લિંગભૈરવી દેવીનું નિર્માણ સાડા ત્રણ ચક્રોથી થયું છે : મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક અને અડધું અનાહત. સાથે જ આપણે તેમને `ત્રિનેત્રિની’ પણ કહીએ છીએ. મતલબ કે `જેને ત્રીજી આંખ છે.’ પણ ત્રીજી આંખ તો સામાન્ય રીતે આજ્ઞાચક્ર સાથે જોડાયેલી હોય છે. અહીં સદ્ગુરુ વિરોધાભાસ જેવી લાગતી આ વાતને સ્પષ્ટ રીતે સમજાવે છે.
ત્રીજી આંખનું કોઈ એવું ભૌતિક સ્થાન નથી, જેવું તમે વિચારો છો, કેમ કે તમારી બે આંખ અહીં છે, તો તમને લાગે છે કે ત્રીજી આંખ ક્યાંક વચ્ચે હોવી જોઈએ. તે એવું નથી. વાત બસ એટલી જ છે કે આ બે આંખો માત્ર એ જ જોઈ શકે જે પ્રકાશને રોકે છે. તમે કોઈ વસ્તુ બસ એટલે જ જોઈ શકો છો, કારણ કે તે પ્રકાશને રોકે છે. માની લો કે તે વસ્તુ એવી બની જાય કે તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ જાય. જો તે બિલકુલ પારદર્શક હોય, તો તમે તેને જોઈ નહિ શકો.
તમે આસપાસની વસ્તુઓ જોઈ શકો છો તેનું એકમાત્ર કારણ એ છે કે હવા પારદર્શક છે. જો હવા પ્રકાશને રોકી દે, તો તમે કંઇ પણ જોઈ નહિ શકો. તો આ બે આંખોથી તમે બસ એ જ જોઈ શકો છો જે ભૌતિક છે. ભૌતિક આયામમાં પણ તમે બધી ભૌતિક વસ્તુઓ નથી જોઈ શકતા. આ બે આંખોથી તમે ભૌતિકતાના બસ સૌથી સ્થૂળ પાસાંઓને જ જોઈ શકો છો. તમે હવા નથી જોઈ શકતા, કારણ કે તે પ્રકાશને રોકતી નથી. જોકે, હવાની પ્રકૃતિ પણ ભૌતિક છે. ભૌતિકતાથી પરેની કોઈ વસ્તુ આ બે આંખોથી જોઈ શકાતી નથી.
જે ક્ષણે તમે ભૌતિક પ્રકૃતિથી પરેની કોઈ ચીજને જોઈ શકો, અનુભવી શકો અને તેનો બોધ કરી શકો, તો કહી શકાય કે તમારી ત્રીજી આંખ ખૂલી ગઈ છે. દેવીની ત્રીજી આંખ બસ પ્રતીક છે. તે બસ એટલું જ છે કે આજ્ઞા ચક્રનો સંબંધ જાણવા સાથે છે, એટલે ત્રીજી આંખને સામાન્ય રીતે બે આંખોની વચ્ચે દર્શાવવામાં આવે છે. હકીકતમાં તે કોઈ એક સ્થાન પર નથી.
માની લો કે હું કોઈ જગ્યાએ જાઉં અને કોઈ ઊર્જાનો મને અનુભવ થાય કે ત્યાં કંઇક થઈ રહ્યું હોય તો સૌથી પહેલાં હું આંખો બંધ કરું છું, આંગળીઓને સક્રિય કરું છું અને મારી ડાબી હથેળી નીચેની તરફ રાખીને જોઉં છું કે શું થઈ રહ્યું છે. માની લો કે તમને એ ખબર નથી કે કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી, તો તમે પણ તમારી હથેળી તેના પર રાખીને અનુભવ કરો છો. તો શું તેનો અર્થ એ છે કે તમારી ત્રીજી આંખ તમારી આંગળીમાં છે? હા, એ સમયે એક રીતે તે ત્યાં છે, પણ ત્રીજી આંખને કોઈ ભૌતિક સ્થાન નથી. તે શારીરિક વસ્તુ નથી. તે એક બોધ છે.
જ્યારે આપણે કોઈ એવી વસ્તુના બોધ વિશે વાત કરીએ છીએ જે ભૌતિક નથી, તો ત્રીજી આંખને શરીરના કોઈ એક સ્થાને મૂકવાનો પ્રયાસ ના કરશો. જે ભૌતિક નથી, તેને અહીં કે ત્યાં હોવાની વિવશતા નથી. તે અહીં પણ હોઈ શકે છે અને ત્યાં પણ. જ્યારે તમે એવી વસ્તુ સાથે કામ કરી રહ્યા છો જે ભૌતિક નથી, તો તમારે એ ન જોવું જોઈએ કે તે ક્યાં છે. જ્યારે તમે એવા આયામની વાત કરો છો જે ભૌતિક નથી, તો એ લાગુ પડતું નથી કે તે અહીં છે કે ત્યાં છે. જે કંઇ પણ ભૌતિક નથી, તેને સ્થાન લાગુ પડતું નથી. બસ ભૌતિકતાને જગ્યા અને સ્થાન જોઈએ. જે ભૌતિક નથી તેનું કોઈ સ્થાન નથી, તેનું કોઈ ઠેકાણું નથી. તો શું દેવીને ત્રીજી આંખ છે? બિલકુલ છે. શું દેવી પાસે સાડા ત્રણ ચક્રો છે? હા.