પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓપનર રેયાન રિકલ્ટનની બેવડી સદી (259) તેમજ સુકાની ટેન્ડા બાવુમા (106) અને કાઇલ વેરીન (100)ની શતકીય ઇનિંગના જોરે પોતાના પહેલા દાવમાં પાકિસ્તાન સામે 615 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો.
રિકલ્ટન, બાવુમા અને કાઈલ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસેને પણ 62 રનની આક્રમક ઇનિંગ રમીને પાકિસ્તાની બોલર્સને મેદાનની ચારેય તરફ ફટકાર્યા હતા. યાનસેને 54 બોલની પોતાની ઇનંગમાં આઠ બાઉન્ડ્રી અને 3 સિક્સર ફટકારી હતી જ્યારે કેશવ મહારાજે ચાર બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી 35 બોલમાં 40 રન ફટકાર્યા હતા. વેરીને પોતાની શતકીય ઇનિંગમાં 9 બાઉન્ડ્રી અને પાંચ સિક્સર જ્યારે બાવુમાંએ 9 બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. રિકલ્ટને પોતાની બેવડી સદીની ઇનિંગમાં 343 બોલ રમીને 29 બાઉન્ડ્રી તેમજ 3 સિક્સર ફટકારી હતી. પાકિસ્તાન વતી મોહમ્મદ અબ્બાસ અને સલમાન આગાએ સૌથી વધારે 3-3 વિકેટ ખેરવી હતી જ્યારે મીર હમ્ઝાને બે વિકેટ મળી હતી. તે સિવાય ખુર્મર શહેઝાદના ખાતામાં પણ બે વિકેટ ગઇ હતી. પહેલી ટેસ્ટમાં જીત મેળવીને દક્ષિણ આફ્રિકા હાલ સિરીઝમાં 1-0થી આગળ છે. તે જીતના સહારે સાઉથ આફ્રીકન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી ગઇ હતી.