અગ્નિકાંડ, નકલીકાંડ સહિતના મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી
આગામી ૨૧મી ઓગષ્ટથી ત્રણ દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. દેશમાં અને ગુજરાતમાં ચૂંટણીઓમાં કોંગ્રેસના સારા દેખાવ બાદ વિરોધપક્ષમાં નવો આત્મવિશ્વાસ આવ્યો છે. સરકારને વિધાનસભાના સત્રમાં અગ્નિકાંડ, નકલી અધિકારી કાંડ તથા ડ્રગ્સ સહિતના મામલે વિપક્ષો ઘેરવાના મીજાજમાં છે. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં આ અંગે વ્યુહ રચના ઘડાનાર છે.
ત્રણ દિવસીય વિધાનસભા સત્રમાં સરકારી વિધેયકો જ રજૂ થવા છે ત્યારે ગૃહમાં રાજકોટ અગ્નિકાંડ, નકલીકાંડ સહિતના મુદ્દાઓ ઉઠાવી વિપક્ષ સરકારને ઘેરવા તૈયારી કરી છે. આ વખતે વિપક્ષ પાસે સરકારને ઘેરવાના ઘણાં મુદ્દાઓ છે ત્યારે સત્ર દરમિયાન કોંગ્રેસની કેવી ભૂમિકા રહે છે તે જોવું રહ્યું.
આ તરફ ગૃહમાં પહેલીવાર એવું જોવા મળશે કે વર્ષો સુધી ભાજપને ગાળો ભાંડનારા-આક્ષેપો કરનારા અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાએ મજબૂરવશ પાછલી હરોળમાં બેસવું પડશે. સાથે સાથે વિપક્ષના રાજકીય કટાક્ષ-ટોણા સાંભળવા પડશે. એટલું જ નહીં મંત્રી બનવાની લ્હાયમાં જેને ગાળો ભાંડતા હતાં તે ભાજપનો બચાવ કરવો પડશે. લડાયક મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાયા છે ત્યારે કોંગ્રેસને તેમની ખોટ વર્તાશે. કોંગ્રેસે વિધાનસભા સત્ર વખતે જ ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તેવુ આયોજન કર્યુ છે પણ ભાજપને કેટલાક મામલે બચાવ જ કરવો પડે તેવા અણસાર દેખાઇ રહ્યા છે.