તળાવનો પાળો તુટશે તો હજારો વિધા ખેતીની જમીનનું ધોવાણ થવાની સાથે મુખ્ય માર્ગ ઘસી પડવાની ભિતી સર્જાય હોવા અંગે ભાજપ અગ્રણીએ ફરીયાદ કરી
તંત્રની મીઠી નજર હેઠળ નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે નિયમોનેવે મુકીને બેફામ માટીનું ખોદકામ કરતા જીવ જોખમમાં મુકાયાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા
સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાકટર દ્વારા નિયમો વિરુદ્ધ માટીનું ખોદકામ કરી પરિવહન કરેલ જેના કારણે તળાવનો પાડો ક્ષતિગ્રસ્ત બની ગયો છે. જેના લીધે ગામની સીમમાં આવેલ હજારો વીઘા ખેતીની જમીન ઉપર તથા તાલુકા મથકને જોડતા મુખ્ય રસ્તો જોખમમાં મુકાયો હોય જે અંગે ભાજપના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવતા સિંચાઈના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહેશે.
બરૂલા ગામ ઉપર મંડરાઈ રહેલા જોખમ અંગે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીવાભાઇ વાળા એ જણાવેલ કે, છેલ્લા ચારેક માસ દરમ્યાન બરૂલા ગામની સીમમાં આવેલ તળાવમાંથી નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે આડેધડ ખોદકામ કરીને માટી ઉપાડવાની કામગીરી કરી છે. જેના કારણે તળાવના પાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાથી હાલ ક્ષતિગ્રસ્ત બની ગયો છે. આ તળાવના ક્ષતિગ્રસ્ત પાળાને અડીને આવેલ આલીદ્રા ગામને જોડતો મુખ્ય રસ્તો પણ ધસી જવાની ભિતી વર્તાઈ રહી છે તો આસપાસ આવેલ ખેડુતોની હજારો વીઘા ખેતીની જમીન ઉપર જોખમ મંડરાયુ છે.
કારણ કે, જો તળાવનો પાળો તુટી જશે તો હજારો ખેતીની જમીન ઉપર લહેરાતા પાક ઉપર પાણી ફરી વળશે જેથી ખેડુતોની મહેનત નિષફળ જવાની સાથે બેહાલ બની જશે. ત્યારે આ અંગે ફરીયાદ કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યુ છે. આ તળાવની પરિસ્થિતિ જોતા કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મુકીને ગેરકાયદેસર કામગીરી કરી હોય તેવું જણાય રહ્યુ છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ છે.
જ્યારે ગામ લોકોનો આક્ષેપ છે કે, જીલ્લામાં રાજકીય માથાઓની છત્રછાયામાં તેમના મળતીયાઓ કોન્ટ્રાક્ટ મેળવીને ગામડાઓમાંથી બેફામ માટી ખોદી રહ્યા હોવાથી લોકોના જીવ પર જોખમ ઉભુ થયું છે. નિયમો નેવે મુકીને મંજૂરી કરતા વધારે ખોદાણ કરતા હોવાથી ખેતરો ધોવાઈ જવાની ભિતી સર્જાય છે. કોન્ટ્રાકટર મંજૂરી કરતા વધુ ખોદાણ કરતા હોવા છતાં તંત્ર અટકાવતુ નથી. આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના લીધે અમારા વિસ્તારમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે ? આ સવાલ વચ્ચે ગામના હિતમાં આવા બેફામ બનેલા કોન્ટ્રાકટર સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી લીપાપોતી તે જોવું રહેશે.
સુત્રાપાડાના બરૂલામાં તળાવ જોખમી બન્યાનો મામલો કોંગ્રેસ આવી મેદાનમાં
કોંગી નેતા હીરાભાઈ જોટવાએ નિવેદન આપતા જણાવેલ કે, બરૂલાના તળાવમાંથી NHAI ના કોન્ટ્રાકટરે નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી છે. ત્યારે જીલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ આ મુદે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે તેવી માંગ છે. જો આમ નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટેમાં ખેડુતોને સાથે રાખીને રીટ કરવાની ચીમકી ઉચ્ચારી છે.