- યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું પ્રમાણ
- સ્ટ્રેસ હોઈ શકે છે મુખ્ય કારણ
- કોરોના સાથે નથી કોઈ લેવાદેવા
હાલ નાની ઉંમરના યુવાનોમાં અને કિશોરોમાં પણ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. કોઈ નિશાની નહીં, કોઈ પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી નહીં પરંતુ સીધો જ મોતનો પૈગામ લઈને આવતો આ સાયલન્ટ કિલર એટેક શેના લીધે આવે છે, તેનું કારણ જાણવાની પડતાલ સંદેશ ન્યુઝ દ્વારા કરવામાં આવી હતી.
જાણીતા મેડિકલ એક્સપર્ટ ડો કિરીટ કુબાવત સાથે આ મુદ્દે સંદેશ ન્યુઝ દ્વારા વિસ્તૃત છણાવટથી ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શું કોરોનાના લીધે હાલ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે કે કેમ આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરે જણાવ્યું કે સીધો જ કોરોના વાયરસને હાર્ટ એટેક સાથે કોઈ સંબંધ દેખાતો નથી. પરંતુ નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા પાછળ તેમણે યુવાનોમાં વધતા સ્ટ્રેસના પ્રમાણને કારણભૂત ગણાવ્યું હતું. આ સિવાય તેમણે લાઈફસ્ટાઈલ અને જંકફૂડના વધતા જતા પ્રમાણને પણ આ મામલે ચિંતાજનક ગણાવ્યું હતું.
ડોક્ટર કિરીટ કુબાવતે સંદેશ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નાની ઉંમરે આવતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક છે. જેનો સીધો કોરોના વાયરસ સાથે સંબંધ શક્ય નથી, પરંતુ કોરોનાના લીધે ઘણા લોકોના જીવન પર તેનો પ્રભાવ પડ્યો છે, તેમની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. લોકોએ નોકરીઓ ગુમાવી, પરિવારમાં અસંતુલન, આર્થિક સ્થિતિ જેવા અનેક કારણોના લીધે માણસોમાં સ્ટ્રેસ વધ્યું હોઈ શકે છે. જે નાની ઉંમરે હાર્ટ એટેક માટે કારણ માની શકાય તેમ છે.
આ સિવાય ડોક્ટરે લાઈફસ્ટાઈલ અને જંકફૂડની વધતી જતી હેબિટને લઈને પણ ચેતવ્યા હતા. તેમણે આ બંને બાબતોને પણ હાર્ટ એટેક માટે સંભવિત કારણ ગણાવી હતી.
સ્પોર્ટ્સ હેબિટ ધરાવતા અને ફિઝીકલી ખૂબ જ એક્ટિવ તેમજ જિમ કરતા યુવાનોમાં એટેકના વધતા કિસ્સાઓના મામલે તેમણે કહ્યું કે કસરતના વધુ પડતા પ્રમાણથી માયો કાર્ડિયલ ફાઈબ્રોસીસનું પ્રમાણ વધી શકે છે. જે એટેકનું કારણ હોઈ શકે છે. એટલે જ્યારે પણ જિમ કે વધુ હેવી કસરત કરવી હોય તો તે ફિટનેસ એક્સપર્ટ અને ડોક્ટરની સલાહ અને નિગરાનીમાં જ કરવી હિતાવહ છે.
આ સિવાય હાર્ટ એટેકથી બચવાના ઉપાયોમાં તેમણે લાઈફ સ્ટાઈલ ચેન્જ કરી, હળવી કસરત, સ્ટ્રેસ ફ્રી જીવનને પોતાની લાઈફસ્ટાઈલ બનાવવાની સલાહ આપી હતી. જેથી હાર્ટ એટેકના જોખમને નિવારી શકાય અને તેનાથી બચી શકાય.