વલ્લભાચાર્યજીનું શિક્ષણ પાંચ વર્ષના થયા ત્યારથી શરૂ કરવામાં આવ્યું હતું. શ્રીરામ સંપ્રદાયના શ્રી વિશ્વમંગલાચાર્યજી દ્વારા તેમને `અષ્ટાક્ષર ગોપાલ મંત્ર’ની દીક્ષા આપવામાં આવી હતી જ્યારે ત્રિદંડ સંન્યાસની દીક્ષા સ્વામી નારાયણેન્દ્ર તીર્થમાંથી પ્રાપ્ત થઈ. તેમણે કાશી અને જગદીશ પુરીમાં અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.
આગળ જઈને તેમણે વિષ્ણુસ્વામી સંપ્રદાયની પરંપરામાં એક સ્વતંત્ર ભક્તિ-પથના પ્રતિષ્ઠાતા, શુદ્ધાદ્વૈત દાર્શનિક સિદ્ધાંતના સમર્થક, પ્રચારક અને ભગવત-અનુગ્રહ પ્રધાન તથા ભક્તિ-સેવાથી સંપન્ન `પુષ્ટિ માર્ગ’ના પ્રવર્તક બન્યા. તેમણે એકમાત્ર શબ્દોને જ પ્રમાણ જણાવ્યા અને પ્રસ્થાન ચતુષ્ટયી (વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત)ના આધાર પર સાકાર બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વ અને જગતના સત્યત્વ સિદ્ધ કર્યાં સાથે-સાથે માયાવાદનું પણ ખંડન કર્યું.
શ્રી વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત છે કે જે સત્ય તત્ત્વ છે, તેનો ક્યારેય વિનાશ થઈ શકતો નથી. જગત પણ બ્રહ્મનું અવિકૃત પરિણામ હોવાથી સાક્ષાત્ બ્રહ્મરૂપ જ છે. સત્ય છે તેને કારણે તેનો વિનાશ ક્યારેય થઈ શકે તેમ નથી. થાય છે તો માત્ર તેનો આવિર્ભાવ અને તિરોભાવ. સૃષ્ટિના પહેલાં અને પ્રલયના સમયે જગતમાં અવ્યક્ત થાય છે. આ તેના તિરોભાવની સ્થિતિ હોય છે. જ્યારે સૃષ્ટિની રચના થાય છે ત્યારે જગત ફરીથી વ્યક્ત થઈ જાય છે, એ તેના આવિર્ભાવની સ્થિતિ હોય છે. શ્રી વલ્લભાચાર્યજીનો મત છે કે જ્યારે બ્રહ્મ (બ્રહ્મ ભગવાન કૃષ્ણ) પ્રપંચ (જગતના રૂપમાં) રમણ કરવા ઈચ્છે છે ત્યારે તેઓ અનંતરૂપ નામના રહસ્યમાંથી જગતરૂપ બનીને ક્રીડા કરવા લાગે છે. જોકે, જગતરૂપમાં ભગવાન જ ક્રીડા કરે છે. તેથી જગત ભગવાનનું જ રૂપ છે અને આ જ કારણસર તેઓ સત્ય છે, મિથ્યા નથી.
શુદ્ધાદ્વૈત દર્શનમાં જગત અને સંસારને જુદાં-જુદાં માનવામાં આવે છે. ભગવાન જગતના અભિન્ન-નિમિત્ત-ઉપાદાન કારણ છે. તેઓ જગતરૂપમાં પ્રગટ થયા છે, તેથી જગત ભગવાનનું જ એક રૂપ છે, સત્ય છે. જગત ભગવાનની રચના છે, કૃતિ છે. સંસાર ભગવાનની રચના નથી. વાસ્તવમાં સંસાર ઉત્પન્ન જ નથી થતો, તે કાલ્પનિક છે. અવિદ્યાગ્રસ્ત જીવ `આ હું છું, આ મારું છે’, એવી કલ્પના કરી લે છે. આ પ્રમાણે જીવ સ્વયં અહં અને મમતા વર્તુળ બનાવીને અહંતા-મમતાત્મક સંસારની કલ્પના કરી લે છે. તે પોતાના અહંતા- મમતાત્મક સંસારમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ તેમાં જ ફસાયેલા રહીને બંધનમાં પડી જાય છે. જીવ દ્વારા અજ્ઞાનવશ રચવામાં આવેલો આ સંસાર કાલ્પનિક, અસત્ય અને નાશવાન હોય છે.
