળવતા રહીએ.
ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ
ગીતાનું ચિંતન અજ્ઞાનતાના આચરણને દૂર કરીને આત્મિક પ્રગતિ તરફ મનુષ્યનું ગમન કરે છે, તેથી જ ગીતાને શ્રીકૃષ્ણનો શ્વાસ અને ભક્તોનો વિશ્વાસ કહેવામાં આવે છે. જે રીતે શ્રીકૃષ્ણએ પોતાની મધુર મોરલીના સૂરથી આખાય વૃંદાવનને ઘેલું કર્યું હતું તે રીતે જ તેમણે કર્તવ્યમૂઢ બની ગયેલા અર્જુનને ગીતારૂપી જ્ઞાનગંગાથી કર્તવ્યનિષ્ઠ બનાવીને ધર્મ કાજ પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી હતી. ગીતામાં ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય છે. ગીતા કર્મમાં પ્રેરિત પણ કરી શકે છે અને ફળની આશા રાખ્યા વગર નિર્મોહી બનીને કર્મ કરતા પણ શીખવે છે, આ રીતે ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને સાંખ્યયોગનો સંગમ પણ જોવા મળે છે. આપણા ઈતિહાસમાં એવા અનેક ઉદાહરણ છે જે ગીતારૂપી અમૃત પીને પરમ તત્વને પામી ગયાં. ગીતાએ અનેક મહાપુરુષોને ગુરુ બનીને માર્ગદર્શન આપ્યું છે. નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનાવનાર ગીતા જ છે. સ્વામી વિવેકાનંદે ગીતાના ગ્રંથને પોતાના જીવનમાં ઉતારીને જાતને પરિષ્કૃત કરી હતી. ગીતા પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કારણકે ગીતામાં જ જીવનનાં યથાર્થ રહસ્યોનો ઉકેલ છે. તેમાં વેદ, પુરાણ, ઉપનિષદનો સર છે. એટલે જો મહાભારતના રચયિતા વેદવ્યાસે ગીતા વિશે કહ્યું છે કે, `ગીતાનું શ્રવણ અને પઠન કરવાથી પ્રત્યેક પંક્તિનું મનન કરવાથી જીવનના દરેક સંશયો શ્રદ્ધામાં પરિવર્તિત થાય છે.’
ગીતાજીનું માહાત્મ્ય
શ્રીમદ્ ભગવદ્ગીતાએ વર્ષોથી અનેક પેઢીઓને પોતાના સંશયની ક્ષણોમાં જીવનનો સાચો માર્ગ ચીંધ્યો છે, ગીતાનો ઉપદેશ માત્રને માત્ર આજને માટે જ નહિ, પરંતુ સદાને માટે પ્રાસંગિક છે. જેવી રીતે રણક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેના કર્તવ્ય-અકર્તવ્યથી પરિચિત કરાવે છે તેમ ગીતાજી ભ્રમ જાળમાંથી કાઢીને નવી દૃષ્ટિ પ્રદાન કરે છે. તે વર્તમાન દુશ્ચિંતાઓમાં મુક્તિ અપાવવામાં સહાયક નીવડે છે. ગીતા માનવમાત્રને જીવનમાં દરેક ક્ષણે આવનારા નાના મોટા સંગ્રામોની સામે હિંમતપૂર્વક સામનો કરવાની શક્તિ અર્પે છે. મનુષ્યના કર્તવ્યનો બોધ કરાવનાર ગીતાનો એક કેન્દ્રીય વિષય છે ગીતાનું દર્શન. એ કોઈ જાતીય ધર્મ વિશેષને માટે નથી, પરંતુ તે તો સાર્વભૌમને માટે છે.
ગીતા સાહિત્યના પ્રેમીઓને સાહિત્યિક આનંદ આપે છે, કર્મવીરોને કર્મ કરવાનો ઉત્સાહ આપે છે, જ્ઞાનીયોને જ્ઞાનગંગામાં ડૂબકી મારવાનો અવસર આપે છે એમ ભક્તોને ગીતામાંથી ભક્તિનું અણમોલ રહસ્ય મળે છે. ગીતા કોઈપણ સ્થિતિમાં શ્રદ્ધાને નષ્ટ થવા દેતી નથી. નિરાશાના અંધકારમાં ભટકતા માનવના જીવનમાં ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. હતોત્સાહી માનવને ગીતા નૂતન પ્રકાશ આપે છે. ભગવાન મારી સાથે છે, એવું માનનારો માનવ કદી નિરાશ થતો નથી. આસ્થાવાન મનુષ્યોને માટે ગીતા એ એક માતૃતુલ્ય છે. માનવમાત્ર નિષ્ફળ જતાં નિરાશ થઈ જાય ત્યારે ગીતા નિષ્ફળતા-સફળતાની વિરુદ્ધ નથી, પરંતુ તે સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા આપે છે.
