ભારતીય ટેનિસ ખેલાડીઓ માટે બુધવારનો દિવસ ATP ટૂર ટૂર્નામેન્ટમાં મિશ્રા પરિણામવાળો રહેવા પામ્યો હતો. ઑકલેન્ડ ખાતે રમાયેલી એએસબી ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરી અને તેના ફ્રેન્ચ જોડીદાર અલ્બાનો ઓલિવેટ્ટી સીધા સેટોમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.
ભાંબરી અને ઓલિવેટ્ટીએ સેન્ડર એરેન્ડ્સ અને લ્યૂક જોન્સનની જોડીને હરાવી હતી. ભારત-ફ્રાન્સની જોડીએ 6-4, 6-4થી સીધા સેટમાં જીત મેળવી હતી. તેમણે માત્ર 71 મિનિટ સુધી ચાલેલી મેચમાં પોતાની હરીફ જોડીને સ્પર્ધા બહાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ભાંબરી અને ઓલિવેટ્ટી હવે જુલિયન કેશ અને લિયોગ ગ્લાસપુલ તેમજ અરીજ રાય અને કિરણપાલ પન્નૂ વચ્ચેની મેચમાં વિજેતા બનનારી જોડી સામે ટકરાશે.બીજી તરફ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાઈ રહેલી એડિલેડ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભારતના એન. શ્રીરામ બાલાજી અને તેના મેક્સિકન જોડીદાર મિગેલ રેયેલ વારેલા પરાજય બાદ સ્પર્ધા બહાર ફેંકાયા હતા. પહેલા સેટમાં જીત મેળવવા છતાં તેઓ ચોથી ક્રમાંકિત જોડી હેરી હેલિઓવારા અને હનરી પેટ્ટનની જોડી સામે પરાજિત થયા હતા. તેમનો મુકાબલો એક કલાક અને 23 મિનિટ સુધી ચાલ્યો હતો. બાલાજી હવે ડેવિસ કપમાં ટોગો વિરુદ્ધ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.