કુલ ૧૧૮૬ વકિલોએ ટેબલ સ્પેસની માગણી કરી છે પરંતુ ગ્રાઉન્ડ ફલોર ઉપર
3૬ર ટેબલનો જ સમાવેશ થયો છે બાકીના ૮ર૪ વકિલોને ટેબલ સ્પેસ મળી નથી એવો બાર એસો.એ જજને પત્ર લખ્યોછે
ન્યાય તંત્રમાં ન્યાયિક વહેંચણી નહિ થાય તો જંગલ કાયદાનું દ્રષ્ટાંત ન્યાયમંદિરથી બેસશે
લોકશાહિના ચાર સ્થંભમાં એક સ્થંભ ન્યાયતંત્ર છે. કયારેક સરકાર બંધારણના મૂળભૂત અધિકારોનું પાલન કરાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે દેશની જનતા અને પીડિતો ન્યાયતંત્ર તરફ મીટ માંડે છે. ન્યાયતંત્ર મુઠી ઉંચેરુ છે. ભલભલા પ્રધાનો,સરકારી અધિકારીઓ જયારે ન્યાયતંત્રના કઠેરામાં ઉભા રહે છે ત્યારે ન્યાય તંત્રની આમન્યા જાળવે છે. લોકશાહિનો આ સ્થંભ ગણતંત્ર ભારતના ઇતિહાસના અનેક મોડ ઉપર લોકશાહિ ઉપરનો દેશવાસીઓનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહયો છે. લોકશાહિના વાહક વકિલોને એક સમાન યુનિફોર્મ મળ્યો છે. કાળા રંગનો કોટ સુપ્રિમ કોર્ટના વકિલોનો યુનિફોર્મ છે. એ જ યુનિફોર્મ રાજકોટની કોર્ટના વકિલોનો છે. વકિલોમાં કોઇ અસમાનતાં નથી.વકિલો સમાજમાં કાયદાના જ્ઞાતા અને સુશિક્ષિત પ્રતિનિધિ તરીકે સ્થાન ધરાવે છે. વકિલોનું કામ વિવાદોને સમાવવાનું પીડિતને ન્યાય અપાવવાનું. પરંતુ રાજકોટની તમામ કોર્ટ નવી ઇમારતમાં ગઇ છે.આ કોર્ટની નવી ઇમારતનું ઉદઘાટન ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ કર્યુ છે. આ જ ઇમારતમાં વકિલોની ટેબલ સ્પેસ મામલે આંટી પડી છે. બાર એસો.ના એલાન મુજબ એક દિવસ વકિલોએ કામથી દૂર રહી તેમનો વિરોધ પણ વ્યકત કર્યો છે.
સામાન્ય લોકોને વકિલોના આ પ્રશ્ન મામલે ઉપલક ખબર હશે. પરંતુ મૂળ બાબત શું છે? તેનો ખ્યાલ નહિ હોય. આ સમગ્ર મામલાને સરળતાથી સમજીએ તો જુની કોર્ટમાં વકિલો કોર્ટ રૂમમાં કાર્યવાહિમાં ન હોય ત્યારે બેસવા માટે અને ખાસ કરીને તેમના અસીલના પેપર વર્ક માટે ,સંપર્ક માટે ટેબલની છુટ આપવામાં આવી હતી. જે મુજબ જુની કોર્ટમાં વ્યવસ્થા હતી તે કોર્ટની નવી ઇમારતમાં પણ કરવામાં આવે તેવી માગણી હતી. નવી ઇમારતમાં બાર એસો. દ્વારા પહેલેથી જ રપ૦૦ ટેબલની માગણી કરી હતી. પરંતુ જયારે બાર એસો. દ્વારા જે વકિલોને ટેબલની જરૂર હોય તેની નોંધણી કરાવવા માટે અપીલ કરવામાં આવી ત્યારે ૧૧૮૬ વકિલોએ ટેબલ સ્પેસની માગણી કરી. જેમાંથી વહેલાં તે પહેલાંને ધોરણે 3૬ર વકિલોએ સ્વયં કોઇ ફાળવણી પહેલાં જ ટેબલ ગોઠવી દીધા. બાર એસો.એ ન્યાયતંત્રને બાકી રહી ગયેલાં
૮ર૪ વકિલોને ટેબલસ્પેસ ફાળવવા લેખિત માગણી કરી છે. જેમાં પ્રથમ માળે પણ આટલાં ટેબલ આવી શકે તેમ નથી એવુ વકિલો કહે છે. આથી મામલો ગુંચવાયો છે.
