સાધુ શું છે? સાધુનાં ચાર-પાંચ સૂત્ર. સાધુ કૃષક છે, ખેડૂત છે. ખેડૂત બીજ વાવે છે. બીજ જ્યારે અંકુરિત થાય છે ત્યારે ખેડૂત એની સુરક્ષા કરે છે. બીજમાંથી જ્યારે છોડ થાય છે ત્યારે એની આજુબાજુમાં જે ઘાસ ઊગે છે ને મૂળ બીજના વિકાસમાં બાધા ઊભી કરે છે એને સમજદાર ખેડૂત કાઢી નાખે છે, એને નીંદામણ કહે છે, જેથી મૂળ વસ્તુ સુરક્ષિત રહે. `માનસ’માં સંકેત છે,
કૃષી નિરાવહિં ચતુર કિસાના,જિમિ બુધ તજહિં મોહ મદ માના.
સાધુ એ આપણા ક્ષેત્રના કૃષક છે અને સાધુનું ક્ષેત્ર નાનું નથી હોતું; આખી વસુધા હોય છે. સાધુ ત્રિભુવનીયકૃષક હોય છે. સાધુ સેવક હોય છે. અમે વૈષ્ણવ માર્ગી સાધુ. મેં ઘણીવાર કહ્યું છે, હું ફરી દોહરાવી રહ્યો છું. અમારા સાધુઓના નામની પાછળ `રામ’ પણ લાગે છે અને `દાસ’ પણ લાગે છે. સંતદાસ પણ લાગે છે અને સંતરામ પણ લાગે છે, પરંતુ અમારે ત્યાં સાધુઓમાં એક નામ એવું પણ આવે છે, સેવકરામ; સેવક પણ છે અને રામ પણ છે.
સાધુ સેવક હોય છે. હું બહુ અનુભવ સાથે કહીશ કે સાધુની આંખો આપણી સેવા કરે છે. સાધુની આંખમાંથી ટપકેલાં આંસુ જે મરવા તરફ છે, હારવા તરફ છે, ડિપ્રેશન તરફ છે એને જીવતાં કરવામાં અમૃતબિંદુનું કામ કરે છે. સાધુ આંખોથી સેવા કરે છે. સાધુ સૌની સારી-ખરાબ, સુખ-દુ:ખની વાતો સાંભળીને કાનથી આપણી સેવા કરે છે. સાધુ હારી ગયેલાના ખભા પર હાથ મૂકીને, એના માથા પર હાથ મૂકીને પોતાના હાથ વડે સેવા કરે છે. સાધુ દીન-હીનની કુટિયા પર વગર બોલાવ્યે જઈને ચરણો દ્વારા સેવા કરે છે. મનથી, બુદ્ધિથી, ચિત્તથી સેવા કરે છે. અહંકાર તો સાધુને હોતો જ નથી. હું આ અર્થમાં કહું છું કે સાધુ સેવક પણ છે; સાધુ સેવા કરે છે. અમારી સાધુ-પરંપરામાં મહંત પણ હોય છે, કોટવાલ પણ હોય છે. મહંત એટલે જે ગાદી પર બેઠા છે; એના પર છત્ર ઘૂમી રહ્યું છે; એનો જયજયકાર થઈ રહ્યો છે. કોટવાલ બિચારો બધાંને તિલક કરે છે. ટહેલિયા પણ હોય છે અને મહંત પણ હોય છે. એટલા માટે હું કહીશ, સાધુ કૃષક પણ છે, સાધુ સેવક પણ છે.
સાધુ ચિકિત્સક હોય છે. સાધુ વૈદ છે; શરીરના વૈદ નહીં. અલબત્ત, જેમનામાં પરમ તત્ત્વ પૂરેપૂરું ઊતર્યું હોય એમના હાથનો સ્પર્શ શરીરની પીડા પણ દૂર કરી દે છે.
કર પરસા સુગ્રીવ ધરનિ સરીરા,
તનુ ભા કુલિસ ગઈ સબ પીરા.
મેં સાંભળ્યું છે, પરમ પૂજનીયા મા તાઈ-વિમલા તાઈ, એમને કાનની પીડા હતી. કૃષ્ણમૂર્તિ પ્રત્યે પણ એમને ઘણી શ્રદ્ધા હતી. કદાચ એમણે સ્વયં કહ્યું છે કે મારી કાનની પીડા એટલી બધી હતી કે એકવાર સ્વયં કૃષ્ણમૂર્તિએ હાથથી મારા કાનને સ્પર્શ કર્યો ને મારી પીડા ચાલી ગઈ! યાદ રાખજો, સાધુ ચિકિત્સક છે. મનની પીડા કે મનના રોગોના તો એ જ વૈદ છે. `સદ્ગુરુ બૈદ બચન બિસ્વાસા’
તો સાધુ છે કૃષક. સાધુ છે સેવક. સાધુ છે ચિકિત્સક. સાધુ છે રક્ષક. ભરતે જ્યારે પૂછ્યું કે પ્રભુ, હું અયોધ્યા જઉં? હું રાજકાર્ય કેવી રીતે કરી શકીશ? રાજની મર્યાદા કેવી રીતે જાળવી શકીશ? આ પૃથ્વી, આ સામ્રાજ્ય એ બધાનું પાલન હું કેવી રીતે શકીશ? એ બધાંની રક્ષા હું કેવી રીતે કરી શકીશ? પ્રભુ કહે છે, ભરત, જેમની પાસે આપણે બેઠા છીએ, જે આપણી પાસે બેઠા છે એ આપણા બુદ્ધપુરુષ-ગુરુ જ આપણી રક્ષા કરશે; એમનો પ્રભાવ રક્ષા કરશે; એ પાલન કરશે. જોઈએ ભરોસો. આપણા ગુરુ અને એમની કૃપા જ તમારી અને અમારી, ઘરમાં અને વનમાં જ્યાં પણ આપણે રહીશું ત્યાં આપણી રક્ષા કરશે. સાધુ છે રક્ષક; ગુરુ છે રક્ષક. એ રક્ષા કરે છે. `ઘર બન ગુરુ પ્રસાદ રખવારા.’ સાધુ એ આપણા રક્ષક છે. આપણે શું ખાક એમની પરિક્રમા કરીએ છીએ! ખરેખર તો એ જ આપણી પરિક્રમા કરે છે. એ આપણી સુરક્ષા છે.
