- બ્રેસ્ટ ફીડિંગ : સંપૂર્ણ માતૃત્વનો અહેસાસ
- બ્રેસ્ટ ફીડિંગ વીક સ્પેશિયલ
કહેવાય છે કે માના દૂધની ગરજ કોઈ સારી શકતું નથી, તમે અઢળક રૂપિયા ખર્ચીને સારામાં સારું દૂધ કે બીજાં કોઈ પણ સપ્લિમેન્ટ્સ બાળક માટે લાવો તો પણ તે માતાના દૂધની તોલે ન જ આવી શકે. ગર્ભાવસ્થા બાદ માતાના શરીરમાં થતી આ કુદરતી પ્રક્રિયા છે જે બાળક માટે અમૃતસમાન છે. માતાના દૂધમાંથી તેને માત્ર પોષણ જ નહીં પણ બાળકને પોતાની માતાની હૂંફ, પ્રેમ, તેનો સ્પર્શ, લાગણી અને તેની સુગંધ માણવાનો જે મોકો મળે છે તે ઉપરના દૂધમાં શક્ય નથી. ઘણી ઘટનાઓ જોયા બાદ એવું લાગે કે સ્ત્રી કરતાં પુરુષ અવતાર સારો પણ ખરું પૂછો તો સ્ત્રી અવતાર નસીબદારને જ પ્રાપ્ત થાય. પોતાના બાળકનું બીજ ગર્ભમાં રોપાય ત્યારથી જ સ્ત્રી પોતાના ગર્ભમાં ઉછરતા એ અંશનો અનુભવ કરી શકે છે. તેના માટેની લાગણી પણ એ જ દિવસથી તેની અંદર ઉછરવા લાગે છે. નાનું બાળક જ્યારે આ ધરતી પર જન્મ લે અને પહેલી વાર પોતાની માતાની છાતીએ વળગીને સ્તનપાન કરે તેની અનુભૂતિ, તેની લાગણી અને તેનો ઉત્સાહ અલગ જ હોય છે. સી સેક્શન ડિલિવરી થઈ હોય અને કલાક દોઢ કલાક બાદ થોડો થોડો હોશ આવ્યો હોય તો પણ માતાની ખુશી એટલી જ હોય છે. એ લાગણી અવર્ણનીય છે, નાના બે કોમળ હોઠનો સ્પર્શ, ફૂલ જેવા હાથનો સ્પર્શ તમને લાગણીથી તરબતર કરી દે છે.
આમ તો એક સમયે સ્તનપાન કે બ્રેસ્ટ ફીડિંગ જેવા શબ્દો પણ છાના ખૂણે બોલાતા હતા. હા, ખેતરમાં સાવ નાના બાળકને સાથે લઇને જતી મહિલાઓ માટે એવી શરમ પાલવે તેમ નહોતી પણ કહેવાતા સભ્ય સમાજમાં જાહેરમાં બ્રેસ્ટ ફીડિંગ કે સ્તનપાન જેવા શબ્દો બોલતાં લોકો ખચકાતા. હવે એ સમય ભૂતકાળ થઇ ગયો. આજે નાનું બાળક રડતું હોય તો ખુદ પતિ જ તેની પત્નીને હકથી બધાં વચ્ચે એમ કહે છે કે બચ્ચાને ભૂખ લાગી લાગે છે, તેને ફીડ કરાવી દે. હવે એ બાબતે કોઇ છોછ નથી રહ્યો. વિદેશમાં તો સ્ત્રીઓ રોડ ઉપર ખુલ્લેઆમ બાળક બાળકને ફીડ કરાવી શકે છે અને એને જોઇને આપણાં દેશની જેમ કોઇની બે આંખો ચાર પણ નથી થતી. આપણાં દેશમાં ગરીબ મહિલાઓ કે જેમને રહેવા ઘર નથી તે એ રીતે ફીડ કરાવે છે પણ ભણેલી ગણેલી મૉડર્ન સ્ત્રીને કદાચ પોતાના બાળકને જાહેરમાં કોઈ મૉલમાં કે બીજાં જાહેર સ્થળે ફીડ કરાવવું પડે તો ઘણાં લોકો તેની સામે જ જોતા હોય તેવું જોવા મળશે. ખેર, સમય જતાં આપણાં દેશમાં પણ બદલાવ આવશે એવી આશા રાખીએ.
