તુલસી વિવાહ કરવા સાથે આયુર્વેદ, અદ્યાત્મ, વાસ્તુશાસ્ત્ર અને ધર્મમાં મહિમા ધરાવતા તુલસીને કેમ ભૂલાય?
ઘરના આંગણામાં તુલસી ક્યારો અને તેમાં પ્રગટાવેલો દીવો અંતરના અંધારા ઉલેચી અજવાળાં ફેલાવે છે
આપણાં દરેકના ઘરના આંગણા,ફળિયું, બાલ્કની કે અગાસીમાં તુલસીનો છોડ જરૂર હોય છે.લીલાછમ્મ તુલસી અને તેમાં આવેલા માંજર આંખ અને હૃદયને ઠંડક આપે છે.તુલસીના અગણિત લાભો છે.આયુર્વેદ,આધ્યત્મ, વાસ્તુશાસ્ત્ર દરેકમાં તુલસીના છોડનું મહત્વ ખૂબ છે. આપણાં ધાર્મિક ગ્રંથો માં પણ તુલસીનો ઉલ્લેખ છે.દિવાળીના સમાપન બાદ એકાદશી એટલે કે દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે.હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું ઘણું મહત્વ છે. પરિણીત હોય કે અપરિણીત બંને મહિલાઓ આ દિવસને ખૂબ જ ભક્તિ સાથે ઉજવે છે.તુલસી ક્યારા પાસે દીપક પ્રગટાવી પૂજા અર્ચના,રંગોળી સાથે કૈક પ્રસાદ શેરડી પણ ધરાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા દરમિયાન તુલસીજી અને ભગવાન શાલિગ્રામના વિવાહ પછી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ દિવસ દેવ દિવાળી તરીકે પણ ઉજવાય છે.તુલસી વિવાહના દિવસે તુલસીની પૂજા કરી અને ઘીનો દીવો કરો. તુલસીના પાનને પાણીમાં નાખો. તે પાણી આખા ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.ઘરના આંગણામાં તુલસી ક્યારો અને તેમાં ટમટમતો ઘીનો દીવો અંતરના અંધારા ઉલેચી અજવાળા ફેલાવે છે
આપણાં શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા સકારાત્મક ઉર્જા મળે છે.ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.એક માન્યતા અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે.નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીપકમાં થોડી હળદર નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે.તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલા તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
અનેક રીતે ગુણકારી છે તુલસી
તુલસીના છોડમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ તેમજ એન્ટી-બાયોટિક ગુણ હોય છે જે સંક્રમણ સામે લડવામાં શરીરને સક્ષમ બનાવે છે. જ્યાં તુલસીનો છોડ રોપવામાં આવે છે ત્યાં આસપાસની હવા શુદ્ધ થઇ જાય છે. તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ થાય છે અને વ્યક્તિનું આયુષ્ય વધે છે. સંક્રામક રોગ સામે લડવા માટે તુલસી ખૂબ જ અસરકારક ઉપાય છે.રોજ ખાલી પેટે 8 થી 10 તુલસીના પાન ચાવી જવાથી અનેક રોગો દૂર રહે છે.
વાસ્તુશાસ્ત્રમાં ઉપયોગી છે તુલસી
વાસ્તુની માન્યતા અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં વાસ્તુ સંબંધિત દોષ રહેતો નથી. તુલસીનો છોડ આવનાર આપત્તિ વિશે પણ માહિતી આપે છે. ઘરમાં હરિયાળી તુલસી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું સૂચક છે આ સાથે જ તે પરિવારની આર્થિક પરિસ્થિતિ માટે પણ શુભ માનવામાં આવે છે.વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા પસંદ કરવી જોઇએ. આ દિશાઓમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. તુલસીને ઘરમાં લગાવવાથી કેટલાય ફાયદા થાય છે. માનવામાં આવે છે કે તેનાથી પારિવારિક કંકાસ ઓછો થાય છે. ધન લાભ માટે સવારે ઉઠીને તુલસીના અગિયાર પાંદડાં તોડી લો. આ પાંદડાંને તોડતાં પહેલાં તુલસી માતા પાસે હાથ જોડીને ક્ષમા માંગી લો અને ત્યાર બાદ જ તેને તોડો.