લોકસભાની ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થયા છતાં હજુ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી :ચૂંટણી પ્રચારમાં ગરમી કેમ નથી આવતી ?
રાજકારણમાં પણ હવે પેટર્ન બદલાય છે : કોઇને લાંબો પ્રવાસ,કાર્યકરોની ઝંઝટ અને ખર્ચા કરવા ગમતાં નથી !
૧૬ માર્ચ ર૦ર૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ. ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન છે. ભારતિય જનતા પાર્ટીએ તેમના ઉમેદવાર ર૬ બેઠક ઉપર જાહેર કરી દીધા છે. કોંગ્રેસના આઠ બેઠક ઉપર જાહેર કરવાના બાકી છે. બે થી ત્રણ જગ્યાએ આમ આદમી પાર્ટી ઇન્ડિયા સાથેની સમજુતી મુજબ ચૂંટણી લડી રહી છે. સૌરાષ્ટ્રના રાજકિય એ.પી. સેન્ટર જેવા રાજકોટમાં કોંગ્રેસે ચૂંટણી જાહેર થયાના ૧૮ દિવસ વિતિ ગયા છતાં ઉમેદવાર જાહેર કર્યા નથી.કોંગ્રેસમાં ભાંજગડ એટલી છે કે,એકની પસંદ કરે તો ચાર નારાજ થાય. ગઇ કાલે રાજકોટમાં કોંગ્રેસની બેઠક મળી હતી. પરંતુ તેમાં પણ અગ્રણીઓ વચ્ચે ખટરાગ થઇ ગયો.
ભારતિય જનતા પાર્ટીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલાને જાહેર કર્યા. તેમનું ભવ્ય સ્વાગત કર્યુ અનેક સ્તાઓ ઉપર જુના નવા કાર્યકરો ઉભરાયા. પરંતુ અચાનક શું થયુ કે પ્રચારનો એ ગરમાવો અદ્રશ્ય થઇ ગયો. જ્ઞાતિ સંગઠનોના જમણવાર અને મેળાવડાં ચાલું હતાં પરંતુ ભૂતકાળમાં ભાજપની જે સર્વગ્રાહિ પ્રચારમાં છવાઇ જવાની નીતિ હતી.રસ્તા ઉપર જે રીતે નેતાઓ અને કાર્યકરો વોર્ડવાર ઝંડી વિતરણ,ખેસ પહેરાવવા સહિતના કાર્યક્રમ કરતાં હતાં તે હજુ શરૂ થયુ નથી.
કહેવાય છે કે ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરે ત્યાર બાદ ભાજપ 3૬૦ ડીગ્રી પ્રચાર કરશે.વાસ્તવમાં રૂપાલાનું ડેમેજ મેનેજમેન્ટ કરવાનો સમય એક અઠવાડિયા પૂર્વે હતો. પરંતુ અગમ્ય કારણસર ઘેરી ચુપકીદી ચાલે છે. આ માટે છાને ખુણે ચોકડીનું નામ દેવાય છે. તેમણે પ્રચારની ટ્રેન ઇરાદા પૂર્વક ડિરેઇલ કરી છે એવી પણ ચર્ચાએ જોર પકડયુ છે. મિડિયાની આગમાં ઘી હોમવામાં પણ કેટલાક મહત્વાકાંક્ષીઓએ કામ કર્યાની હવે ભાજપના આંતરિક વર્તુળોમા ખુલ્લંખુલ્લા વાત થાય છે.
જો કે, બીજી બાજુ એક સ્ટ્રોંગ વાત એવી આવે છે કે વહેલો પ્રચાર ન કરવો અને ઉમેદવાર ઉમેદવારી કરે ત્યારથી જ ભાજપનો પ્રચાર જોર શોરથી શરૂ કરવો એવી વ્યુહ રચના હતી. જેને ઉમેદવારનું પણ એપ્રુવલ હતું. આમ કરવા પાછળ લિમિટેડ બજેટમાં ચૂંટણી લડાય,કાર્યકરો સાથેની રોજની કવાયત, પ્રવાસો, મતદારો સાથેની ઝંઝટ ઝડપી રાઉન્ડમાં પૂરી થઇ જાય. ઉમેદવાર જયાં રૂબરૂ ન પહોંચી શકે ત્યાં પક્ષનો પ્રચાર પહોંચી જાય. ખાસ કરીને વડાપ્રધાન મોદીને નામે ચૂંટણી લડવાની હોવાથી મિડિયાના માધ્યમથી અને સૌથી વધુ ભાજપને જેમાં અત્યાર સુધી ભરોસો હતો તે પોતાના સોશિયલ મિડિયા નેટવર્ક થકી ટી ટવેન્ટી મેચની માફક થોડા દિવસોમાં તેમના તરફી માહોલ કરવાની નેમ હતી.
રાજકોટની વાત કરીએ તો ભાજપની આ પ્રયોગ શાળામાં આ પ્રયોગ નિષ્ફળ ગયો છે. એટલું જ નહિ આ પ્રયોગ પણ જોખમી સાબિત થયો છે. અત્યાર સુધીમાં પાર્ટીને જે નુકસાન ગયુ છે તે કલ્પનાતિત છે. કદાચ હવે પાર્ટી જાગશે.
કોંગ્રેસની વાત કરીએ તો રાજકોટ સહિતના સ્થળે ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થઇ ગયા હોવા છતાં ઉમેદવાર પણ જાહેર નથી કર્યા. કોંગ્રેસ બે રીતે આ બાબતનો બચાવ કરે છે. એક તો તેમની પાસે ફંડ નથી. સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે. એટલે ગાંઠના ખર્ચે ચૂંટણી લડવા કોઇ ઉમેદવાર તૈયાર નથી થતાં. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમા ખુબ સાવધ અને ચીવટ છે. ભુતકાળના નેતાઓની માફક ટિકિટ વેંચાતી નથી. આ બન્ને મુદા સાથે કોંગ્રેસ આર્થિક રીતે પણ સક્ષમ નથી. ભાજપ સામે લાંબો સમય ચૂંટણી પ્રચારના ખર્ચા કરી શકે તેમ નથી. આથી લાંબા ટેસ્ટ મેચને બદલે ચૂંટણીના મેદાનમાં બન્ને રાજકિય પક્ષો ટી-ટવેન્ટી રમવાના મતમાં છે.
સૌથી મહત્વનું કારણ એ છે કે ટોચના નેતાઓ ઉમેદવાર સિવાય લાંબા ગાળાની દોડધામ પસંદ કરતાં નથી. તેમના રોજીંદા જીવનમાં એટલા વૈભવ અને કમ્ફર્ટ આવી ગયા છે કે મેદાનમા જઇને ચૂંટણી લડવાને બદલે સોશિયલ મિડિયા ઉપર ડિપેન્ડ થઇ ગયા છે. સભા તો મોટા નેતાઓ જ કરે. ગલી સભા અને બેઠકો બંધ થઇ
ગઇ છે. એ બધું એક સાથે અને થોડા સમયમાં નિપટાવી દેવાનું હવે નેતાગીરી પણ પસંદ કરતી થઇ ગઇ છે. ભાજપની બાજુએ થોડો આત્મવિશ્વાસ પણ ચૂંટણી પ્રચારમાં ગરમી નથી. લાવતો. એકંદરે ચૂંટણી પ્રચાર માટે હવે ટી ટ્વેન્ટી ફોર્મેટ પસંદ થવા માડયુ છે.