તાજેતરમાં કેટલીક ચીની કંપનીઓની ઓફિસોમાં લાગુ કરાયેલા કઠોર અને વાંધાજનક નિયમો અને પરંપરાઓના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે. બે અલગ-અલગ ઘટનાઓમાં કર્મચારીઓને અપાતી વિચિત્ર અને અમાનવીય સજાના વીડિયો સામે આવ્યા બાદ ત્યાંના વર્ક કલ્ચર પર સવાલો ઉઠી રહ્યા છે.
વીડિયો થયો હતો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં કર્મચારીઓ બૂમો પાડતા જોવા મળે છે. જેમાં તમામ સ્ટાફ જમીન પર સૂઈને બુમો પાડતા જોવા મળે છે. દરેક જણ કહી રહ્યા છે – ચિમિંગ બ્રાન્ચના બોસ હુઆંગનું સ્વાગત છે, અમે ચિમિંગ બ્રાન્ચમાં કામ કરીને જીવીએ કે મરીએ, અમે અમારા કામમાં ક્યારેય નિષ્ફળ નહીં જઈએ.
ચીનમાં ‘ડેથ ચીલીઝ’ જેવી સજાનો ઉપયોગ
એક ઘટનામાં, ચેંગડુમાં એક નાણાકીય પેઢીના કર્મચારીઓ જો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ ગયા તો તેમને ‘ડેથ ચિલીઝ’ તરીકે ઓળખાતા અત્યંત ગરમ મરચાં ખાવાની ફરજ પડી હતી. આ વિચિત્ર સજાને કારણે બે મહિલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ચીનમાં ‘ડેથ ચીલીઝ’ જેવી સજાનો ઉપયોગ નવો નથી. પરંતુ ફરી એકવાર ઓફિસમાં આ પ્રથા શરૂ થતાં કર્મચારીઓની હાલત તરફ લોકોનું ધ્યાન દોર્યું છે. ટીકાકારો કહે છે કે આ ક્રૂર અને અસંવેદનશીલ અભિગમ એક ટોક્સિક કાર્યસ્થળ સંસ્કૃતિનું પ્રતીક છે.