અમિનમાર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં કેસ દેખાયો, મહિલા દર્દીનના સંપર્કમાં ૧૪ વ્યક્તિ આવેલા
રાજકોટમાં કાળમુખા કોરોના ફરી ઓકટોપસી ભરડો લેતો જાય છે. દેશભરમાં એક્ટિવ કેસ વધ્યા છે. કોરોનાની વધુ એક લહેર શરૂ થઇ ગયાની દહેશત વચ્ચે સરકારની ગાઇડલાઇન મુજબ મનપાએ કોરોનાના લક્ષણ ધરાવતા હોય તેવા દર્દી ટ્રેસીંગ કરવાનું શરૂ કર્યુ. એ દરમિયાન એક શંકાસ્પદ કેસ અને તેમના કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા ૧૪ વ્યક્તિને સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવા માટે મહાનગરપાલિકાએ કડક સુચના આપી છે.
મનપાના આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં આવતા તાવ, શરદી, ઉધરસ કે શ્વાસને લગતી બીમારીવાળા કેસનું ટ્રેસીંગ શરૂ કરવામા આવ્યુ છે. એ દરમિયાન ગઇકાલે અમિનમાર્ગ પર આવેલી ચિત્રકૂટધામ સોસાયટી શેરી નં.૨માં રહેતા બાવન વર્ષિય એક મહિલામાં કોરોનાના લક્ષણ દેખાયા છે. મહિલાના નજીકના જ સંપર્કમાં આવેલા તેમના પતિ સહિત ૧૪ વ્યક્તિ છે. આ તમામને સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવા મનપાએ સુચના આપી છે. આ મહિલા દર્દીએ અગાઉ વેક્સીનના બન્ને ડોઝ લીધેલા છે.