સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તા. 26-1-2001ના રોજ ભુકંપ આવ્યો હતો. જેમાં રાજયમાં સૌથી વધુ નુકશાન કચ્છમાં થયુ હતુ. પરંતુ ઝાલાવાડમાં પણ થોડા ઘણા અંશે નુકશાન થયુ હતુ. ઝાલાવાડ કચ્છની નજીક હોવાથી અવારનવાર ભુકંપના આંચક આવે છે.
પરંતુ લોકો તેનો અનુભવ કરતા નથી. ત્યારે ફરીવાર તા. 15ને શુક્રવારે રાત્રે 10-15 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્રબીન્દુ ઉત્તર ગુજરાતના પાટણથી 13 કીમી દુર હતુ. આ આંચકો સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અનુભવાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં રાતના સમયે લોકો પોતાના ઘરે શાંતિથી બેઠા હતા. ત્યારે હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં વસતા પરિવારો નીચે ઉતરી ગયા હતા. અને કોઈ આફટરશોક ન આવે અને જાનહાની ન થાય તેની તકેદારી લેતા હતા. જોકે, મોટાભાગના લોકોને આંચકાનો અનુભવ ન થયાનું જણાવી રહ્યા છે. ઈન્ડીયન સીસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટર દ્વારા પણ 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યાનું સત્તાવાર રીતે જાહેર કરાયુ હતુ.
આ અંગે સુરેન્દ્રનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટના નીલેશભાઈ પરમારે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા આંચક આવતા રહે છે. પરંતુ સામાન્ય રીતે 3ની તીવ્રતાથી નીચેનો આંચકો હોય તો તેનો અનુભવ થતો નથી. જયારે આંચકાની તીવ્રતા 3ની ઉપર હોય તો હળવો અનુભવ થાય છે. 6 કે તેથી વધુની તીવ્રતાના આંચકા વિનાશ નોંતરે છે.
માંડલ પંથકમાં ભૂકંપની ધ્રુજારી અનુભાવાઈ
અમદાવાદ જિલ્લા ગ્રામ્યના માંડલમાં લોકોને રાત્રીના સવા દસ વાગ્યા બાદ ધ્રુજારી અનુભવાઈ હતી. નગરના બજાર વિસ્તાર, સોસાયટી વિસ્તારોમાં તો કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બાજુમાં આવેલ દસાડા-પાટડી શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકો ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયાં હતાં. ધરાની ધ્રુજારીથી પંથકમાં કોઈ નુકસાન ન થતા હાશકારો થયો હતો.
ધંધૂકા પંથકની ધરા રાત્રે ધ્રુજતા લોકો ભયભીત બન્યા
અમદાવાદ જિલ્લાના ધંધૂકા વિસ્તારમાં ગત રાત્રિએ અચાનક ધરા ધ્રુજતા લોકો ભયભીત બન્યા હતાં. દેવદિવાળીની રાત્રે અચાનક લોકો પોતપોતાના ઘરોમાં હતા. ત્યારે અચાનક રાત્રે 10.15 મિનિટે ભૂકંપનાં આંચકાની અનુભૂતિ થઈ હતી. ધરા ધ્રુજતા જ ઘરોમાંથી લોકો અચાનક બહાર દોડી આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનુ કંપન અનુભવાતા પંથકવાસીઓ ચિંતિત બન્યા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન થયું નથી. પરંતુ ઘણા વર્ષો બાદ ફરી ધરતી ધ્રુજતા લોકોએ 2001નાં કંપારી છોડાવી દેનારા બિહામણા ભૂકંપની યાદથી થરથરી ઉઠયા હતા.