પોતાના આ સિદ્ધાંતોની સ્થાપના માટે તેમણે ત્રણ વખત સંપૂર્ણ ભારત ભ્રમણ કર્યું તથા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. આ યાત્રાઓ આશરે ઓગણીસ વર્ષે પૂર્ણ થઈ. પહેલી સંવત 1553, બીજી સંવત 1558 તથા ત્રીજી સંવત 1566માં પૂર્ણ થઈ. પ્રવાસ દરમિયાન તેઓ પોતાના માટે ભીડથી દૂર એકાંતમાં કોઈ જળાશયના કિનારે એવું ઠેકાણું પસંદ કરતા હતા. આ સ્થળોને આજે બેઠકના નામથી ઓળખવામાં આવે છે. પોતાની યાત્રાઓ દરમિયાન મથુરા, ગોવર્ધન વગેરે સ્થળોએ તેમણે શ્રીનાથજીની પૂજા વગેરેની વ્યવસ્થા કરી તથા શ્રીકૃષ્ણ પ્રત્યે નિષ્કામ ભક્તિ માટે લોકોને પ્રેરિત કર્યા. પોતાની બીજી યાત્રા દરમિયાન તેમના વિવાહ પૂર્ણ થયા પછી તેઓ પ્રયાગની નજીક યમુના નદીના તટે સ્થિત અડૈલ ગામમાં આવીને વસી ગયા. તેમને બે પુત્ર થયા. મોટા પુત્ર ગોપાનાથજીનો જન્મ સંવત 1568ના આસો વદ બારસના રોજ અડૈલમાં અને નાના પુત્ર વિઠ્ઠલનાથજીનો જન્મ સંવત 1572ના પોષ વદ નોમના રોજ ચરણાટમાં થયો. બંને પુત્ર પોતાના પિતા સમાન વિદ્વાન અને ધર્મનિષ્ઠ હતા.
પછી તેઓ વૃંદાવન ચાલ્યા ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં નિમગ્ન રહ્યા. ત્યાં જ તેમને બાલ ગોપાલના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન થયાં. સંવત 1556માં મહાપ્રભુની પ્રેરણાથી ગિરિરાજમાં શ્રીનાથજીના વિશાળ મંદિરનું નિર્માણ થયું. આ મંદિરને પૂરું થવામાં વીસ વર્ષ લાગ્યાં. કુંભનદાસજી આ મંદિરના મુખ્ય પૂજારી અને કૃષ્ણદાસજી અધિકારી હતા.
મહાપ્રભુ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ પુષ્ટિમાર્ગમાં અનેક ભક્ત કવિઓ થઈ ગયા. તેમાં મુખ્ય છે મહાકવિ સૂરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ. ગોસાઈ વિઠ્ઠલદાસે પુષ્ટિમાર્ગના આ આઠ કવિઓને અષ્ટ છાપના રૂપમાં સન્માનિત કર્યા છે. છત્તીસગઢના મહાકવિ ગોપાલ પર પણ પુષ્ટિમાર્ગનો ઊંડો પ્રભાવ હતો. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ `ભક્તિ ચિંતામણિ’ શ્રીમદ ભાગવતના દશમા સ્કંધ પર આધારિત છે.
શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠક, 84 શિષ્યો અને 84 ગ્રંથ પ્રસિદ્ધ છે. તેમના ગ્રંથોમાં ટીકા, ભાષ્ય, નિબંધ, શિક્ષણ અને સાહિત્ય વગેરે બધું જ છે. તેમાં ગાયત્રી ભાષ્ય, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા, તત્વાર્થદીપ નિબંધ, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, ભગવાતાર્થ નિર્ણય, સુબોધિની અને પોડશ ગ્રંથ મુખ્ય છે. ઉપર જણાવેલા ગ્રંથો સિવાય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યએ અન્ય અનેક ગ્રંથો અને સ્તોત્રોની રચના પણ કરી છે. જેમાં પંચશ્લોકી, શિક્ષાશ્લોક, ત્રિવિધનામાવલી, ભગવત્પીઠિકા વગેરે ગ્રંથ તથા મધુરાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટક વગેરે સ્તોત્ર પ્રસિદ્ધ છે.
કાશીના હનુમાન ઘાટ પર અષાઢ સુદ ત્રીજ અને સંવત 1587ના દિવસે શ્રીવલ્લભાચાર્યજીએ બંને પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી તથા મુખ્ય ભક્ત દામોદરદાસ હરસાની તથા અન્ય વૈષ્ણવજનોની ઉપસ્થિતિમાં છેલ્લી શિક્ષા આપી. તેઓ 40 દિવસ સુધી નિરાહાર રહ્યા. મૌન ધારણ કરી લીધું અને પરમ આનંદની સ્થિતિમાં અષાઢ સુદ ત્રીજના સંવત 1587ના દિવસે જળસમાધિ લઈ લીધી.