વર્ષના મહિનાઓ બાર હોય છે અને રાશિઓ પણ બાર હોય છે. જે રીતે દરેક રાશિની વ્યક્તિનું વ્યક્તિત્વ તેની રાશિથી અનેરું હોય છે. તે જ રીતે બાર માસમાં વ્યક્તિ જે તે માસમાં જન્મી હોય તે મુજબ તેનું વ્યક્તિત્વ કે કાર્ય હોય છે. હિન્દુ બાર માસ અને તેનો ફળાદેશ આ પ્રમાણે છે.
ચૈત્ર માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ દર્શનીય, અહંકારી, શુભ કર્મી, લાલ-લાલ આંખોવાળી, ક્રોધ કરનારી અને હંમેશાં સ્ત્રીઓમાં આસક્ત હોય છે.
વૈશાખ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ ભોગી, ધનવાન, સુંદર ચિત્તવાળી, ક્રોધયુક્ત, સુંદર આંખોવાળી, મનોહર રૂપવાળી અને સ્ત્રીને પ્રેમ કરનાર હોય છે.
જ્યેષ્ઠ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ સુંદર ચિત્તવાળી, ધનથી યુક્ત, દીર્ઘાયુ, સુંદર પ્રતિભાવંત હોય છે.
અષાઢ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ પુત્ર-પૌત્રોથી યુક્ત, ધર્માત્મા, ધનના નાશથી પીડાતી, સુંદર વર્ણવાળી અને અતુલ્ય સુખ ભોગવનારી હોય છે.
શ્રાવણ માસ
આ માસમાં જન્મ થયો હોય તેવી વ્યક્તિ સુખ-દુ:ખ અને લાભ-હાનિમાં સમાન ચિત્ત રાખનારી, સ્થૂળ શરીરવાળી અને સુંદર રૂપવાળી હોય છે.
ભાદ્રપદ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ દુર્બળ શરીરવાળી, સ્ત્રી સુખ પ્રાપ્ત કરનાર, સુખ-દુ:ખમાં સમાન વૃત્તિ રાખનારી, સ્વજનોમાં શ્રેષ્ઠ કહેવાય છે.
આસો માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ વિદ્વાન, ધનવાન, સેવકના ગુણ ધરાવનારી, જ્ઞાની, પુત્ર સંપદાવાળી, ધન અને ધાન્યથી પરિપૂર્ણ, ઐશ્વર્ય ભોગવનારી હોય છે.
કારતક માસ
આ માસમાં જેનો જન્મ થયો હોય તેવી વ્યક્તિ સુકર્મી, ધનવાન, કામી, ક્રશ-વિક્રય કાર્યમાં પ્રવીણ, ઘણો પ્રેમ કરનારી અને શ્રેષ્ઠ કર્મકર્તા હોય છે.
માગશર માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ સુશીલ, પવિત્ર, તીર્થયાત્રા કરનારી, સંપૂર્ણ કલામાં દક્ષ, હાસ્યવૃત્તિથી સભર, વિલાસયુક્ત, પરોપકારી, સાધુ-સંતોના બતાવેલા માર્ગ પર ચાલનારી અને ઉદાર હૃદયવાળી હોય છે.
પોષ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ પરાર્થ ભાવનાયુક્ત, ધનનો વ્યય કરનારી, શાસ્ત્રોક્ત ધન થકી કાર્ય સિદ્ધ કરનારી શાસ્ત્રી હોય છે. તેનું શરીર ખૂબ જ દૂબળું અને પાતળું હોય છે.
મહા માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ યોગાભ્યાસી, તાંત્રિક, પોતાની બુદ્ધિ થકી શત્રુઓનો નાશ કરનારી અને નિષ્પાપી હોય છે.
ફાગણ માસ
આ માસમાં જન્મેલ વ્યક્તિ ગોરા વર્ણની, બીજા ઉપર ઉપકાર કરનારી, ધન અને વિદ્યાના સુખથી ભરપૂર તથા વિદેશયાત્રા કરનારી હોય છે.