ચાંદીના ૪ છતર, પાદુકા, થાળી, કંકાવટી, સોનાના ૬૫ ચાંદલા, નથ અને દાનપેટીમાંથી રોકડની ચોરી
પગીને દોરડાથી બાંધ્યા બાદ મંદિરમાં હાથફેરો કર્યો, પગીના ખિસ્સામાંથી રોકડ અને મંગળસુત્ર પણ તફડાવી ગયા
ગોંડલમાં રાજવી પરિવારના પૌરાણિક આશાપુરા માતાજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. ગત રાત્રે તસ્કરો ખાબક્યા હતા. માતાજીનું છતર, ઘરેણા અને દાનપેટીમાંથી રોકડ લઇ ગયા હતા. તસ્કરોએ મંદિરના વયોવૃધ્ધ પગીને પણ મુક્યા ન હતા. પગીને ખુરશી સાથે દોરડાથી બાંધી તેના ખિસ્સામાંથી પણ રોકડ લઇ ગયા હતા.
ગોંડલના પ્રવેશદ્વાર પાસે જ આવેલુ આશાપુરા માતાજી મંદિર રાજવી પરિવારના આસ્થાનું પ્રતિક છે. માત્ર ગોંડલનો રાજવી પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરની જનતા આશાપુરા માતાજી મંદિર પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. ગુજરાતભરમાંથી રાજવી પરિવાર આ મંદિરે માથુ ટેકવવા આવે છે. પૌરણિક એવા આ મંદિર પર તસ્કરોની નજર બગડી હતી. ગઇકાલે મોડી રાત્રે તસ્કરો મુખ્ય પ્રવેશદ્વારથી જ અંદર ઘુસીને પહેલા મંદિરની દેખરેખ રાખતા પગીની ઓરડીમાં જઇને પગીને ખુરશી સાથે દોરડાંથી બાંધી દીધા હતા. પગી બુમાબુમ ન કરે એ માટે મોઢે ડૂચો દઇ રાખ્યો હતો. બાદમાં મંદિરના ગર્ભ ગૃહમાં ઘુસીને ચાંદીના ચાર છતર, એક ચાંદીના પાદુકા, ચાંદીની થાળી, ચાંદીની કંકાવટી, સોનાના ૬૫ ચાંદલા, સોનાની નથ, બાજુમાં જ આવેલા ગણપતિજીના મંદિરમાંથી ચાંદીનું એક છતર અને દનપેટીમાંથી ૬ હજાર રોકડા લઇ તફડાવી ગયા હતા. એટલુ જ નહીં પગીના ખિસ્સામાંથી સોનાનું મંગલસુત્ર પણ લઇ ગયા હતા. મંદિરમાં ચોરી થયાની જાણ થતા જ સિટી પોલીસ અને એલસીબીના પીઆઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા.