- અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી રમકડાં અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ ઘુસાડાતું હતું
- સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ અને અમદાવાદના શંકાસ્પદોને સર્ચ કરવાની કવાયત
- સુરતના વધારે સરનામા હોવાથી સાઇબર ક્રાઇમે જુદી-જુદી ટીમો બનાવી તપાસ
અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી રમકડાં અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ ઘુસાડવાના મામલે સાઇબર ક્રાઇમે તપાસનો ધમધમાટ વધારી દીધો છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ યુએસના માધ્યમથી ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાઇબર ક્રાઇમ દ્વારા કબજે કરેલા 20થી વધુ પાર્સલોમાં સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ, અમદાવદની જુદી જુદી વ્યકિતઓ મગાવતા હતા. સાઇબર ક્રાઈમની તપાસમાં ડાર્કવેબ મારફતે ઉપયોગમાં લેવાતા ગેટ-વેની વિગતો સામે આવી છે, જેમાં કરોડોનું પેમેન્ટ કરાયું હોવાનું સામે આવ્યું છે.
શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાંથી રૂ. 48 લાખની કિંમતના ગાંજો અને કોકેન જેવા ડ્રગ્સનો જથ્થો ઝડપીને સાઇબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. જેની તપાસમાં સાઇબર ક્રાઇમને 35 જેટલા શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. જે નંબરોનો ઉપયોગ કરીને પાર્સલની ડિલીવરી લેવામાં આવતી હતી. ત્યારે પોલીસે જે નંબરોનો ઉપયોગ થતો તેને ટ્રેસ પણ કરવાનું શરૂ કર્યું છે. તેમજ જે ખોટા સરનામાં હતા, જેમાં બરોડા, રાજકોટ, અમદાવાદ અને સુરતના વધારે સરનામા હોવાથી સાઇબર ક્રાઇમે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ કરી છે.
રશિયાથી સુરતમાં ડ્રગ્સનું ત્રણ વખત પાર્સલ આવ્યું
ડાર્ક વેબથી ડ્રગ્સનો ઓર્ડર આપીને ફોરેન પોસ્ટ મારફતે અલગ અલગ કુરિયર કંપની થકી માફિયાઓ મોટા પ્રમાણમાં અમેરિકા, થાઇલેન્ડ અને કેનેડાથી ડ્રગ્સનો જથ્થો મંગાવતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુરતમાં પાર્ટી કરવા માટે બે જેટલા વ્યકિતએ 3 વખત રશિયાથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે આ બન્ને યુવકોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.