- ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ પૂછપરછ કરવા દિલ્હી પહોંચી
- અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનથી દોરીસંચાર કરતો હતો
- ત્રણેયે આતંકીઓએ ગુજરાતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી
દિલ્હી પોલીસે NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા સહિત ત્રણ જણાની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી. આતંકવાદીઓ દ્વારા કાવતરાનું સૌથી ચિંતાજનક પાસું તેનું ધ્યાન ગુજરાત પર હતું, જ્યાં ગુજરાતના અનેક શહેરો આ આતંકવાદીઓના પકડમાં હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંના એક શાહનવાઝને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર સહિતના ગુજરાતના મુખ્ય શહેરી કેન્દ્રોમાં IED વિસ્ફોટનું આયોજન કરવાનું કામ સોંપવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.
આતંકવાદી શાહનવાઝે ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર ફ્રતુલ્લાહ ઘોરી સાથે સંપર્ક રહીને ગુજરાત સહિતના રાજયોમાં કેવી રીતે આતંકવાદી પ્રવૃત્તિનો અંજામ આપવો તેનો દોરી સંચાર કરતો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ગુજરાત એટીએસ અને અમદાવાદ એનઆઈએની ટીમ પણ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કરવા દિલ્હી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આતંકી શાહનવાઝ IS મોડયુલ એટલે કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે અને ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આતંકી શાહનવાઝએ રેકી કરી અને ઘણા દિવસો પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં વિતાવ્યા. કેટલાંક અઠવાડિયાં સુધી જંગલોમાં રહીને બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ હાથ ધરી હતી. ISના આતંકીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે તેમના નિશાને ગુજરાતમાં અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં અક્ષરધામ બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ફ્રતુલ્લાહ ઘોરીની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જેના ઈશારે ગુજરાત, મુંબઈ સહિતના રાજયોમાં કેવી રીતે હુમલા કરવા તેનો દોરીસંચાર મેળવતા હતા.
અક્ષરધામના આતંકીઓને તાલીમ આપતો વીડિયો મળ્યો
આતંકી શાહનવાઝની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઘોરી પાકિસ્તાનથી જેહાદના ક્લાસ ચલાવતો હતો. પાકિસ્તાનથી ભારતમાં આતંકી હુમલાનો દોરીસંચાર આપતો હતો. ભારતમાં IS મોડયૂલને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતું હતું. આતંકી ઘોરી અને શાહિદે ભારતમાં આતંકી હુમલાનો પ્લાન ઘડયો હતા. આતંકી ઘોરીએ શાહનવાઝને બ્લાસ્ટ કરવા અંગે તાલીમ આપી હતી. ઘોરીનો આતંકી તાલીમ આપતો વીડિયો પણ સામે આવ્યો હતો.
બસંતી પટેલને બનાવી ખાદીજા મરિયમ
આતંકવાદી શાહનવાઝે માર્ચ 2021માં યુપીના અલીગઢમાં બસંતી પટેલ ઉર્ફે ખાદીજા મરિયમ (બદલાયેલી) સાથે લગ્ન કર્યા હતા. અલીગઢથી પાછા ર્ફ્યા પછી તેણે દિલ્હીમાં કેટલાક IED બનાવવાનું નક્કી કર્યું. આતંકી શાહનવાઝે માઇનિંગમાં એન્જિનિયરિંગ, અરશદ વારસીએ મિકેનિકલમાં અને રિઝવાને કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક બનાવવાની સામગ્રી, પિસ્તોલ, કારતૂસ અને લેખિત દસ્તાવેજો અને બોમ્બ બનાવવા માટેના પુસ્તકો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.
સાબરમતી જેલમાં 50થી વધુ આતંકીઓ સજા કાપી રહ્યા છે
અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં 21 જગ્યાએ થયેલા સિરીયલ બ્લાસ્ટ અને સુરતમાં 15 જગ્યાએ બ્લાસ્ટના ષંડયત્રના મામલે અમદાવાદની સાબરમતી જેલમાં 60 થી વધુ આંતકીઓ છે. જેમને જેલમાંથી ભાગવા માટે જેલમાં અગાઉ સુરંગ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આ કુખ્યાત આતંકવાદીઓ સામે મહારાષ્ટ્ર, એમપી, દિલ્હી સહિતના રાજયોમાં આતંકી પ્રવૃત્તિઓના કેસ ચાલી રહ્યા છે.
ગુજરાત પર ડોળો કેમ ? : આતંકી હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે. વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને ટાર્ગેટ કરાતું હોવાનું સામે આવ્યું છે. દરિયાઇ અને જમીની માર્ગે આતંકીઓને પીઠબળ મળતું હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી સરળ ટાર્ગેટ હોવાથી ગુજરાત પર બાજ નજર રખાય છે. ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવા દરિયાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પ્રવેશવા ગુજરાતનો દરિયો મુખ્ય માર્ગ હોવાનું સામે આવ્યું છે.