જમીન કલેકટરએ અંદાજીત 27 કરોડની ગૌચરની જમીન ખુલ્લી કરાવી
ગીર સોમનાથ જીલ્લામાં ગૌચરની જમીનો ઉપર મોટાપાયે દબાણો હોય જેને દુર કરાવવા તંત્રએ કમ્મર કસી કામગીરી હાથ ધરી છે. તે અંતર્ગત જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં દેવળી ગામે ગઈકાલે 10 દબાણકારો દ્વારા દબાણ કરેલ રૂ.16 કરોડની કિંમતની 3,18,731 ચો.મી જમીન તેમજ આજરોજ 15 દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 2,23,112 ચો.મી. કિંમત આશરે રૂ.11 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી. આમ બે દિવસમાં કુલ 25 દબાણકારો દ્વારા દબાણ કરેલ આશરે 5,41,843 ચો.મી. જમીન જેની આશરે રૂ.27 કરોડ ની કિંમતની જમીન ગ્રામ પંચાયત દ્વારા 4 જેસીબી અને 2 ટ્રેકટરની મદદથી ખુલ્લી કરાવી છે. આગામી દિવસોમાં હજુ પણ આવી જ રીતે ગૌચરની જમીનો ઉપર થયેલ દબાણો દુર કરવાની કામગીરી ચાલુ રાખવાનો જીલ્લા કલેકટર જાડેજાએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો સામે લાલાઆંખ સમાન દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જે અમુક કહેવાતા રાજકીય અગ્રણીઓને ગમતી ન હોવાથી જનહિત સમાન દબાણ હટાવવાની કામગીરી અટકાવાની સાથે કલેકટરની બદલી કરાવવા ગાંધીનગર સુધી રજુઆતો કરી ધમપછાળા શરૂ કર્યા હોવાની વ્યાપક ચર્ચા લોકોમાં થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર કલેકટરની કામગીરી અટકાવે છે કે પછી બદલી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.