રાજાને રંક અને રંકને રાજા બનાવે તેનું નામ અંક. અંકશાસ્ત્રનો એકાદ અંક માનવ જીવનમાં જ્યારે પોઝિટિવ રોલ ભજવે ત્યારે તેની સફળતા શાશ્વત બની જાય છે. તમે જુઓ કે નવનો અંક કેટલો નસીબદાર છે, કારણ કે સ્વયં ધર્મ અને ઈશ્વર આ અંક સાથે જોડાઈ ગયા છે, કેમ કે તમે જ્યારે નવરાત્રિ, નવકાર, નવદુર્ગા શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે નવનો અંક ધન્ય થઈ જાય છે. અંકશાસ્ત્રમાં એવા અસંખ્ય આંકડા છે કે જેનું મહત્ત્વ અલૌકિક, અદ્ભુત અને અનુપમ છે. જેમ કે, તમે અંક 7 નો વિચાર કરો તો તમને અંકના ઉચ્ચારણ સાથે જ સંગીતના સાત સૂર, સપ્તઋષિ તારાઓનું જોડકું, સાત વાર યાદ આવી જાય. આમ, અંક સ્વયં પોતાનું ભાગ્ય લઈને જન્મે છે અને પોતાની અંદર રહેલી શક્તિઓ વડે અન્યના ભાગ્યવિધાતા બની જાય છે. અંક માનવીના કપાળ પર લાગેલા જંક(કાટ)ને દૂર કરે છે અને પુન: તેના લલાટને ચકચકિત કરી દે છે.
અંકશાસ્ત્રની વાત નીકળે ત્યારે ખાસ કરીને ફિલ્મ જગતની સફળતાઓ ઊડીને આંખે વળગે તેવી છે. જેમ કે, આધુનિક ફિલ્મની વાત કરીએ તો સ્ત્રી-1, સ્ત્રી-2, પુષ્પા ભાગ-1 વગેરે અને જૂની ઓલ્ડ ગોલ્ડ મૂવીની વાત કરીએ તો તારાચંદ બડજાત્યાની ફિલ્મ દોસ્તી હોય કે મનોજકુમારની અસીમ સફળતાને વરેલી ઉપકાર ફિલ્મ હોય કે પછી રામાનંદ સાગરની આંખે હોય, ગુરુદત્તની કાગઝ કે ફૂલ અને દેવસાહેબની ગાઈડ ફિલ્મ હોય આ બધી જ ફિલ્મની સફળતાનું સાફલ્ય કહો કે રહસ્ય તેની પાછળ અંક 1 અને અંક 7 નો મોટો હાથ હતો. અંક 1 સીધો જ સૂર્ય ગ્રહ સાથે સંકળાયેલો અંક છે અને અંક 7 નેપ્ચ્યુન સાથે જોડાયેલો છે. જી.પી. સિપ્પીની શોલે ફિલ્મનું રહસ્ય અંક 6માં છુપાયેલું હતું. અંક 6 સીધો જ શુક્ર સાથે જોડાયેલો છે અને શુક્ર ગ્રહ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એક હથ્થું શાસન અને ઇજારાશાહી ધરાવે છે તેમાં કોઈ શક નથી. સ્ત્રી-2, મુન્જ્યા, પુષ્પા અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના અંકનો સરવાળો ફિલ્મ રજૂ થતા પહેલાં 8 થતો હતો અને આ ભયાનક અપશુકનિયાળ ભૂલ ધ્યાન પર આવતાં જ તેના સ્પેલિંગમાં ફેરફારો કરાવી ફિલ્મના સ્પેલિંગનું ટોટલ 7 કરાવેલું અને તમે જુઓ અંક 7ની જાદુઇ અસર ફિલ્મ પર એવી થઈ કે આ ફિલ્મ હજુ પણ લોકોના માનસપટની બોક્સ ઓફિસ પર ચાલે અને દોડે છે. અંક 7 પર નેપ્ચ્યૂન ગ્રહની અસર છે અને નેપ્ચ્યૂન એટલે માનવીનાં સપનાંઓને સાકાર કરી જીવનને સાકર જેવું મીઠું મધ બનાવતો ગ્રહ.
