ભારતીય નેપાળી કવિ રાજેન્દ્ર ભંડારીનો જન્મ ૧૯૫૬ માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિ.ના ક્લિમપોન્ગમાં થયેલો છે.તેઓ ૧૯૮૦થી સિક્કિમના ગંગટોક ની સરકારી કોલેજમાં નેપાળી ભાષાના ઍસોશિયેટ પ્રાધ્યાપક છે.અનેક પુરસ્કારોથી વિભૂષિત છે. કાવ્ય સર્જન પ્રક્રિયા વિષે હ્રદય અને મનના સમન્વયનો મત ધરાવે છે.
કાવ્યના શીર્ષક ‘અવિજ્ઞાપિત એકાન્ત’ ઉપરથી કાવ્યના ભાવપ્રદેશમમાં ટૂંકી લટાર મારીએ.
અર્થ કેન્દ્રી સમાજ વ્યવસ્થાના ભાગરૂપે આપણે વિજ્ઞાપન યા જાહેરાત યા જાહેરખબરના યુગમાં જીવીએ છીએ. એ પછી ચોપાનિયાં, અખબાર, ટી.વી, શાઈનબૉર્ડ કે અન્ય ઈલે.માસ મિડીયા હોય! આ બધાનો પ્રભાવ અને દુર્ભાવ વ્યક્તિગત અને સામૂહિક રીતે પણ હોય છે તો નર્યો વ્યાવસાયિક જ્યાં નબળા પોચા માણસ નામના ગ્રાહક પર ભૂરકી છાંટી ખરીદવા વશ કરી દે એવો રંગીન અને આકર્ષક!
કવિ આ વિજ્ઞાપનના નર્યા ભૌતિકજગતને જુદી રીતે અનુભવે છે. માણસ, માણસ મટીને બજારનો હાથવગો ગ્રાહક થઈ ગયો છે. એની પોતાની કોઈ પસંદગી નથી. વિજ્ઞાપન કરતી આજના યુગની ‘સેલિબ્રિટીઝ’ કહે તે સાબુ, તેલ, પરફ્યુમ, કપડાં વગેરે વગેરે જ ઉત્તમ ઉપભોગ્ય છે!
અનિશ્ચિતતામા ફસાયેલો ભોળો ગ્રાહક આ સેલિબ્રિટીઝ કહે તે સાચું માની લે છે !
કવિની મૂળ વાત તો એ છે કે આવી વિજ્ઞાપનની ભરમાર વચ્ચે જરૂરિયાતનો ખરો સામાન કોણ જાણે ક્યાં છુપાઈ જાય છે !
દા.ત. સવારે વિજ્ઞાપિત સાબુથી નાહી તો શકાયું, ફીણ પણ ધોવાઈ ગયા પણ સાંજે ઘેર આવ્યા પછી પેલો લલનાએ વિજ્ઞાપિત કરેલો સાબુ શરીર પર ચોંટેલો રહે છે ! દિવસ ભર ચહેરા પર પેલી ક્લિષ્ટ આત્મીયતા પીછો કરતી રહે છે ! અરે, વિજ્ઞાપનમા પથ્થર પર બતાવેલું હસતું ઑર્કિડ અને લલના ચહેરા પરનું સિન્થેટિક હાસ્ય કેવો રમણીય વિરોધ રચે છે !વિજ્ઞાપનની ચીજ વસ્તુઓની ભરમાર વચ્ચે કવિ નિજી એકાંત શોધે છે, જ્યાં વિજ્ઞાપન ન હોય !અંતે સાંજે ઘેર પાછા ફરતાં શરીર પર ચોંટેલા રેપર ખોલીને ફેંકી દે છે ખુલ્લી સપાટ જમીન પર ! કોઈ જ વિજ્ઞાપન ન હોય એવું માત્ર નિર્મળ નહાવાનું પાણી મળે છે…..કવિ એકાકાર થાય છે,અક્ષત આદિમ સંગીત જેવા પાણી સાથે…. કૃત્રિમ માનવસર્જિત જગતમાંથી આદિમ તત્વ પાણી સાથે કહો કે આધ્યાત્મિક સ્પર્શ પામે છે ઘરના બાથરૂમમાં રાહ જોતા પાણીનો. .કવિ એ દ્વારા જીવનની સંજીવની પામે છે..રોજ સાંજે..ભાવકને પણ આદિમનું જળસ્નાન કરાવે છે. સાચી કવિતા ભાવકને ભીતર તરફ દોરી જતી હોય છે .આ કવિતા એનું ઉદાહરણ છે.અસ્તુ.
ઊભા છીએ એમ જ એ વિચારે,
ખરીદવા વેચવું શું બજારે!
(સૌજન્ય સ્વીકાર: કવિનો અને સમકાલીન ભારતીય સાહિત્ય,160)