પ્રયત્નશીલ માનવના જીવનમાં આવનારી નિષ્ફળતાઓ એક સફળતાનું સોપાન બને છે. નિરાશાવાદી મનુષ્ય ગુલાબ પર કાંટા જુએ છે, પરંતુ ગીતા તેને કાંટામાં ગુલાબ જોવાની દૃષ્ટિ આપે છે. ગીતા માનવને જીવન જીવવાની કળા શીખવે છે. તે સુખી બનવા માટે મનોવિજ્ઞાન નિર્દેશે છે, સંન્યાસી એ કેવળ બહારનો દેખાવ માત્ર નથી. તે આંતરિક પરિવર્તનના પ્રતીક સમાન છે. સંન્યાસ લેવાનો નથી, પરંતુ સંન્યાસી સમાન મનોવૃત્તિ બનાવવાની હોય છે. સંન્યાસ વસ્ત્રમાં નહિ, પણ વૃત્તિમાં સમાયેલ હોય છે. ગીતા ત્યાગ, બલિદાન, સમર્પણની ભાવના શીખવે છે. ગીતાનો ઉપદેશ છે કે, તું યોગી બન. એટલે કે કોઈ રચનાત્મક કાર્ય તરફ પ્રવૃત્ત થઈ જા. સકારાત્મક કાર્ય ઈશ્વર સાથે સંલગ્ન હોય છે. તેનાથી વ્યક્તિનું જીવન સફળ બને છે. ગીતાનો આગ્રહ છે કે તે સામાજિક, ધાર્મિક યા રાજનૈતિક કોઈપણ ક્ષેત્રની વ્યક્તિ હોય, જો તે પોતાના સમાજનું નેતૃત્વ કરતી હોય તો સમાજને પોતાના આચરણ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવું એ તે વ્યક્તિનું પોતાનું કર્તવ્ય છે. આવી વ્યક્તિની ચિંતા સ્વયં ભગવાન કરે છે.
ભગવાન ભક્તને ગીતામાં કહે છે કે, હું મારા ભક્તોનું યોગક્ષેત્ર વહન કરું છું. તેને જે અપ્રાપ્ત છે તેની પ્રાપ્તિ હું કરાવી દઉં છું અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ પણ હું જાતે જ કરું છું. ભગવાનને જીવન સમર્પિત કરનારની ચિંતા ભગવાન કરે છે. કર્મમાં કુશળતાનું નામ જ યોગ છે. કુશળતાપૂર્વક કાર્ય કરવું કે મન બગાડી કાર્ય કરવું, મનને છેતરીને કામ ન કરવું એ જ સાચું કાર્ય છે. ગીતાનો મુખ્ય ઉદેશ છે અનાઅહિતના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવો. ગીતા એ બ્રહ્મવિદ્યા છે, કેમ કે તે સઘળા ઉપનિષદોનો સાર છે.
ગીતા મનનું વિજ્ઞાન
ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, ગીતા એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્યના મનનુ વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાના અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.
આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવણોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ. ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે.
ટૂંકમાં કહીએ તો ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય ગીતા છે. ગીતા એક એવો માર્ગદર્શક ગ્રંથ છે જેમાં દરેક યુગના મનુષ્યને તેની વિડંબણાનો ઉત્તમ મળે છે. ગીતા માત્ર ગ્રંથ નથી, મનની દ્વિધાને હરનાર એક સંજીવની છે. ગીતા જીવતા શીખવે છે અને જીવનને ધન્યતા તરફ લઈ જાય છે, તેથી જ તેને અનુપમ જીવનગ્રંથ કહેવામાં આવે છે. ગીતાજી એવ દિવ્ય ગ્રંથ છે જે પલાયનવાદથી પુરુષાર્થ તરફ પ્રેરિત કરે છે.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥4/8॥
ભાવાર્થ : ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.
કર્મણ્યેવાધિકારસ્તે માફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તેસઙ્ગોઽસ્ત્વકર્મણિ ॥2/47॥
ભાવાર્થ : તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.