- પરિવર્તિની એકાદશી પુણ્યકારક, પાપ હરનારી અને સાધકને મોક્ષ અપાવનારી છે
પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે. ભગવાન વિષ્ણુ `દેવશયની’ (દેવપોઢી) એકાદશીથી સાગરમધ્યે પોઢ્યા હતા. તેઓ પડખું બદલે છે તે શુભ દિવસ ભાદરવા સુદ અગિયારસ ગણાય છે. પરિણામે આ પવિત્ર દિવસે આપણાં દેવમંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે. પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે-જમણે પડખે થાય છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ એકાદશી પુણ્યકારક, પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે. આ દિવસે `વામન’ જયંતીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે.
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીના અધિષ્ઠાતા દેવ, વ્રતવિધિ અને તેના માહાત્મ્ય વિશે સમજણ આપે છે. `આ શુભ દિવસે લોકો વામન-પૂજા કરે છે. ભગવાનને કમળ અર્પણ કરવાનો મહિમા મોટો છે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરી એમ મનાય છે, ચાતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે છે.
ત્રેતાયુગમાં ભાદરવા સુદ બારસના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ-અદિતિને દર્શન આપી ભગવાને વામન (બટુક સ્વરૂપ) સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે દૈત્યરાજ બલિએ વિશ્વજિત યજ્ઞ કરીને સ્વર્ગ જીતી લઈ દેવોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું અને વામન સ્વરૂપે જ બલિને જીતી લીધો હતો. ભગવાને કપટ કરીને તેની પાસેથી ત્રણ ડગલાં મૂકી શકાય તેટલી જમીન દાનમાં માગી હતી.પહેલા પગલે પૃથ્વી, બીજા પગલે ત્રણેય લોક શ્રીહરિએ જીતી લીધા, હવે ત્રીજું પગલું બલિના મસ્તક પર મૂક્યું અને તેને પાતાળમાં ધકેલી દીધો. આખરે તે ભગવાનના શરણે આવ્યો. આમ, બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય પુન:પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુએ દેવોને સુપરત કરી દીધું હતું. ઈન્દ્રે આ પ્રમાણે ઉપેન્દ્ર (વામન) ભગવાનના બાહુથી રક્ષણ મેળવી પોતાના સર્વ વૈભવ અને સ્વર્ગની સમૃદ્ધિ પુન:પ્રાપ્ત કરી હતી.
ઉપરોક્ત પરિવર્તન ભાદરવા સુદ એકાદશીના દિવસે થયું હતું તેથી આ એકાદશીને `વામન’ એકાદશી તરીકે પણ ઊજવવામાં આવે છે.