અહીં એક કિસ્સો જાણવા જેવો છે. વાત નાની અમથી છે. કેનેડામાં રહેતા મુકેશ પટેલ મોટેલના ધંધામાં ખોટ કરી ભારત પરત આવવાની તૈયારી કરતા હોય અને અચાનક જ અંક તેમના જીવનમાં અને ધંધામાં ચમત્કાર કરે તો અંકશાસ્ત્રને સો સો સલામ કરવી જ પડે. મુકેશ પટેલની જન્મતારીખ 16-05-1984. તેમની જન્મતારીખનો સરવાળો 16+05+1984 =34=7 થાય અને તેમના નામનો સ્પેલિંગ MUKESH PATELનો સરવાળો 1 થાય. આમ, નામનો અંક (1) સૂર્યની અસર હેઠળ અને જન્મતારીખનો સરવાળો (7) નેપ્ચ્યૂન ગ્રહની અસર હેઠળ આવે. છેક 1984માં જન્મેલા મુકેશ પટેલ ફેબ્રુઆરી-2021 સુધી અંક 1ની અસર હેઠળ જીવન જીવ્યા, પરંતુ અંકશાસ્ત્રના અમૂલ્ય સહારા વડે મુકેશ પટેલે તેમના નામના સ્પેલિંગમાં ફેરફાર કરાવ્યો અને આજે કેનેડામાં તેમનું જીવન કમાલ બની ગયું છે. જે મોટેલ તેમના અને કુટુંબ માટે આઘાત અને આપઘાતનું કારણ બનવાની તૈયારીમાં હતી તેનું મૂળ રહસ્ય મુકેશ પટેલના સ્પેલિંગમાં હતું. મુકેશ પટેલના નામના સુધારા સાથે જ તેમના જીવનમાં સફળતાની બહાર આવી ગઈ અને આજે મુકેશ પટેલ કેનેડામાં આન બાન શાનથી પોતાનું જીવન જીવે છે.
મુકેશ પટેલનો જૂનો સ્પેલિંગ MUKESH PATEL (અંકશાસ્ત્રની દૃષ્ટિએ તેનું ટોટલ અંક 1 થાય અને અંક 1 સૂર્ય ગ્રહની અસર હેઠળ આવે.)
મુકેશ પટેલનો નવો સુધારેલો સ્પેલિંગ MUUKESH PATEL (તેમના નવા નામમાં માત્ર વધારાનો આલ્ફાબેટ `U’ મૂક્યો) અને તેમનું ટોટલ (1) ની જગ્યાએ(7) થઈ ગયું. તેમના નવા નામના સ્પેલિંગનો સરવાળો અને જન્મતારીખનો સરવાળો એકસમાન (7) થઈ ગયો. આમ, જન્મતારીખ અને મુકેશ પટેલ વચ્ચે જે ગ્રહો અને અંકશાસ્ત્રની અસમાનતા હતી તે દૂર થઈ ગઈ અને મુકેશ પટેલ કેનેડામાં પુન: ધબકતા થયા. અંકશાસ્ત્ર મુજબ આલ્ફાબેટ `U’ની વેલ્યૂ 6 થાય ને અંક 6 શુક્ર ગ્રહનો અંક છે કે જે સીધો માનવીની ભૌતિક વ્યવસ્થા સાથે જોડાયેલો છે. મુકેશ પટેલ નામના સ્પેલિંગમાં વધારાનો U તેમને આર્થિક સધ્ધરતા આપી ગયો.
દરેક વ્યક્તિના જીવનમાં અંક અને આલ્ફાબેટનો સમન્વય એક અદ્ભુત ચમત્કાર સર્જે છે. શક્ય છે કે તમારા નસીબના તાળાની ચોક્કસ ચાવી અંકશાસ્ત્ર પાસે જ હોય અને તમે પણ બૂંદિયાળમાંથી બાદશાહ બની જાઓ, કારણ કે…
પદે પદે ચ રત્નાનિ યોજને રસ કૂપિકા!
ભાગ્યહિના ન પશ્યંતિ બહુરત્ના વસુંધરા
ડગલે ડગલે રત્નો પડ્યાં છે, યોજને યોજને રસકુંપા છે, પણ ભાગ્યહીનને જોવામાં આવતા નથી. પૃથ્વી તો રત્નોથી ભરપૂર છે.
આજની ટીપ : જો તમારી જન્મકુંડળીમાં શનિ-ગુરુની યુતિ હોય અગર શનિ-રાહુની યુતિ હોય તો શેર બજારમાં સાવધ રહેજો. શેર બજારમાં સટ્ટો કરનારા જાતકોએ હંમેશાં સેટરનિક સ્ટોન ધારણ કરવો અને હંમેશાં રાહુના ત્રણ નક્ષત્ર આર્દ્રા, સ્વાતિ અને શતભિષાનો ઉપયોગ કરવો.