યુરોપના મોટાભાગના વિસ્તારોમાં અચાનક બ્લેક આઉટ થયું છે. સ્પેનની વીજળી કંપનીના અધિકારીએ જણાવ્યુ છે કે, વીજળી પાછી મેળવવા માટે કામ શરુ કરાયુ છે. અને સમસ્યાનું સમાધાન લાવવા માટે પૂરતા પ્રયાસ હાથ ધરાયા છે. વાહન વ્યવહાર પર વીજળી કાપની અસર દેખાઇ રહી છે. તો સાથે જ નેટવર્ક બંધ થતા મોબાઇલની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ તમામ સમસ્યાનું સમાધાન વહેલી તકે લાવવા માટે પ્રયાસ શરુ છે.
સ્પેન અને પોર્ટુગલમાં વીજળી કાપ
યૂરોપીય દેશ સ્પેન અને પોર્ટુગલમાં વીજળી કાપ જોવા મળી રહ્યો છે. રાજધાનીઓમાં પણ વીજળી ગુલ થઇ છે. ફ્રાન્સના મોટાભાગના વિસ્તાર બ્લેક આઉટથી પ્રભાવિત થયા છે. વીજળી કંપનીઓએ જણાવ્યુ છે કે, આ બ્લેક આઉટ માટે કયુ કારણ જવાબદાર છે તે માટે શોધખોળ શરુ છે. વીજળી ઠપ્પ થવાથી ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થઇ છે, મોબાઇલ નેટવર્ક બંધ થયા છે તો ટ્રેન વ્યવહાર પર પણ બ્રેક લાગી છે. વીજળી ગુલ થવાની અસર મેડ્રિડ ઓપન, જે વાર્ષિક ક્લે કોર્ટ ટેનિસ ટૂર્નામેન્ટ છે તેના પર પણ જોવા મળ્યો છે. મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી. વીજળી જતી રહેતા મેચનો સ્કોર બોર્ડ પણ પ્રભાવિત થયો હતો. અને કોર્ટ પર લાગેલા કેમેરા પણ બંધ થઇ ગયા હતા.
અચાનક કેમ ગઇ વીજળી?
1.06 કરોડની વસ્તીવાળા દેશ પોર્ટુગલમાં વીજળી ઠપ્પ થતા રાજધાની લિસ્બન અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે બ્લેક આઉટનું કારણ યૂરોપીય વિજળી પ્રણાલીમાં કોઇ સમસ્યા છે. નેટવર્કને પુનઃસ્થાપિત કરવા માટે તેણે અમુક વિસ્તારોમાં વીજળી કાપ મુકવો પડે છે. મોબાઇલ નેટવર્કે પણ કામ કરવાનું બંધ કરી દીધુ છે. લિસ્બન પર સબવે ચલાવવાનું પણ બંધ કરવામાં આવ્યુ છે. સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઇ ગઇ છે. જેના કારણે વાહન-વ્યવહારો પર અસર જોવા મળી રહી છે.