ગઇ કાલે રાત્રે અચાનક ટી.વી. ચેનલ ઉપર સમાચારો વહેતાં થયા. ક્ષત્રિય અગ્રણીઓની સંકલન સમિતિ અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજાનાર છે. ઘડિયાળનો કાંટો રાત્રીના દસ વાગ્યા બાદ આગળ વધવા માંડ્યો. શરૂઆતમાં ગુજરાત ફર્સ્ટ ચેનલે આ સમાચાર બ્રેક કર્યા. થોડી વારમાં એબીપી અસ્મિતા સહિતની ચેનલોએ તેમની ટીમને લાઇવ કવરેજ માટે કામે લગાડી રાત્રીના બાર વાગ્યા સૂધીમા તો માહોલ કતલની રાતમાં બદલાઇ ગયો. સ્થળ હતું ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ. જયાં ક્ષત્રિય અગ્રણીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે બેઠક શરુ થઇ.
જે રીતનો માહોલ જામ્યો હતો અને ટી.વી. એન્કરો અને રિપોર્ટરોએ માહોલ જમાવ્યો હતો તે જોતાં એવું જ લાગતું હતું કે આ બેઠકમાં રાજકોટની બહુચર્ચીત બેઠકના વિવાદનો ઉકેલ આવી જશે. રવીવારના રાજકોટના વિરાટ ક્ષત્રિય સંમેલન બાદ ર૪ કલાકમાં જ આ બેઠક મળતી હોવાથી ભાજપ હાઇકમાન્ડ સંભવત: આ બેઠકમાં જ કોઇ સમાધાન કરી લેશે તેવું લાગતું હતું. પરંતુ એવુ ન થયુ. બે કલાકથી પણ વધુ લાંબી વાટા ઘાટ થઇ. જેમાં ક્ષત્રિય આંદોલનમાં મંચ ઉપર કે બહાર પણ જાહેરમાં ન દેખાયેલા કેટલાંક નેતાઓ દેખાયા. જેમાંના એક અનિરુધ્ધસિંહ રીબડાનો પણ સમાવેશ થતો હતો. તેઓ સંભવત: ક્ષત્રિય સમિતિ તરફથી વાટાઘાટોમાં ગયા હશે. સરકારે તેમને નોતરું આપ્યુ હશે તેવી અટકળ થઇ શકે. જો કે,જયરાજસિંહ જાડેજાના કટ્ટર હરિફની મહત્વની બેઠકમાં હાજરીની રાજકિય વર્તુળમાં ચોકકસ નોંધ લેવાઇ.
જો કે, આ બેઠક બાદ બહાર નિકળીને કોઇ જાહેરાત ક્ષત્રિય નેતાઓ ન કરી શકયા. તેઓ જે ઉત્સાહથી અંદર ગયા હતાં અને બહાર આવ્યા ત્યારની બોડી લેંગ્વેજમાં ફરક પડી ગયો હતો.
ભાજપ દેશનું સૌથી મોટુ સંગઠન છે અને આવા પડકારોનો સામનો કરવા તેમની પાસે તમામ સંશાધનો છે. તે આ બેઠકની ફળશ્રુતીથી વિચારી શકાય. રાત્ર લગભગ સવા બે વાગ્યે નકકી થઇ ગયુ હતું કે રૂપાલા અડિખમ છે. રૂપાલાના પોસ્ટરનું સુત્ર જ એ છે કે રૂપાલા અડિખમ. સાથે સાથે ભાજપ પણ અડિખમ છે. આ સંદેશ બાય એન્ડ લાર્જ આપી દેવાયો છે.
રવીવારે ક્ષત્રિય સમાજના ૯ર સંગઠને રતનપરના રણ મેદાન ઉપરથી ભાજપના કોર્ટમાં બોલ નાંખ્યો હતો એ બોલ ભાજપે ર૪ કલાકમાં જ ક્ષત્રિય સમાજના કોર્ટમાં નાંખી દીધો છે. હવે ક્ષત્રિય સમાજ પાસે લાંબા સંઘર્ષનો એક માર્ગ જ બચ્યો છે. કારણ કે આજે સવારે રાજકોટમાં રૂપાલાની ઉમેદવારી માટે સવારથી જ જે શકિતપ્રદર્શન થયુ છે એ કહે છે કે અડિખમ રૂપાલા.