૧૯ એપ્રિલથી ૧જુન અંદાજે ૪ર દિવસ લાંબી ચૂંટણી નેતાઓને પણ નિચોવી નાંખે
આટલા મોટા દેશમાં મુદાઓની ભરમાર વચ્ચે કયાંય નજરે નહોતી. દેખાતી એવી ઉપાધીઓ આવી પડી
ર૦ર૪ની ચૂંટણીની અવધિ ખુબ લાંબી છે. ૧૯ એપ્રિલથી શરૂ થયેલું મતદાન ૧જુન ર૦ર૪ના રોજ સાતમા તબકકામાં પૂર્ણ થશે. ૪જુન ર૦ર૪ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે. ઇસ રાત કી સુબહ કબ હોગી ? અંદાજે ૪ર દિવસ લાંબા રણસંગ્રામ ૯૭ કરોડ મતદારો સુધી પહોંચવાનો પડકાર,વળી એપ્રિલ મહિના અને મે મહિનામાં ધોમ ધખતાં તાપ વચ્ચે પ્રવાસ આવખત સાત તબકકાની ચૂંટણી અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી પડકારજનક બની રહી. ખાસ કરીને રાષ્ટ્રિય નેતાઓને થકવી નાંખનારી,નિંચોવી નાંખનારી બની રહી. સિનિયર રાજકિય નેતા પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી યશવંત સિંહાએ કહયુ કે ભારત જેવા દેશમાં આટલી લાંબી અવધિમાં ચૂંટણી ન કરવી જોઇએ. તેની અવધિ અને તબકકા ઓછા રાખવા જોઇએ.
તેમણે એવો ઇશારો કર્યો છે કે કદાચ વડાપ્રધાન દેશભરમાં તેમની સભાઓ ગજવી શકે એટલા માટે ચૂંટણી શેડયુલ આ રીતે ગોઠવાયો હોય. પરંતુ આ બાબત ખુદ વડાપ્રધાન અને ભાજપની વિરૂધ્ધ જઇ રહી હોય એવુ લાગે છે. કારણ કે આટલા મોટા દેશમાં દોઢ મહિના દરમિયાન સપાટી ઉપર ન હોય એવા મુદાઓ અને પડકાર સામે આવી શકે છે. વિશાળ દેશ હોવાથી કુદરતી ઉપાધિ કે કુદરતી ઘટનાઓ એવી બને છે તેનો સીધો પડકાર સતાધારી પક્ષને જ જીલવો પડે છે.
કદચા વડાપ્રધાન આ જ ચક્રવ્યુહમાં રાષ્ટ્રિય કક્ષાએ ફસા ચુકયા છે. તેઓ મુદાઓ ઉપરથી ભટકી રહયા છે. કોંગ્રેસને પણ મૂશ્કેલીઓ આવી રહી છે. શામ પિત્રોડાએ કરેલા ભારતની વંશિય ટીપ્પણી બાદ તેમને કોંગ્રેસના ઓવરસીઝ આંતરરાષ્ટ્રિય સંગઠનમાંથી રાતો રાત સસ્પેન્ડ કરવા પડયા છે.
વડાપ્રધાના કિસ્સામાં રામમંદિર,હિન્દુ મુસ્લીમ,મંગળસૂત્ર,કોંગ્રેસવાળા ભેંસ લઇ જશે,શામ પિત્રોડાના વિધાન સામે વડાપ્રધાની પ્રતિક્રિયા અને છેલ્લે અંબાણી અડાણી કોંગ્રેસને ટેમ્પા ભરીને પૈસા મોકલે છે એ વિધાને સૌને ચોંકાવી દીધા છે. દેશવાસીઓએ નહેરુ,વાજપેયી,મનમોહનસિંહ જેવા સ્ટેટસમેન ટાઇપ વડાપ્રધાન જોયા છે. તેઓ સતાધારી પક્ષના નેતા હતાં ત્યારે તેમના પ્રવચનમાં દેશના વડાપ્રધાનપદની ગરિમા રહી છે. ચૂંટણીના જય પરાજયના ગમે તેવા દબાણમાં તેઓ સ્થીર (સ્ટેબલ હેડ) રહયા હતાં. કયારેક રમુજ,કટાક્ષ,વ્યંગ દ્વારા કે કયારે કવિતા કે શેરો શાયરી દ્વારા વાતાવરણ હળવું કરી અને માર્મિકમાં માર્મિક વાત લોકો સુધી પહોંચાડી દેતાં હતાં. તેમાં પણ એક પોલિટિકલ પોએટ્રી રહેતી હતી.
આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને વડાપ્રધાનની સ્પીચ અને મુદાઓએ તબકકા બદલતાં ગયા તેમ તેમ જે પરિવર્તન આવ્યા છે તેની દેશભરમાં નોંધ લેવાઇ છે. ખાસ કરીને વડાપ્રધાનના સમર્થક સમિક્ષકો દેશના જાણીતા યુ-ટયુબરો અને રાજકિય અભ્યાસુઓ કોઇ એક મુદા ઉપર ન ટકતી ચૂંટણી અંગે ધ્યાન દોરે છે. આ માટે સાત સાત તબકકાની ચૂંટણી ને કારણભૂત ગણે છે.
ખાસ કરીને યશવંતસિંહાની એક વાત ધ્યાને લેવા જેવી છે. ઓવર એકસ્પોઝર.દેશના વડાપ્રધાન ચૂંટણી વગર પણ ર૪ x ૭ ટી.વી.સોશિયલ મિડિયા,અખબારો,ભાજપના પ્રચાર સાહિત્યમાં વગેરે સ્થળે એટલાં બધા પ્રચારમાં રહ્યા છે કે તેને કારણે લોકોમાં સેચ્યુરેશન પોઇન્ટ આવી ગયો હોય ફેટીગ ફેકટર આવી ગયુ હોય. (કંટાળો,બોરડમ) આવી ગયુ હોય.
બાજ નજરવાળા લોકોએ તો એ પણ નોંધ્યુ કે મોદીની ગેરંટી અને દસ વર્ષમાં ખુબ મોટા પાયે વિકાસના કામો થયા, રામમંદિર, કાશ્મિર 3૭૦ કલમ હટાવવી, ત્રિપલ તલાક સહિતના કામો થયા. ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખુબ જ દેખિતા કામ થયા. ભારતની વિશ્વ નીતિની ખુબ પ્રસંશા ભાજપ દ્વારા થઇ. તો આ મુદાઓ સભાઓમાં અને મુખ્ય પ્રચારમાં કેમ ન ચાલ્યા.
મોદી ગેરંટી મુદ્દાથી શરૂઆત થઇ.પાડા અને આખલાથી વાત અંબાણી,અડાણી સુધી કેમ પહોંચી.? ભટકતાં મુદાઓ ઓવર એકસપોઝરનું પરિણામ છે ? કદાચ દસ વર્ષના શાસન બાદ આ બધી બાબતોનો એટલી બધી વખત પુનરોચ્ચાર થઇ ગયો કે તેની મતદારોને અસર નથી થતી. એટલે જ વડાપ્રધાનની લોકપ્રિયતા ધરાવતાં વિસ્તારોમાં ત્રણ તબકકાઓનું મતદાન થયુ તેમાં એકંદરે ઓછુ મતદાન થયુ. ચૂંટણીમાં ગરમી લાવવા વડાપ્રધાન મોદીએ અદાણી-અંબાણી ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળુ નાણું પહોંચાડે છે એવા આક્ષેપ જાહેરસભામાંથી કરી ભૂકંપ સર્જી દીધો છે. રાહુલ ગાંધીએ ખુબ જ ત્વરાથી પગલાં લેવા વડાપ્રધાનને ચેલેન્જ ફેંકી છે. આ મુદાને પલટાયેલા પવન અને ઉદ્યોગકારોની દુધ-દહિંમાં પગ રાખવાની માનસિકતા સાથે જોડવામાં આવી રહી છે. આ ખુબ જ રસપ્રદ અને લાંબાગાળાની અસર કરનારો મુદો બની રહેશે. સપાટી ઉપરથી ચાલ્યો જશે. પરંતુ ભારતિય શેર બજાર અને સટ્ટા બજારમાં આ મુદાની સુનામી સર્જાશે. ખાસ કરીને બજાર સ્કવેર અપ થશે.ખરેખર ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહિ છે. આ દેશ કોઇ એક વ્યકિત કે નેતાથી ખુબ વિશાળ છે. ૯૭ કરોડ મતદારોની કસોટીમાંથી પાર થવું એ વિશ્વની સૌથી મોટી પડકાર છે. જે જીતશે એ ખરેખર સિકન્દર હશે.