ભારતની સ્ટાર મહિલા શૂટર તથા પેરિસ ઓલિમ્પિકની ડબલ મેડાલિસ્ટ મનુ ભાકરે ફરીથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે પરંતુ તે આગામી મહિને યોજનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં. પેરિસ ગેમ્સ બાદ આ બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ છે જેમાં મનુએ ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.
તેણે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં દિલ્હી ખાતે યોજાયેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સ ઇવેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેના કોચ જસપાલ રાણાએ જણાવ્યું હતું કે મનુ ભાકર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં કારણ કે ટ્રેનિંગમાં પાછા ફરવાનો હજુ વધારે સમય થયો નથી અને તે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે તેવી સ્થિતિમાં નથી. ભારતીય શૂટર હાલમાં પોતાના કોચ સાથે યુરોપમાં છે જ્યાં તે પોતાની ગ્રિપને વધારે મજબૂત કરવા ઉપર ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત કેટલાક એવા પાસાં છે જેની ઉપર હાલમાં કાર્ય થઈ રહ્યું છે. અત્યારે કોઈ કોમેન્ટ કરી શકાય તેમ નથી. કેટલાક ફેરફારો બાદ ભવિષ્યમાં મનુના પ્રદર્શનમાં સુધારો થશે તેવી આશા છે.