જોકે આજકાલના સભ્ય સમાજમાં એક નવો ટ્રેન્ડ પણ ચાલ્યો છે, હવે સ્ત્રીઓને પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું ખાસ ગમતું નથી. સ્તનના શેપની ચિંતા, ફીડિંગમાં અણઆવડત અને ઘણાં કેસમાં એનું ઇરિટેશન પણ ખરું જ. ઘણી સ્ત્રીઓની અંદર એટલી ધીરજ પણ નથી હોતી. ઘણી સ્ત્રીઓને તે ગમતું નથી હોતું તો કોઈ જોબ ઉપર જલદી જવાની ઇચ્છાના કારણે બાળકને ફીડિંગ નથી કરાવતાં. આ વાત સાંભળવામાં કડવી લાગશે પણ કડવી હકીકત છે. અલબત્ત, ઘણાં કેસમાં માતાને પૂરતું ધાવણ ન આવતું હોવાથી નાછૂટકે ડૉક્ટર માતાને બહારનું દૂધ આપવાનું કહે છે.
આ સપ્તાહને બ્રેસ્ટ ફીડિંગ સપ્તાહ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, ત્યારે બ્રેસ્ટ ફીડિંગથી થતા ફાયદા વિશે થોડી વાત કરવાનું મન થાય.
સ્તનપાનના ફાયદા
બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે સ્તનપાન ખૂબ જરૂરી છે. સ્તનપાનને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. માતાના ધાવણમાંથી બાળકને કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ અને આયર્ન આ બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એ સિવાય માતાનું દૂધ જંતુરહિત હોય છે, મતલબ કે તેમાં બાળકના સ્વાસ્થ્યને નુકસાન કરતાં બેક્ટેરિયા નથી હોતા, જેથી બાળક સાવ કુમળી વયે અનેક રોગથી બચી શકે છે. માતાનું દૂધ લેતું બાળક જલદી બીમાર નથી થતું, તેને ઇન્ફેક્શન ઓછાં પ્રમાણમાં લાગે છે. એ સિવાય પેટને લગતી સમસ્યા જેમ કે, ડાયેરિયાનો ભય પણ ઓછો રહે છે, સિવાય કે માતા યોગ્ય રીતે ખોરાક ન લેતી હોય તો બાળકને ગેસ કે અપચો થવાની સંભાવના રહેતી હોય છે. અનેક સરવૅના રિપોર્ટ્સ એવું કહે છે કે માતાનું ધાવણ જે બાળકે પૂરતાં પ્રમાણમાં લીધું હોય અને પૂરતાં સમય સુધી લીધું હોય તે બાળકનો બુદ્ધિ આંક બીજાં બાળકોના પ્રમાણમાં વધારે સારો હોય છે. ભવિષ્યના અમુક રોગની વાત કરીએ તો પૂરતાં સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરનાર બાળક દમ, હૃદયરોગ, ખરજવું, ડાયાબિટીસ જેવી સમસ્યાથી પણ એકંદરે વધારે સુરક્ષિત હોય છે.
સૌથી મોટો પ્રશ્ન બ્રેસ્ટ ફીડિંગ કેટલો સમય કરાવવું?
સરકાર દ્વારા બનાવવામાં આવેલા Breast Feeding Promotion Network Of Indiaના મત મુજબ બાળકના જન્મના પ્રથમ કલાક બાદ તરત જ જો માતા કોન્શિયસ હોય તો બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઇએ. ઘણી વાર સિઝેરિયન સમયે માતાને જલદી હોશ નથી આવતો, એવા સમયે થોડી રાહ જોવાતી હોય છે, બાળક આ સમયગાળામાં રડે છે તો પણ ડૉક્ટર પહેલી વાર તો માત્ર માતાનું દૂધ પીવરાવવાનો જ આગ્રહ રાખતા હોય છે. ડૉક્ટરનો આ આગ્રહ ખોટો પણ નથી. જન્મ બાદ પહેલી વાર માતાનું ધાવણ જ આપવું જોઇએ. આપણી માન્યતાઓ અલગ છે બાકી ડૉક્ટર તો ગળથૂથી આપવાની પણ ના કહે છે. ગળથૂથી તો ઠીક પ્રથમ છ માસ સુધી બાળકને પાણી પણ ન આપવું, પાણીને બદલે માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઇએ.
