છ માસની લાડલી ગુમાવ્યાની કઠિન ઘડીમાં ચક્ષુદાનના માનવતાવાદી નિર્ણયની ચોતરફ થઈ રહી છે પ્રશંસા
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ ગઢવી પરિવારનો પ્રેરણાદાયી નિર્ણય
જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે સમગ્ર પરિવારમાં આનંદની હેલી ઉઠતી હોય છે. દીકરીને તુલસીનો ક્યારો સમજી ને ક્યારે એ મોટી થાય તેની રાહ જોવામાં આવતી હોય છે. માતા-પિતા બંનેમાં બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવી દીકરીને મોટી થતા જોવાનું સ્વપ્ન દરેક માતા પિતા ની આંખમાં અંજાયેલું હોય છે આવી લાડકવાયીને જો નાનપણમાં જ બીમારી જકડી લે અને કાયમી વિદાય લે ત્યારની દુઃખની ઘડી ફક્ત એ પરિવાર જ સમજી શકે. આવી દુઃખની ઘડીમાં પણ અન્યને મદદરૂપ થવાનો ગઢવી પરિવારનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે
રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ (ગઢવી) ના ઘરે છ મહિના પહેલા પારણું બંધાયું અને લાડલી દીકરીનો જન્મ થયો.ઘરમાં ખુશીની હેલી છવાઈ હતી પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે આ ખુશી અલ્પ સમયની છે. દીકરીનું નામ આયલબા રાખવામાં આવ્યું.આયાલબાને અઠવાડિયા પહેલાં કિડની અને લિવર ની તકલીફ થતાં, તેને અમદાવાદ કિડની હોસ્પિટલ સારવાર માટે દાખલ કરેલ હતી. સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા જરૂરી રિપોર્ટ કરી, નિદાન કરવામાં આવતા, દીકરી આયલબાની બનેં કિડની કામ કરતી ના હોય અને આગળ વધુ સારવાર કારગર નીવડે એમ ન હોવાનું જણાવ્યું. પરિવાર દ્વારા આયલબાને રાજકોટ કોઠારિયા નાકા ખાતે આવેલ દશા શ્રીમાળી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ અને સારવાર ચાલુ રાખવામાં આવેલ હતી પણ સારવાર કારગત ન નીવડી અને દીકરીએ કાયમી વિદાય લીધી.
આ કપરા સમયમાં પણ રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ ગઢવી અને તેઓના બંને મોટા ભાઈઓએ ધીરજ દાખવી દીકરીના ચક્ષુ દાનનો નિર્ણય કર્યો. આ બાબત આયલબાના પિતા એટલે કે રઘુવીર દાન ગઢવીએ જણાવ્યું હતું કે, “દીકરી એ તો આ દુનિયામાંથી વિદાય લઈ લીધી પરંતુ તેની આંખો દ્વારા બે વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી શકાય એમ વિચાર આવ્યો અને લાડકવાયીનું ચક્ષુદાન કર્યું. પરિવારને પણ સમજાવવામાં આવ્યા કે પોતાની દીકરીને જો લીવર કે કિડની પ્રાપ્ત થાત તો તેને નવું જીવન મળત તો પરિવારને કેટલી ખુશી થાત ?તો આ જ રીતે ચક્ષુ દાન કરવાથી અન્યના પરિવારને પણ એટલી જ ખુશી થાય.દીકરી ગઈ પણ બે વ્યકિતના જીવનમાં ઉજાસ પાથરતી ગઈ.”
નેત્રદાન કરવાની ડોકટર પાસે ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ પણ સહમતી સાથે સહયોગ આપ્યો.પરિવાર દ્વારા દીકરીને બંને આંખ ડોનેટ કરવાના નિર્ણય બાદ જી.ટી.શેઠ આંખ ની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી, રાત્રિ દરમિયાન ડોક્ટરની ટીમ દ્વારા આંખ ની જરૂરી કાર્યવાહી કરી, માત્ર છ માસ ની દીકરી આયલબાની બને આંખ ડોનેટ કરવા માં આવેલ હતી. પોલીસ કોન્સ. રઘુવીરદાન ગઢવીની સેવાકીય ભાવના ને પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.