જેમને ટેબલ નથી મળ્યા તેમાંના મોટા ભાગના જુનિયર વકિલો છે. મોટા ભાગના જુનિયર વકિલોને તો પોતાની ઓફિસ પણ નથી. બીજી બાજુ ટેબલ મેળવનારાઓમાં કેટલાંક વકિલો પાસે એકથી વધુ ટેબલ છે. આ વકિલોની દલીલ એવી છે કે હાલ જે વકિલોએ ટેબલ સ્પેસ મેળવી લીધી છે તે ખાલી કરીને ન્યાયિક રીતે ન્યાય તંત્ર દ્વારા જ ડ્રો કરી અને ફરીથી ટેબલ વહેંચણી થવી જોઇએ. આ કમિટિમાં બાર એસો.ના પ્રતિનિધિઓનું સૂચન પણ થયુ છે. પરંતુ આ મામલો હજુ હલ થયો નથી. મતલબ કે જેમના ટેબલ છે એ કોઇ હટાવવા માંગતાં નથી. બાકી રહેલાંને અન્યત્ર ફાળવવાની માગણી છે. ખુદ ન્યાય તંત્ર પણ મામલો સલુકાઇથી અને આપસી સૌહાર્દમાં ઉકેલાઇ જાય તેવું ઇચ્છે છે. વકિલો કોર્ટ કાર્યવાહિથી દૂર ન રહે. કારણ કે જુનિયર વકિલોને માટે રોજી રોટીનો એક દિવસ બગડે તે પણ વ્યાજબી નથી. તેમજ ન્યાતંત્રની કાર્યવાહિ ખોરવાય એ પણ યોગ્ય નથી.
આવા સંજોગોમાં જે લોકોને ટેબલ સ્પેસ નથી મળી એ વકિલો પીડિત છે. તેઓ પણ બાર એસો.નું અંગ છે ત્યારે તેમના પ્રત્યે સમગ્ર બિરાદરી સંવેદનાથી વિચારે, તેમને પણ કુદરતી ન્યાય મળે એ જરૂરી છે. અન્યથા કાયદાને બાજુએ રાખીને ન્યાય તોળાય છે ત્યારે તેને જંગલ રાજ અથવા જંગલનો કાનુન કહેવાય છે. રાજકોટની કોર્ટે અને બાર એસો.ની ભવ્ય પરંપરા રહી છે. રાજકોટ બાર.એસો.ના અનેક સિનિયર વકિલો સુપ્રિમ કોર્ટના જજ સુધી પહોંચ્યા છે. હાઇકોર્ટમાં સ્થાન શોભાવે છે. લોકોને ન્યાય અપાવતાં વકિલોની બિરાદરી પોતાના બંધુઓને ન્યાય અપાવવામાં પીછેહઠ નહિ કરે એવો વિશ્વાસ ઉભો કરવાનો આ સમય છે. એવા સંનિષ્ઠ પગલાં લેવાનો આ સમય છે. ન્યાયની દેવી આંખ ઉપર પાટા બાંધે છે. પરંતુ તેના હાથનું ત્રાજવું સાબુત છે. ન્યાયની દેવી આંખે પટ્ટી બાંધે છે તેનો સંદેશ એવો છે કે, કાયદાની દ્રષ્ટિએ સૌ સમાન છે. ન્યાયની દેવી માટે સૌ સમાન છે. એ સંદેશ ભૂલાવો ન જોઇએ. ખાસ કરીને પોતાના જ બિરાદરોની વાત હોય ત્યારે કોઇ વહાલા કે કોઇ દવલા ન હોવા જોઇએ. કોઇ મારા કે તારાં ન હોવા જોઇએ. કોઇ સિનિયર કે જુનિયર ન હોવા જોઇએ. સર્વ સમાનતાં એ જ સૌનો સાથ સૌના વિકાસનું મૂળ હોવુ જોઇએ.