આમ તો ડૉક્ટર એકથી દોઢ વર્ષ સુધી બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું કહે છે. પહેલાં એવું કહેવાતું કે એટલો લાંબો સમય બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી બાળક માનસિક રીતે ઢીલું બને છે, તે જલદી માતાને છોડી નથી શકતું પણ મેડિકલ સાયન્સે આ માન્યતાને ખોટી ઠેરવી છે. એ જ રીતે જો માતાને દૂધ ઓછું આવતું હોય કે બીજી કોઇ સમસ્યાને કારણે સ્તનપાન કરાવવા તે સક્ષમ ન હોય તો પણ ડૉક્ટર તેને સતત પ્રયત્ન કરતાં રહેવાનું કહે છે. નોકરિયાત માતાને ઓછામાં ઓછું છ મહિના સુધી સ્તનપાન કરાવવાનો આગ્રહ દરેક ડૉક્ટર રાખતા હોય છે. છ મહિના સુધી દરેક બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું, બાળક છ મહિનાનું થાય એ પછી તેને સ્તનપાનની સાથે બીજો ખોરાક આપી શકાય.
સ્તનપાનથી માતાને થતા ફાયદા
પહેલી વાત કે બાળકને લાંબો સમય સુધી સ્તનપાન કરાવવાથી માતાના સ્તનનો શેપ ભલે થોડો અલગ થઇ જાય, તે ઢીલાં પડી જાય પણ સમય જતાં કસરતની મદદથી તમે તેને યોગ્ય શેપમાં ઢાળી જ શકશો પણ બાળકને ફરી સ્તનપાન કરાવવાનો લહાવો સમય સરી જતાં નહીં મળે. સ્તનપાન કરાવતી માતાને આગળ જતાં બ્રેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો થઇ જાય છે. તેને ગર્ભાવસ્થા બાદ જે રક્તસ્ત્રાવ થતો હોય તે સ્તનપાન કરાવતી સ્ત્રીને પ્રમાણમાં ઓછો થાય છે. પરિણામે એનિમિયા જેવી સમસ્યાથી બચી શકાય છે, મેદસ્વીપણાથી બચી શકાય છે. યાદ રાખો, લાંબો સમય સ્તનપાન કરાવતી મહિલાના ગર્ભાશયનું સંકોચન પણ જલદી થાય છે જેથી પેટનો ભાગ પણ ઘટી જતો હોય છે. સૌથી મોટી વાત કે ફીડિંગથી માતા અને બાળક વચ્ચેનો સ્નેહતંતુ મજબૂત બને છે જે આગળ જતાં બાળકના વિકાસમાં ખૂબ ઉપયોગી થાય છે.
અને છેલ્લે
ઘણી જગ્યાએ સ્ત્રીઓ પૈસા માટે અમુક પ્રકારની દવા લઈને નવજાત શિશુને સ્તનપાન કરાવતી હોય છે. આ એવી સ્ત્રીઓ છે જે ગર્ભવતી નથી થઇ પરંતુ અમુક પ્રકારની દવા લઇને આ સારું કાર્ય કરે છે. જે બાળકો અનાથ હોય કે જે બાળકોને માતાનું દૂધ કોઈ કારણસર ન મળતું હોય તેના માટે ખાસ આ શોધ થઈ છે. જો સ્ત્રીઓ પૈસા માટે આ કાર્ય કરતી હોય તો સગી માતાને દૂધ આવતું હોય તો તેણે બીજા કોઈ વિચારો મનમાં લાવ્યા વગર કમ સે કમ છ કે તેથી વધારે મહિના સુધી પોતાના બાળકને સ્તનપાન કરાવવું જ જોઈએ.