જીલ્લામાં વહીવટી તંત્રએ હકારાત્મક વલણ સાથે દબાણો, ટ્રાફીક, ઓવરલોડીંગ, પ્રીમોન્સૂન જેવી લોકઉપયોગી કામગીરી કરી
ગીર પંથકના ગામોનો જટીલ ગામતળનો પ્રશ્ન ઉકેલવા પંચાયત, મહેસુલ અને વન વિભાગની સયુંકત ટીમ બનાવીને કલેકટરે ઉકેલાયો
વહીવટી તંત્ર જ્યારે હકારાત્મક વલણ રાખીને વર્ષો જુની સમસ્યાઓના ઉકેલ કંઈ રીતે લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથ જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના નેતૃત્વમાં થઈ રહેલ કામગીરી પરથી સમજાય છે. જીલ્લાના ગીર પંથકના વર્ષો જુના 16 જેટલા ગામોના ગામતળના પડતર પ્રશ્નોનો વન વિભાગ, મહેસુલ અને પંચાયત વિભાગની સયુંકત ટીમ બનાવીને ઉકેલ લાવેલ છે. આવી રીતે પ્રિ-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ કાર્યરત કરવા જેવી લોકઉપયોગી કામગીરી વહીવટી તંત્ર કરી રહ્યુ છે.
જીલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ કામગીરી અંગે માહિતી આપતા જીલ્લા કલેકટરે ડી.ડી.જાડેજાએ જણાવેલ કે, ગીર પંથકના ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે વનવિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી બેઠકો કરી ઉકેલની દિશામાં આગળ વધ્યા છે. આ તમામ ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે જમીનો સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે. તે નિયમોનુસાર જ હોય અને ડિમાર્કેશન થવાથી ગ્રામ્ય વિસ્તારમાં સામૂદાયિક વિકાસના કામો જેવાં કે, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ જેવી સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વધુમાં વહીવટી તંત્ર દ્વારા બાબરિયામાં 60.62 હેક્ટર જમીન આપવામાં આવી છે. દબાણવાળા સ્થળો, પંચાયતના વિવિધ મુદ્દાઓ, માપણીના પ્રશ્નો વગેરે સમસ્યાઓનો ઉકેલ લાવીને ગામતળનો ઉકેલ લાવવા પ્રક્રિયા ચાલુ છે. વનવિભાગ સાથે મળીને વહીવટી તંત્રના સંકલન દ્વારા સર્વે થઈ રહ્યો છે અને પંચાયત વિભાગ, મહેસૂલ સહિતના વિભાગો સાથે સંયુક્ત રીતે નિયમોનુસાર કાર્યવાહી થઈ રહી છે. આ અંગે મનમાં કોઈપણ પ્રકારની શંકા-કુશંકાઓ રાખ્યા વગર કબજો સંભાળી વિકાસના કાર્યમાં મદદરૂપ બને.” વન વિભાગના પ્રશ્નોને લઈને જેપુર અને ભોજદે ગામના ગામતળની જે સમસ્યા છે. તેનો પણ થોડા સમયમાં ઉકેલ આવશે.
જ્યારે લીડ બેંક મેનેજર ચેતન ઝવેરીએ જણાવેલ કે, જે રીતે અન્ય સ્થળ માટે હાઉસિંગ લોન અપાતી હોય છે એ જ રીતે લોન આપવામાં આવશે વધુમાં ગ્રામ પંચાયતોને પણ કોમ્યુનિટી હોલ સહિતની જનહિત સુવિધાઓ માટે લોન ઉપલબ્ધ થશે. જે પણ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થતી હતી તેવા સ્થળોએ 18 કિ.મીમાં કાચી ગટર કરી 11 હજાર ઘનમીટર માટી કાઢવામાં આવી છે. લોકોના સહયોગથી કુલ 19 વોટર વે બ્લોક દુર કરાયા છે. તેઓ દ્વારા કુલ 38 પાઈપ સહિત અંદાજીત 95 મીટર પાઈપ નાખવામાં આવ્યા છે. ઉમરેઠી પાટિયા પાસે અતિક્રમણ પર ડિમોલેશન કરીને પાણીનું વહેણ હિરણ નદી તરફ વહે અને લોકોને અગવડતા ન પડે તે માટે 3 પાઈપનું પાઈપ કલવટ બનાવવામાં આવ્યું. જેથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે. તાલાળા-વેરાવળ ધોરીમાર્ગ પર જે પણ જગ્યાઓએ દબાણ કરેલા વિવિધ સ્થળો દ્વારા બ્લેકસ્પોટ જનરેટ થતાં હતાં. એવા ગેરકાયદેસર દબાણોને દૂર કરી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. આ માર્ગ પહોળો થવાના કારણે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે.
જીલ્લામાં ચાલતી ખાણખનીજ ચોરી, ઓવરલોડિંગ વાહનો, અનધિકૃત સામાનની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા ડારી ટોલપ્લાઝા, નલિયા-માંડવી ચેકપોસ્ટ, ગુંદરણ ચોકડી સહિતની જગ્યાઓએ ત્રણ સર્વેલન્સ ટીમની રચના કરીને વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગમાં તા.21,22 અને 23 એમ ત્રણ દિવસમાં 39 વાહનોને દંડ કરી અને રૂ. 3,47,156ની વસૂલાત કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી વહીવટી તંત્રના અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.