પ્રૌઢાવસ્થાની સ્થિતિમાંથી પસાર થવું એટલે અમુક અંશે એમ કહી શકાય કે યુવા ઊર્જા જતી રહેવી. જ્યારે તમે યૌવનથી છલકાતા હશો, ત્યારે તમે કદાચ બિન્ધાસ્ત જીવન ગુજાર્યું હશે. હવે એ ઊર્જા, એ જુસ્સો રહ્યો ન હોવાથી તમે સવારના ચાર વાગ્યા સુધી પાર્ટી મહાલી શકતા નથી.
આથી તમને લાગે છે કે કોઈ મોટી આફત આવી પડી છે. પ્રૌઢાવસ્થા સંતુલિત હોવી જોઇએ ખરું કે નહીં? યુવાનીની સમસ્યાઓ પૂરી થઈ ચૂકી છે, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ આવવાને હજી વાર છે. પ્રૌઢાવસ્થા તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ તબક્કો હોવો જોઈએ, પરંતુ તમે તેને આફત તરીકે જુઓ છો. વાસ્તવમાં પ્રૌઢાવસ્થા નહીં, બલ્કે તમે આફતરૂપ છો.
તમે જેને આફત કહો છો, એ કેવળ પરિવર્તન છે અને આ પરિવર્તનને કેવી રીતે સ્વીકારવું તે તમે નથી જાણતા, આથી તમે તેને આફત કહો છો. જો તમે પરિવર્તન ન ઈચ્છતા હોવ, તો કાં તો તમારે જીવન સંકેલી લેવું જોઈએ અથવા પછી પ્રબુદ્ધ થવું જોઈએ. અન્યથા જ્યાં સુધી તમે અસ્તિત્વની શારીરિક પ્રક્રિયાના ભાગ છો, ત્યાં સુધી એવું કશું જ નથી જે પરિવર્તન ન પામતું હોય. આ ક્ષણે તમે શ્વાસ લો છો, બીજી ક્ષણે તમે શ્વાસ કાઢો છો, તે પરિવર્તન છે. જ્યારે તમે બદલાવને અટકાવો છો, ત્યારે તમે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો પ્રતિકાર કરો છો અને આમ કરીને તમે તમામ પ્રકારની મુશ્કેલીઓ નોતરો છો. જીવન એટલે જુદી જુદી પરિસ્થિતિઓ. કેટલીક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે આપણે જાણીએ છીએ. તો વળી કેટલીક પરિસ્થિતિઓને કેવી રીતે થાળે પાડવી તે આપણે જાણતા નથી. જો તમે એવું જીવન જીવતા હોવ કે જેમાં તમે સામે આવનારી દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણતા હોવ, તો તમે જીવનથી કંટાળી જશો, પણ જો તમે આવનારી પરિસ્થિતિનો સામનો શી રીતે કરવો તે ન જાણતા હોવ, તો તમારે રોમાંચ અનુભવવો જોઈએ, તેને સ્થાને તમે તેને એક આફત માનો છો. તમે ચાળીસ વર્ષના હોવ અને તમે હજી પણ અઢાર વર્ષના ટીનેજરની માફક જિંદગી જીવવા ઈચ્છતા હોવ, તો ચાળીસની વય તમને સમસ્યારૂપ જ લાગશે. સમસ્યા કે આફત જેવું કશું જ હોતું નથી, તમારા જીવનમાં ફક્ત પરિસ્થિતિઓ સર્જાય છે. જીવનમાં તો કોઈ પણ રીતે બદલાવ આવશે જ. તો શું આ જીવન તમે ઈચ્છો છો તે પ્રમાણે બદલાઈ રહ્યું છે કે પછી અનિશ્ચિત રીતે બદલાઈ રહ્યું છે? તે મહત્ત્વનો પ્રશ્ન છે.
ભલે જે કોઈ પણ રીતે તે બદલાય, પણ નિષ્ક્રિયતા કરતાં તો સારું જ છે, કારણ કે માનવજીવન નિષ્ક્રિયતા સહન કરી શકતું નથી. `પ્રૌઢાવસ્થાની આફત’નો અર્થ થાય છે, `મારું જીવન નિષ્ક્રિય થઈ રહ્યું છે.’ `બધું જેમનું તેમ છે, તે જ ઘર, તે જ ડિશવોશિંગ, તે જ પતિ બધું એકસમાન છે.’ આ `બધું જેમનું તેમ છે’ એ કેવળ તમારું માનસિક તારણ છે. બાકી રોજ, પ્રત્યેક ક્ષણે અસ્તિત્વમાં પરિવર્તન આવતું રહે છે. તમારા શરીરમાં ફેરફાર થાય છે, તમારા દિમાગમાં ફેરફાર થાય છે, બધામાં ફેરફાર થાય છે, પણ તમારી પાસે જીવનનો દૃષ્ટિકોણ નથી. જો તમે તમારી આસપાસના દરેક પાંદડાનું ધ્યાનથી અવલોકન કરતા હોવ, આસપાસમાં બનતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોવ, તો તમે જોશો કે જીવન સતત પરિવર્તન પામતી પ્રક્રિયા છે, કશું પણ સ્થિર નથી. અંદર અને બહાર બધું જ પરિવર્તનની પ્રક્રિયામાં ગતિશીલ રહે છે. જો તમે જીવન સાથે કદમ મિલાવશો, તો તમને કદી પણ તેમાં સમસ્યા કે આફત નહીં અનુભવાય, પણ તમે ફક્ત તમારા વિચારો અને સંવેદનાઓ પર જ ધ્યાન આપો છો, આથી તમને તે આફતરૂપ લાગે છે.