- 2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- વાનખેડેમાં ભારતનો ODI રેકોર્ડ ખરાબ
વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ 2 નવેમ્બર, ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ માટે મોટો ખતરો ઉભો થયો છે. ભારત માટે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમવી ઘણી મુશ્કેલ સાબિત થઈ શકે છે, કારણ કે મુંબઈના મેદાન પર ભારતીય ટીમનો ODI રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.
વાનખેડેમાં ભારતનો ODI રેકોર્ડ ખરાબ
ભારતીય ટીમે તેની મોટાભાગની ODI મેચો ભારતીય મેદાન પર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હારી છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમ જીતનો સિલસિલો પણ તૂટી શકે છે. ભારતીય ટીમે વાનખેડે ખાતે અત્યાર સુધીમાં 20 ODI મેચ રમી છે, જેમાંથી મેન ઇન બ્લુને સૌથી વધુ 9માં હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી, લિસ્ટમાં બીજું મેદાન કોલકાતાનું ઈડન ગાર્ડન આવે છે, જ્યાં ટીમ શ્રીલંકા પછી સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. ભારતીય ટીમ ઈડન ગાર્ડનમાં 22 માંથી 8 ODI મેચ હારી છે.
ત્રીજા નમબર પર અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવે છે, જ્યાં ટીમને 19માંથી 8 ODIમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી દિલ્હીનું અરુણ જેટલી ગ્રાઉન્ડ આવે છે, જેમાં ભારત 22માંથી 7 વનડે હારી ચૂક્યું છે. ત્યાર બાદ તેઓ જમશેદપુરના કીનન સ્ટેડિયમ ખાતે 9માંથી 7 ODI મેચો, ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 15માંથી 6, મોહાલીના PCA IS બિન્દ્રા સ્ટેડિયમ ખાતે 17 માંથી 6 અને નાગપુરના વિદર્ભ CA સ્ટેડિયમ ખાતે 12 માંથી 6 ODI મેચ હારી છે.
ભારતનું વર્લ્ડકપ 2023માં પ્રદર્શન
ભારતે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે અત્યારસુધી 6 માંથી 6 મેચ જીતી છે. હાલમાં વર્લ્ડકપ પોઇન્ટ ટેબલમાં ભારત 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જો શ્રીલંકા સામેની મેચ જીતી જશે તો પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર પહોંચી જશે.