- આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક
- સરકારી હોસ્પિટલોની સ્થિતિની કરી સમીક્ષા
- જવાબદાર અધિકારીઓ પાસેથી માગ્યા જવાબો
ગુજરાતમાં આરોગ્ય સેવાઓ મુદ્દે ગુજરાત સરકારે એક મહત્વની બેઠક યોજી હતી. આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જેમાં અલગ અલગ 21 મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું.
ઋષિકેશ પટેલે કરી બેઠક
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને હોસ્પિટલમાં રખડતા ઢોરના પ્રશ્નો, બેડની ઓછી વ્યવસ્થા, ગંદગી અને અસ્વચ્છતા જેવા મુદ્દે આરોગ્ય મંત્રીએ સરકારી અધિકારીઓ પાસેથી જવાબો માગ્યા હતા. ઈમરજન્સી વ્યવસ્થા, ડોક્ટરોની ગેરહાજરી જેવા અનેક મુદ્દે પણ આરોગ્ય મંત્રીએ અધિકારીઓની ખબર લીધી હતી. જેમાં 6 GMERS હોસ્પિટલો અને અન્ય જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓ સાથે થયા રૂબરૂ
આ બેઠકમાં આગ લાગવાના સમયે કોઈ અનહોની ન સર્જાય તે માટે દર્દીઓની એન્ટ્રી અને એક્ઝિટ સુવિધા સુધીની વ્યવસ્થા, દર્દીઓની સારવારના વિવિધ પ્રશ્નો તેમજ પશુ ચિકિત્સા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી. હેલ્થ મિનિસ્ટરે આ બેઠકમાં વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં જ્યાં પણ હાલ મેનપાવરની ઘટ છે ત્યાં 1 મહિનામાં મેનપાવરની ઘટ પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ખાલી પદો પર વર્ગ 3 અને વર્ગ 4 ના અધિકારીઓની ભરતી કરવામાં આવશે. ઉપરાંત ડોકટર્સની ઉપલબ્ધતાને લઈ પણ તેમણે જણાવ્યું હતું કે રાજ્યની હોસ્પિટલોમાં હવેથી બોન્ડ આધારિત સરકારી ડોક્ટરો પણ ઉપલબ્ધ થવાના છે. તેથી ડોક્ટરોની ઘટ પણ પૂરી થશે.
આદિવાસી ક્ષેત્રોમાં ખુલશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો
રાજ્યમાં આદિવાસી પટ્ટામાં આરોગ્ય સુવિધાઓના માળખા વિશે વાત કરતા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં આદિવાસી વિસ્તારોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવાનું મુખ્ય આયોજન છે. જેના પર સરકાર ધ્યાન આપી રહી છે. જેનાથી આદિવાસી ક્ષેત્રોમાં સારી આરોગ્ય સેવા સુલભ બનશે. ઉપરાંત GPSC દ્વારા MD ડોક્ટરોની ભરતી કરવામાં આવશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી.