વિશ્વની નંબર એક ખેલાડી આર્યના સબાલેન્કાએ રવિવારે બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ખિતાબ જીતી લઇને પોતાની કેરિયરનો 18મો ખિતાબ હાંસલ કર્યો હતો. બેલારુસની ખેલાડીએ ત્રણ સેટના કઠિન મુકાબલામાં રશિયન ક્વોલિફાયર પોલિના કુડરમેતોવાને 4-6, 6-3, 6-2થી પરાસ્ત કરી હતી.
બીજી તરફ પુરુષોની ફાઇનલમાં 21 વર્ષના ચેક ખેલાડી જીરી લેહેકાએ પોતાનો બીજો એટીપી ખિતાબ જીતી લીધો હતો. તેનો હરીફ અને યુએસએનો ખેલાડી રીલી ઓપેલ્કા કાંડાની ઇજાના કારણે 1-4થી પાછળ રહી ગયાં બાદ ખેલમાંથી બહાર થઇ ગયો હતો. અહેવાલો અનુસાર બ્રિસ્બેનમાં સબાલેન્કાનો વિજય આગામી ઓસ્ટ્રેલિયન ઓપન માટેની એક આદર્શ તૈયારી છે કે જ્યાં તે સતત ત્રીજા વર્ષે પોતાના ખિતાબને બચાવવાના લક્ષ્ય સાથે ઊતરશે. 26 વર્ષની ખેલાડીએ સિઝનના પહેલાં ગ્રાન્ડસ્લેમમાં જતાં પહેલાં માનસિક અને શારીરિક સજ્જતા દર્શાવી હતી. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા સબાલેન્કા માટે એક સફળ હંટીંગ ડેસ્ટિનેશન સાબિત થયું છે કેમ કે તેણીએ પોતાની બે ઓસ્ટ્રેલિયન ઓપનની જીત ઉપરાંત એડિલેડમાં પણ ખિતાબ જીત્યા છે. કુડરમેતોવા જેણે મુખ્ય ડ્રો સુધી પહોંચવા માટે ક્વોલિફાઇંગના બે રાઉન્ડમાં ઝઝૂમવું પડયું હતું તેણે ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો હતો. પ્રથમ સેટ જીતી ગઇ હોવા છતાં પણ 21 વર્ષની રશિયન ખેલાડી પોતાના વ્યસ્ત સપ્તાહના થાકના કારણે હારી ગઇ હતી, જેના પર સબાલેન્કાએ નિયંત્રણ હાંસલ કરી લીધું હતું અને વિજય પણ પ્રાપ્ત કરી લીધો હતો. પુરુષોની ફાઇનલમાં ઓપેલ્કા ખસી જતાં તેને પગલે ફાઇનલનો પુરો મુકાબલો થઇ શક્યો ન હતો.