આગળ કહું, સાધુ છે શોધક. સાધુ વૈજ્ઞાનિક હોય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનાં મૂળ રહસ્યોને જાણનારા, જ્યાં બંનેનો સમન્વય થાય છે એના એ શોધક છે. મેં મારા તુલસીની પંક્તિઓમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય થતો અનુભવ્યો છે. સાધુ હોય છે વૈજ્ઞાનિક, શોધક; એ શોધક હોય છે; આપણા માટે નવાં-નવાં ભીતરી રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. તો રામજીએ ભરતને કહ્યું, ગુરુ બેઠા છે.
મને `મહાભારત’ની વાત યાદ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાને લઈને પાંડવોના વનવાસ દરમિયાન પાંડવોને મળવા જાય છે. કૃષ્ણ પાંડવોને મળવા માટે વનમાં જાય છે તો એ જાય; સત્યભામાને કેમ લઈ ગયા? એ રાજરાણી છે; થોડી માનુની પણ છે; વાત વાતમાં રિસાય છે. પ્યાર પણ એટલો છે અને ક્રોધ પણ એટલો છે. ક્યારે કોપભવન સજાવી દે, કંઈ કહેવાય નહીં! સત્યભામાના વિચારોમાં કોઈ ઠેકાણું નથી! એમને સાથે લઈ ગયા. શા માટે? વ્યાસજીએ તો ઉલ્લેખ નથી કર્યો. એટલા માટે સત્યભામાને સાથે લઈ ગયા, કેમ કે પાંડવોની સાથે દ્રૌપદી પણ છે. કૃષ્ણ એમ પણ કહી શકતા હતા કે સત્યભામા, આપ વનમાં નહીં આવી શકો; આપ બેસો, પરંતુ નહીં; રાજરાણીને લઈને ગયા; એક ધીરજ આપવા માટે, એક દિલાસો આપવા માટે જાય છે; પીતાંબર ધારણ કર્યું છે. યશોદાનંદન, ત્રિભુવનવિમોહિત કરનારું એ ચીર મંદ મંદ સ્મિત. પાંડવોએ સ્વાગત કર્યું.
બધાં વનમાં બેઠાં છે. એ સમયે માર્કંડેય ઋષિ આવે છે. જ્યારે કોઈ પણ મહાપુરુષ આવે છે ત્યારે `મહાભારત’ના યુધિષ્ઠિર જિજ્ઞાસા કરીને એમને ઘણું પૂછે છે. એ બહાને સંવાદ થાય, સત્સંગ થાય; થોડા નિરુત્તર પ્રશ્રોના ઉત્તર મળી જાય. એ માર્કંડેય ઋષિને યુગધર્મ વિશે પૂછે છે કે યુગધર્મ વિશે કંઈક બતાવો. થોડી મુસ્કુરાહટ સાથે માર્કંડેય ઋષિ યુધિષ્ઠિરને કહે છે, હા, હું આપની સાથે વાર્તાલાપ કરું એ પૂર્વે આવો, આ પરમ યુગપુરુષ, આ પરમ તત્ત્વને હું પ્રણામ કરી લઉં; આપણે બધા પ્રણામ કરી લઈએ. યુધિષ્ઠિર આદિ સૌએ એ યુગપુરુષને મનોમન પ્રણામ કર્યા. ભગવાન કૃષ્ણએ પણ શિર ઝુકાવ્યું. માર્કંડેયના ચહેરા પર વધારે મુસ્કુરાહટ આવી ગઈ. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવન્, કંઈક રહસ્ય છે આપની મુસ્કુરાહટમાં? કહ્યું હા, જે યુગપુરુષની હું વંદના કરું છું એ પીતાંબરવાળા આ જ તો છે; જે કર્તા છે, ભર્તા છે, સંહર્તા છે; જે નિકટ બેઠા છે એટલે એમની ઓળખ નથી થતી યુધિષ્ઠિર! જે પોતાનું રાજપાટ છોડીને તારી ખબર કાઢવા માટે સત્યભામાની સાથે વનમાં આવ્યા! ક્યારેક ક્યારેક આપણી પાસે કોઈ બેઠું હોય છે છતાં પણ આપણે બહુ દૂરનું વિચારતા હોઈએ છીએ!
બુદ્ધપુરુષ આપણને પ્રાપ્ત છે, કેવળ પરિચય થવો બાકી છે. ધ્યાન દેજો, કળિયુગમાં મને અને આપને સૌને બુદ્ધપુરુષ પ્રાપ્ત છે, પરિચય થવો બાકી છે. અરે! ઈશ્વર પ્રાપ્ત છે, પરિચય થવો બાકી છે. આપણને ક્યાં ખબર પડે છે કે આપણા ગુરુ કૃષક થઈને આપણા ક્ષેત્રનું પાલન કરે છે; આપણાં નાનાં-નાનાં બીજની રક્ષા કરે છે. આપણા ગુરુ સેવક છે. આપણા ગુરુ રક્ષક છે. આપણા ગુરુ ચિકિત્સક છે. આપણા ગુરુ વૈજ્ઞાનિક છે.